લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે સ્પષ્ટ કર્યું છે કે ઈંગ્લેન્ડમાં મંગળવાર એટલે કે ૩૦ નવેમ્બરથી શોપ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાનું કાનૂની જરૂરિયાત એટલે કે ફરજિયાત ગણાશે. જોકે, પબ્સ અને રેસ્ટોરાંમાં ફરજિયાત માસ્ક પહેરવાથી મુક્તિ છે. સાઉથ આફ્રિકામાંથી કોવિડ-૧૯ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારને અટકાવવા આ પગલું લેવાયું છે. યુકેમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ નોટિંગહામ અને એસેક્સમાં જોવા મળવાથી આ શિયાળામાં કોરોના વાઈરસ સંબંધિત ગંભીર પગલાં લેવાય તેવી શક્યતા વધી છે.
અગાઉ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિયાળામાં વાઈરસની વધુ એક લહેરથી દેશને બચાવવા નવા નિયંત્રણો જરૂરી બન્યા છે. હેલ્થ સેક્રેટરી જાવિદે રવિવારે બીબીસીના કાર્યક્રમમાં શોપ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયાને સમર્થન આપ્યું હતું. દરમિયાન વિદેશથી યુકે આવનારા તમામે PCR ટેસ્ટ કરાવવાના ફરજિયાત રહેશે જેનો અમલ મંગળવાર સવારના ૪ વાગ્યાથી કરાશે, આ ઉપરાંત, સાઉથ આફ્રિકા સહિત ૧૦ દેશને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દેવાયા છે. આ દેશોમાંથી આવતા પ્રવાસીએ સરકારમાન્ય હોટેલમાં ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું પડશે.જે કોઈ વ્યક્તિ ઓમિક્રોન માટે ટેસ્ટ પોઝિટિવ આવેલી વ્યક્તિના સંપર્કમાં આવી હશે તેણે સંપૂર્ણ વેક્સિનેટેડ હોવાં છતાં, ૧૦ દિવસ માટે ઘરમાં સેલ્ફ- આઈસોલેટ થવાનું રહેશે.
ગત મહિનાઓમાં સરકાર માસ્ક પહેરવા વિશે અસ્પષ્ટ રહી હતી અને લોકોની આ બાબત મરજી અથવા સામાન્ય બુદ્ધિ પર છોડી દેવાઈ હતી. જોકે, જાવિદે જણાવ્યું હતું કે લોકો નવા વેરિએન્ટની ગંભીરતાને વધુ ગંભીરતાથી લેશે તેવી તેમને આશા છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનને અગાઉના વેરિએન્ટની સરખામણીએ વધુ ચેપી ગણાવાય છે અને તે વેક્સિન્સનો પ્રતિકાર કરે તેમ પણ કહેવાય છે. જોકે, તેનાથી ગંભીર બીમારી અને મૃત્યુ થઈ શકે તે બાબતે કશું ચોક્કસ નથી.


