લંડનઃ ભારતીય માલિકીના પબ કાસ્ક એન તંદૂર દ્વારા કાનૂની જોગવાઈનો ભંગ કરી પ્રસિદ્ધ નાટ્યકાર, લેખક વિલિયમ શેક્સપીઅરની પત્ની એન હેથવેના જન્મસ્થળ કોટેજથી માત્ર 200 મીટર દૂર બાંધકામ કરાયાના આક્ષેપસર તેને તોડી પડાય તેવી શક્યતા છે. ધ શેક્સપીઅર બર્થપ્લેસ ટ્રસ્ટ દ્વારા દાવો કરાયો છે કે હોટેલિયર રાકેશ સિંહની માલિકીની જમીન પર બાંધકામને મર્યાદિત બનાવતી કાનૂની જોગવાઈનું ઉલ્લ્ંઘન કરાયું છે. ચેરિટીએ રાકેશ સિંહ સામે કાનૂની કાર્યવાહી આરંભી છે.
એન હેથવેનું કોટેજ 1463માં બંધાયું હતું. વોરવિકશાયરના શોટ્ટેરી વિલેજમાં કાસ્ક એન તંદૂરથી તે માત્ર 200 મીટર દૂર છે. રાકેશ સિંહે તેમની ફોર સ્ટાર બર્નસાઈડ હોટેલની જમીન પર માર્ચમાં આ પબ ખોલી હતી. સિંહે એક માળની પબ અને પેશિયો એરિયા માટે પરમિશનની અરજી કરી હતી. ગામવાસીઓએ શાંત વિસ્તારમાં ભારે ખલેલનું કારણ રજૂ કરી જોરદાર વિરોધ કર્યો હતો. જોકે, સ્ટ્રેટફોર્ડ-ઓન-એવોન ડ્સ્ટ્રિક્ટડ કાઉન્સિલે ક્ષેત્રીય બાયોડાઈવર્સિટીને નુકસાન અને વધારાના બાંધકામના કારણોસર16 ડિસેમ્બરે તેનો પ્લાન નામંજૂર કર્યો હતો. સિંહે જણાવ્યું હતું કે તેઓ અપીલ કરશે અથવા નવેસરથી પ્લાનિંગ એપ્લિકેશન સબમિટ કરશે.

