એકતરફ બ્રિટનના લાખો પરિવારો ઇંધણ અને વીજળીના ભાવવધારાની ચક્કીમાં પીસાઇ રહ્યાં છે ત્યારે દેશની એનર્જી જાયન્ટ કંપની શેલનો નફો છેલ્લા ત્રિમાસિકમાં બમણો થઇને £8,000,000,000 પર પહોંચી ગયો છે. આ સાથે શેલ કંપનીનો વાર્ષિક નફો 25 બિલિયન પાઉન્ડ પર પહોંચશે. લેબર પાર્ટીએ જણાવ્યું છે કે એનર્જી કંપનીના તગડા નફાને કારણે નવા વડાપ્રધાન માટે વધુ વિન્ડફોલ ટેક્સ લાદવામાં સરળતા રહેશે. શેડો ક્લાઇમેટ ચેન્જ સેક્રેટરી એડ મિલિબેન્ડે જણાવ્યું હતું કે, લાખો પરિવારો એનર્જી બિલ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે ત્યારે શેલ કંપનીએ છેલ્લા ત્રિમાસિકમાં રેકોર્ડ નફો કર્યો છે. એનર્જી કંપનીઓ પર વધુ વિન્ડફોલ ટેક્સ નાખવા માટેનો આ એક વધુ પુરાવો છે. ક્રુડ ઓઇલ અને ગેસની કિંમતોમાં કડાકો બોલી જતાં શેલ આ વર્ષે રેકોર્ડ નફો કરવા જઇ રહી છે.
એનર્જી કંપનીના તગડા નફાને જોતાં વડાપ્રધાન રિશી સુનાક વિન્ડ ફોલ ટેક્સમાં વધારો કરવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. વિન્ડ ફોલ ટેક્સ દ્વારા તેઓ અબજો પાઉન્ડ સરકારી તિજોરીમાં લાવી શકશે. વિન્ડફોલ ટેક્સમાં વધારા અંગેના સવાલનો જવાબ આપતાં વડાપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલના આર્થિક સંજોગોને જોતાં વડાપ્રધાન તમામ વિકલ્પો પર વિચારણા કરી રહ્યાં છે. આ ઉપરાંત સરકાર બેન્કોના નફા પર વસૂલાતો ટેક્સ પણ વધારવાની યોજના તૈયાર કરી રહી છે.