લંડનઃ લંડનના બિઝનેસો માટે શોપ લિફ્ટિંગનું દુષણ એક અભિશાપ બની રહ્યું છે. સાઉથ લંડનના શોપકીપર્સનો આરોપ છે કે ચોરો દરરોજ અમને નિશાન બનાવી રહ્યાં છે. અમે પોલીસને બોલાવીએ છીએ પરંતુ કોઇ આવતું નથી.
ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસિસ દ્વારા કરાયેલા એક રિસર્ચ અનુસાર લંડનમાં હાઇ સ્ટ્રીટ પર આવેલી 59 ટકા નાની કંપનીઓએ જણાવ્યું હતું કે, અપરાધ અથવા તો અસામાજિક વ્યવહાર બિઝનેસો માટે મોટું જોખમ બની રહ્યાં છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું છે કે શોપ લિફ્ટર્સ સામે લેવાતા પગલાંમાં મોટો વધારો થયો છે.
બ્લેક ફાર્મરના સ્થાપક વિલફ્રેડ ઇમેન્યુઅલ જોન્સ કહે છે કે મારા સ્ટોર્સમાંથી દરરોજ સામાનની ચોરી થઇ રહી છે. રિટેલ સેક્ટરમાં શોપ લિફ્ટિંગનું દુષણ મોટો અભિશાપ બની રહ્યું છે. વ્હાઇટ સિટીમાં પણ મારી શોપ છે અને ત્યાં પણ આજ સમસ્યા છે. અમારો પોતાનો સિક્યુરિટી ગાર્ડ છે પરંતુ તેના માટે અમારે માસિક 5000 પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે. અમને આટલો ખર્ચ પોષાતો નથી.
આફ્રિકન ક્વીન ફેબ્રિક્સમાં કામ કરતા બિલાલ કહે છે કે ચોરીની ફરિયાદો કરવાનો કોઇ અર્થ રહેતો નથી. આ વિસ્તારમાં ઘણા ચોર છે પરંતુ પોલીસ કોઇ પગલાં લેતી નથી. તેઓ શું કરી શકે. તેઓ લોકોની ધરપકડ કરે છે અને પછી છોડી મૂકવા પડે છે કારણ કે જેલોમાં જગ્યા જ નથી.
બીજીતરફ મેટ્રોપોલિટન પોલીસ દાવો કરી રહી છે કે છેલ્લા એક વર્ષમાં અમે ઘણા સકારાત્મક પરિણામ હાંસલ કરી શક્યાં છીએ. ચીફ ઇન્સ્પેક્ટર રાવ પથાનિયા કહે છે કે શોપ લિફ્ટિંગનું દુષણ ડામવું અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે વારંવાર અપરાધ કરતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે રિટેલર્સને પણ ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ. તે ઉપરાંત અમે ફેસિયલ રેકોગ્નિશન જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યાં છીએ.


