શૈલેશ વારા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના નવા સહઅધ્યક્ષ

Wednesday 21st September 2016 06:41 EDT
 
 

લંડનઃ ટોરી પાર્ટીના સાંસદ શૈલેશ વારાને રણજિતસિંહ બક્ષી સાથે સંયુક્તપણે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના નવા સહઅધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રધાનમંડળમાં ફેરફારોના પગલે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ અને સાંસદ આલોક શર્માને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં મિનિસ્ટર ઓફ એશિયા બનાવાતા શૈલેશ વારાની નિયુક્તિ થઈ છે. આલોક શર્મા બ્રેક્ઝિટ પછી ભારત સાથે મહત્ત્વપૂર્ણ સંબંધો બાંધવા ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન સાથે કાર્ય કરશે.

વારાએ અગાઉ પણ આ પદ સંભાળ્યું છે ત્યારે તેઓ અનુભવનું ભાથુ લઈને આવ્યા છે. તેમણે પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર, વર્ક એન્ડ પેન્શન્સ વિભાગમાં મિનિસ્ટર તેમજ ગવર્મેન્ટ વ્હીપ તરીકે કામગીરીઓ સંભાળી છે. યુકે અને ભારત વચ્ચે ગાઢ સંબંધો વિકસાવવામાં પ્રદાનને અનુલક્ષી ભારત સરકારે ૨૦૧૪માં તેમને પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ એનાયત કર્યો હતો. મૂળ ભારતીય, પરંતુ હવે વિદેશમાં રહેતા લોકોને ભારત સરકાર આ સર્વોચ્ચ એવોર્ડ આપે છે.

શૈલેશ વારાએ પોતાની પુનઃનિયુક્તિ અંગે કહ્યું હતું કે સીએફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ તરીકે પાછા ફરતા મને આનંદ થયો છે. કન્ઝર્વેટીવ પાર્ટી અને ભારતીય ડાયસ્પોરા વચ્ચેનો સંબંધ દિવસે દિવસે વધી રહ્યો છે અને તેને હજુ આગળ લઈ જવા હું આતુર છું. કન્ઝર્વેટીવ પાર્ટીના બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા તેમજ ભારત સાથે આપણા સંબંધોને ઘનિષ્ઠ બનાવવાના સંદર્ભે ઘણા કાર્યો કરવાના છે. સીએફ ઈન્ડિયા આપણી પાર્ટીના સૌથી વધુ જોડાણ ધરાવતાં ગ્રૂપ્સમાં એક છે અને ગ્રૂપને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ અને સક્ષમ રણજિત બક્ષી સાથે કામ કરવા હું ઉત્સુક છું.’

સહ અધ્યક્ષ રણજિતસિંહ બક્ષીએ શૈલેશ વારાને તેમની નિયુક્તિ બદલ આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી વર્ષ માટે અમારા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરી દેવાયું છે. યુકેમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ રાજકારણીઓમાંના એકની નક્કર સલાહ અને વિચારો થકી અમને પ્રગતિ સાધવામાં મદદ મળશે. શૈલેશ વારા તેમના હાથ પરના કોઈપણ કાર્ય માટે સમય અને પ્રયાસો ફાળવી કાર્ય પૂરું કરીને ઝંપે છે. તેમને અમારી સાથે કાર્ય કરતા નિહાળવા અમે આતુર છીએ.’

કન્ઝર્વેટીવ પાર્ટીના ચેરમેન પેટ્રીક મેકલોઘ્લીને પણ વારાની નિયુક્તને આવકારતા કહ્યું હતું કે,‘શૈલેશ વારા સીએફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયાનો મને આનંદ છે. તેઓ ભૂતકાળમાં સરકારમાં વિવિધ ભૂમિકા અને હોદ્દા ધરાવી ચુકેલા સક્ષમ અને બહુશ્રુત રાજકારણી છે અને સીએફ ઈન્ડિયાને તેમના અનુભવોનો લાભ મળશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter