શેડો બેન્ક એમએફએસના પતન માટે બાર્કલેઝ જવાબદારઃ પરેશ રાજા

એમએફઅસ ક્યારેય નાદાર નહોતી અને લોનની ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ નહોતીઃ રાજા

Tuesday 29th September 2026 10:55 EDT
 
 

લંડનઃ માર્કેટ ફાઇનાન્સિયલ સોલ્યૂશન્સના પૂર્વ સીઇઓ પરેશ રાજાએ શેડો બેન્ક પડી ભાંગવા પાછળ બાર્કલે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નવેમ્બર 2025માં બાર્કલેએ એમએફએસના એકાઉન્ટ્સ ફ્રિઝ કર્યા ત્યારે તેમાં 145 મિલિયન પાઉન્ડ જમા હતા. એમએફએસ આ પહેલાં કોઇપણ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઇ નહોતી કે લોન ડિફોલ્ટ કરી નહોતી. એમએફએસ પડી ભાંગવા માટે ગયા નવેમ્બરમાં તેના એકાઉન્ટ્સ ફ્રિઝ કરાયા તે બાબત જવાબદાર હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પરેશ રાજા પર બાર્કલેઝ, સેન્ટેન્ડર, વેલ્સ ફાર્ગો અને જેફરીઝ સહિતના લેણદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમએફએસ સંચાલિત ફંડમાંથી 408 મિલિયન પાઉન્ડથી વધુની રકમ યુકે, મોનાકો, સિંગાપોર અને યુએઈ ખાતેના તેમના વ્યક્તિગત ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, રાજાએ આ પ્રકારની કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે.

રાજાના વકીલોએ દલીલ કરી છે કે બાર્કલેઝ દ્વારા ચૂકવણીઓ સ્થગિત કરી દેવાને કારણે સમગ્ર વ્યવસાય ઠપ્પ થઈ ગયો હતો. એમએફઅસ ક્યારેય આર્થિક રીતે નાદાર નહોતી અને કંપનીએ લોનની ચુકવણીમાં કોઈ ડિફોલ્ટ કર્યું નહોતું. રાજાના વકીલોએ 1.3 બિલિયન પાઉન્ડની આંકડાકીય રકમ સામે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ આંકડો ખામીયુક્ત ગણતરીઓનું પરિણામ છે અને તેમાં એમએફએસ ગ્રુપની ઓછામાં ઓછી 950 મિલિયન પાઉન્ડની સંપત્તિઓને ધ્યાનમાં લેવામાં આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter