લંડનઃ બ્રિટનની સંસદમાં હાઉસ ઓફ કોમન્સના નવા સ્પીકરની ચૂંટણી માટે આગામી ૪ નવેમ્બરે મતદાન થશે. બ્રિટનમાં વડા પ્રધાન કરતાં પણ વધારે શક્તિશાળી અને પ્રભાવશાળી આ પદની સ્પર્ધામાં ૯ ઉમેદવારોમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક શૈલેશ વારા પણ સામેલ છે. ૪ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં શૈલેશ વારા વિજયી બનશે તો તેઓ આ પદ મેળવનારા પ્રથમ મૂળ ગુજરાતી બ્રિટિશ નાગરિક બનવા સાથે જ બ્રિટનની સૌથી શક્તિશાળી વ્યક્તિ બની જશે.
સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ શૈલેશ વારા મૂળ ગુજરાતના છે. શૈલેશ વારાનો જન્મ યુગાન્ડામાં અપ્રવાસી ગુજરાતી પરિવારમાં ૪થી સપ્ટેમ્બર, ૧૯૬૦ના રોજ થયો હતો. તેમના જન્મના ચાર વર્ષ બાદ ૧૯૬૪માં જ તેમનો પરિવાર બ્રિટન આવ્યો હતો. વારાએ બ્રિટનમાં વકીલાતની ડિગ્રી મેળવી હતી અને ૧૯૮૦ના દાયકાથી જ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. બ્રિટન સહિત હોંગકોંગમાં વકીલાતનો અનુભવ ધરાવતા વારા ૨૦૦૫માં પહેલી વખત સાંસદ બન્યા હતા.
થેરેસા સરકાર દરમિયાન તેઓ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ પણ રહી ચૂક્યા છે. અખબારી અહેવાલો મુજબ શૈલેશ વારાએ સ્પીકર જ્હોન બેર્કો પર સાંસદોને ડરાવવાનો, ધમકાવવાનો અને બેઆબરૂ કરવાનો પણ આરોપ મૂક્યો હતો.
બ્રિટનના સ્પીકરને વડા પ્રધાન કરતાં પણ વધુ વેતન મળે છે. એટલું જ નહિ, બ્રિટનની રાજનૈતિક વ્યવસ્થામાં તેનો દરજ્જો બધાથી ઊંચો હોય છે. સાંસદોએ પણ તેમનું ફરમાન માનવું પડે છે. ચૌદમી સદીમાં થોમસ હંગરફોર્ટ પ્રથમ સ્પીકર નિયુક્ત કરાયા હતા જ્યારે, વડાપ્રધાન પદ માટે ૧૮મી સદી પછી ચૂંટણીની શરૂઆત થઇ હતી.


