લંડન
માનવતા જાણે કે મરી પરવારી છે. મેડિકલ ક્ષેત્ર માનવસેવાનું અગ્રણી ક્ષેત્ર મનાય છે તેમ છતાં હવે આ સેક્ટરમાં પણ સંવેદનહીનતા વ્યાપક બની ચૂકી છે. તાજેતરમાં જ એક પરિવારે દાવો કર્યો છે કે અમારા દીકરાની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવાતી હતી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ હસતો હતો જેના કારણે અમને પારાવાર દુઃખ પહોંચ્યું છે. વર્ષો લાંબી બીમારી બાદ પાંચ વર્ષના મુહમ્મદ અયાન હારૂનનું પાંચ વર્ષની વયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેના પિતા હારૂન રશીદે જણાવ્યું હતું કે, મારા દીકરાની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવાતી હતી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ પરદા પાછળ ઊભો રહીને હસતો હતો. હારૂને હવે શેફિલ્ડ ચીલ્ડ્રન હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલના વડાઓએ આ મામલામાં સંપુર્ણ તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું છે.
અયાન એક ભાગ્યે જ જોવા મળતી જિનેટિક કન્ડિશન ધરાવતો હતો જેના કારણે તેનો વિકાસ રૂંધાઇ ગયો હતો અને તેને જન્મથી જ શ્વાસની તકલીફ રહેતી હતી. પાંચમી માર્ચે તેને આ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો અને 13મી માર્ચે તેની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત થયું હતું.
હારૂને જણાવ્યું હતું કે, અયાનની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવાઇ ત્યારે અમારા પરિવારના ઘણા સભ્યો હાજર હતાં. એકતરફ અમે માતમ મનાવી રહ્યાં હતાં ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ખડખડાટ હસી રહ્યો હતો. અમે તેમને અટકાવ્યાં છતાં તેઓ ઠઠ્ઠા મશ્કરીમાં વ્યસ્ત રહ્યાં હતાં.
હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. જેફ પેર્રિંગે જણાવ્યું હતું કે, અમે પરિવારની ફરિયાદની ગંભીર તપાસ કરીશું.


