શોપ વર્કર્સ પરના હુમલાને ચોક્કસ અપરાધની કેટેગરીમાં સમાવાશે

શોપ વર્કર્સ પર હુમલા વધતાં સરકાર કાયદામાં બદલાવ કરવા તૈયાર થઇ

Tuesday 16th April 2024 10:24 EDT
 

લંડનઃ રિટેલ સેક્ટરમાં કર્મચારીઓ પર હુમલાની વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં લેતાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શોપ વર્કર પર હુમલાને અલગ પ્રકારનો અપરાધ માનવામાં આવશે. 2022-23માં શોપ વર્કરો પરના હુમલામાં 50 ટકાનો વધારો નોંધાયો હતો. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે દુકાનો અપરાધની ધમકીઓ અથવા તો હેરાનગતિથી મુક્ત હોવી જોઇએ.

અગાઉ સરકારે જણાવ્યું હતું કે, તેને કાયદામાં બદલાવ કરવાની જરૂર જણાતી નથી પરંતુ હવે સરકાર ઝૂકી રહી છે. પોલીસને પણ દુકાનોમાંથી ચોરી કરનારાઓને ઝડપી લેવા ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવા 50 મિલિયન પાઉન્ડની સહાય અપાશે.

શોપ વર્કર્સ પર હુમલાને અલગ પ્રકારનો અપરાધ માનવા માટે બિઝનેસ લીડર્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. ઓક્ટોબર 2023માં આ પ્રકારની માગનો જવાબ આપતાં સરકારે જણાવ્યું હતું કે, તે શોપ વર્કર્સને સહાય કરવા તૈયાર છે પરંતુ કાયદામાં બદલાવ કરવાની જરૂર નથી.

હવે સરકાર કહી રહી છે કે તે ક્રિમિનલ જસ્ટિસ બિલમાં શોપ વર્કર્સ પરના હુમલાને અલગ અપરાધ તરીકે સમાવશે. હાલ ક્રિમિનલ જસ્ટિસ બિલ પર સંસદમાં વિચારણા ચાલી રહી છે. વિક્ટિમ્સ મિનિસ્ટર લૌરા ફારિસે જણાવ્યું હતું કે, અગાઉ સરકારે શોપ વર્કર્સ પરના હુમલાને ચોક્કસ અપરાધ ગણવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે પોલીસનું માનવું હતું કે, તે સમયે લેવાતાં પગલાં પુરતા જણાતા હતા. પરંતુ હવે સરકારે સ્વીકાર્યું છે કે શોપ વર્કર્સ પરના હુમલામાં વધારો થયો છે અને તેના માટે અલગ કાયદાકીય જોગવાઇઓ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter