લંડનઃ પોલીસ શોપ લિફ્ટિંગના દુષણને અટકાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. ગયા વર્ષમાં શોપ લિફ્ટિંગના પ્રતિ દિવસ 800 કેસ ઉકેલવામાં પોલીસને કોઇ સફળતા મળી નહોતી. 31 માર્ચના રોજ પૂરા થયેલા એક વર્ષમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શોપ લિફ્ટિંગના 5,30,643 કેસ નોંધાયા હતા. જેમાંથી ફક્ત 18 ટકા કેસમાં જ પોલીસને સફળતા હાંસલ થઇ હતી.
ગયા વર્ષે નોંધાયેલા 2,89,464 કેસમાં પોલીસ કોઇ શંકાસ્પદને ઝડપી શકી નહોતી. પ્રતિ દિવસ 798 કેસમાં આરોપી ઝડપાયા નહોતા. મેટ્રોપોલિટન પોલીસની કામગીરી પણ બદતર રહી હતી. મેટ પોલીસ દ્વારા 93705 કેસમાં કરાયેલી તપાસમાં 77 ટકા કેસમાં આરોપી ઝડપી શકાયા નહોતા. ફક્ત 6 ટકા કેસમાં જ આરોપીઓની સામે કાર્યવાહી થઇ શકી હતી.
લિબરલ ડેમોક્રેટ સાંસદ જોશુઆ રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, આ અત્યંત શરમજનક આંકડા છે. પોલીસ દેશમાંથી શોપ લિફ્ટિંગના દુષણને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. રિટેલર્સે ચેતવણી આપી છે કે આ દુષણ નિયંત્રણ બહાર જઇ રહ્યું છે.