લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધાયેલા શોપ લિફ્ટિંગના અપરાધોની સંખ્યા છેલ્લા 20 વર્ષની ટોચની સપાટી પર પહોંચી છે. માર્ચ 2024 સુધીમાં શોપ લિફ્ટિંગના 4,43,995 કેસ નોંધાયા હતા જે અગાઉના 12 મહિનાના 3,42,428 કેસમાં 30 ટકાનો વધારો દર્શાવે છે. ચોરી અને ચીલઝડપની ઘટનાઓમાં પણ 17 ટકાનો વધારો નોંધાયો હતો. 202223માં ચીલઝડપની 1,12,225 ઘટના અને 2023-24માં 1,31,453 ઘટના નોંધાઇ હતી. મોટા રિટેલર્સ દ્વારા શોપ લિફ્ટિંગની વધી રહેલી ઘટનાઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઇ છે. લેબર સરકાર દ્વારા શોપ લિફ્ટિંગ અને દુકાનદાર પર હુમલાને વિશેષ અપરાધ ગણવાનું વચન અપાયું છે. રિટેલર્સ કહે છે કે ગયા સપ્તાહમાં કિંગના સંબોધનમાં સરકારે પગલાં લેવાની બાંયધરી આપી છે જેથી પોલીસ માટે આ પ્રકારના અપરાધોની તપાસ અને અપરાધીઓને સજા અપાવવાની કાર્યવાહી સરળ બની શકે. કન્વેનિયન્સ સ્ટોર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ લોમેને જણાવ્યું હતું કે, શોપ લિફ્ટિંગની ઘટનાઓમાં વધારો થયો છે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી કારણ કે સત્તાવાર આંકડા તો હિમશિલાની ટોચ જેવાં છે. કેટલીક ગેંગો સુનિયોજિત રીતે શોપ લિફ્ટિંગના અપરાધો આચરી રહી છે. ચોરો બેફામ બની રહ્યાં છે ત્યારે પોલીસે આ પ્રકારની ઘટનાઓની ગંભીરતાથી નોંધ લઇને કાર્યવાહી કરવી જોઇએ.


