લંડનઃ બ્રિટનમાં શોપ લિફ્ટિંગના અપરાધીઓને સજા અપાવવામાં પોલીસ નિષ્ફળ જઇ રહી છે. આંકડા દર્શાવે છે કે 2024માં શોપ લિફ્ટિંગની દર 20 ઘટનામાં ફક્ત એક જ આરોપી સામે આરોપ ઘડાયા હતા. 2024માં લંડનમાં શોપ લિફ્ટિંગની 88,248 ફરિયાદ પોલીસમાં કરાઇ હતી જેની સામે ફક્ત 4629 એટલે કે 5.25 ટકા આરોપીની સામે જ આરોપ ઘડાયાં હતાં.
લેસ્ટરશાયરમાં 8345 ઘટનાઓમાંથી ફક્ત 4.5 ટકા ઘટનામાં પોલીસને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નોંધાયેલી 5,16,791 ઘટનામાંથી ફક્ત 18 ટકા ફરિયાદમાં જ આરોપી સામે પગલાં લેવાયાં હતાં.
શોપ લિફ્ટિંગના કેસોમાં સૌથી વધુ 31 ટકા સફળતા હમ્બરશાયર પોલીસને પ્રાપ્ત થઇ હતી. જ્યારે નોરફ્લોક પોલીસને 30 ટકા સફળતા હાંસલ થઇ હતી.
લૂટ અને ચોરીના કિસ્સામાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. 2024માં આવા 20 અપરાધોમાંથી ફક્ત 1માં જ આરોપી સામે આરોપ ઘડાયાં હતાં. 1,72,544 કેસમાંથી ફક્ત 7761 કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.