લંડનઃ કાયદા કંપનીમાં કામ મેળવવા માટે ફર્સ્ટ ક્લાસ લૉ ડિગ્રી મેળવી હોવાનો ખોટો દાવો કરનારા સોલિસિટર 39 વર્ષીય વિશાલ પટેલની હકાલપટ્ટી કરવામાં આવી છે. 2020માં સોલિસિટર તરીકે ક્વોલિફાય થયેલા વિશાલ પટેલ 2023માં સસ્પેન્ડ કરાયા ત્યાં સુધી અવિવા ઇન્શ્યુરન્સમાં લીગલ કાઉન્સેલ તરીકે ફરજ બજાવતા હતા.
ટ્રિબ્યુનલમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે, વિશાલ પટેલે તેમના સીવીમાં પોતાની શૈક્ષણિક લાયકાત અંગે અલગ અલગ અને ખોટી માહિતી રજૂ કરી હતી. તેમણે અનુભવ અંગેની પણ ખોટી માહિતી આપી હતી.
વિશાલ પટેલે એક રિક્રુટમેન્ટ એજન્સીના માધ્યમથી સ્ક્વીર પેટ્ટન બોગ્સ ખાતે એસોસિએટ તરીકેની કામગીરી માટે અરજી કરી હતી. કંપનીએ વિશાલ પટેલને જણાવ્યું હતું કે, તમારી અગાઉની નોકરીની પૂરી ચકાસણી બાદ તમને અમે નોકરી પર રાખી શકીશું. ચકાસણી દરમિયાન વિશાલ પટેલના સીવીમાં ઘણી ખામીઓ અને ખોટી માહિતી સામે આવી હતી.

