લંડનઃ યુકેમાં ખાલી જગ્યાઓ માટે કુશળ લોકો મળવા મુશ્કેલ રહે છે. તાલીમબદ્ધ બ્રિટિશરો પૂરતા પ્રમાણમાં ન હોવાથી આવી તંગી રહે છે. સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ નવું શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ (SOL) તૈયાર કરી તેમાં વેટરનરી ડોક્ટર્સ, વેબ ડિઝાઈનર્સ, આર્કિટેક્ટ્સ, સાયકોલોજિસ્ટ્સ, એન્જિનીઅર્સ, આઈટી એનાલિસ્ટ્સ સહિતના વધુ વ્યવસાયો સામેલ કરવાની ભલામણ કરતો રિપોર્ટ જારી કર્યો છે. હાલ સત્તાવાર લિસ્ટમાં ૩૪ વ્યવસાય છે. જો નવા વ્યવસાય દાખલ કરાય તો તેમાં ઈયુ બહારના તાલીમબદ્ધ વર્કર્સ અન્ય માઈગ્રન્ટ્સની સરખામણીએ લાઈનમાં આગળ આવી જશે. બ્રિટિશ એમ્પ્લોયર્સ તેમની ભરતી કરવા અગાઉથી ખાલી જગ્યાની જાહેરાત આપવા સહિત હોમ ઓફિસના કેટલાક નિયમોને બાયપાસ કરી શકે છે. આ રિપોર્ટ અંગે હોમ ઓફિસે જણાવ્યું છે કે તેઓ કાળજીપૂર્વક વિચારણા પછી યોગ્ય સમયગાળામાં પ્રતિભાવ આપશે.
સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટી દ્વારા આ યાદી જાહેર કરવા સાથે જણાવાયું છે કે અનેક નોકરીઓ સામેલ કરવી આવશ્યક છે. કમિટીના ચેરમેન પ્રોફેસર એલાન મેનિંગે કહ્યું છે કે યુકેના વિવિધ ઉદ્યોગો તેમની ખાલી જગ્યાઓ ભરવા કુશળ લોકો શોધવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી તંગીનું કારણ એ છે કે પૂરતી સંખ્યામાં બ્રિટિશરો તાલીમબદ્ધ નથી. મેડિકલ એને વેટરનરી સ્કૂલ્સમાં અરજદારોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે કારણકે પાંચ વર્ષ ચાલતા ડીગ્રી કોર્સીસમાં સખત મહેનત કરવી પડે છે અને ફંડની પણ મુશ્કેલી રહે છે. અન્ય વ્યવસાયો અને ખાસ કરીને આઈટી એનાલિસ્ટ્સ, વેબ ડિઝાઈનર્સ અને બાયોકેમિસ્ટ્સ પુસ્તકિયા કીડા જેવી પ્રતિષ્ઠા ધરાવે છે. મિકેનિકલ એન્જિનીઅરીંગ નોકરીઓમાં રાત્રે અને વીકએન્ડ્સમાં શિફ્ટ વર્ક કરવું પડતું હોવાથી તેની જગ્યાઓ ભરવી મુશ્કેલ પડતી હોવાનું પણ કમિટીએ જણાવ્યું હતું.
પ્રોફેસર મેનિંગે કહ્યું હતું કે,‘ છેલ્લે ૨૦૧૩માં લિસ્ટ જાહેર કરાયું તેના કરતાં આજે શ્રમબજાર ઘણું અલગ છે. બેરોજગારી ઓછી છે અને વિવિધ ઉદ્યોગોમાં એમ્પ્લોયર્સને કુશળ લોકો શોધવામાં મુશ્કેલી પડે છે. આથી જ અમે હેલ્થ, ઈન્ફોર્મેશન અને ઈજનેરી ક્ષેત્રોમાં વિવિધ વ્યવસાયો આવરી લેવા SOLને વિસ્તારવા ભલામણ કરી છે. ભવિષ્યની ઈમિગ્રેશન સિસ્ટમ કેવી હશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય ત્યારે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટની સંપૂર્ણ સમીક્ષાની ભલામણ પણ કરી છે.’
આ લિસ્ટ ઈયુ બહારના વર્કર્સને જ લાગુ પડે છે કારણકે બ્રેક્ઝિટ અમલી ન થાય ત્યાં સુધી ઈયુના સભ્ય દેશો વચ્ચે વિઝા વિના મુક્ત અવરજવરની સુવિધા રહે છે. આ લિસ્ટની નોકરીઓમાં વિદેશી કર્મચારીએ પાંચ વર્ષ પછી કાયમી વસવાટ માટે લઘુતમ ૩૫,૦૦૦ પાઉન્ડ વેતનની જરુરિયાત પૂર્ણ કરવી પડતી નથી. યુકેમાં વાર્ષિક ૨૦૭૦૦ ઉચ્ચ કૌશલ્યધારી વર્કર્સને પ્રવેશની મર્યાદા પૂર્ણ થતી હોય તો તેમને પ્રાયોરિટી પણ મળે છે.
બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના જેન ગ્રેટને જણાવ્યું હતું કે, ‘શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ વિસ્તારવાથી બિઝનેસીસ સ્થાનિક ભરતી કરી શકાતી ન હોય ત્યારે જરુરી કૌશલ્ય મેળવવામાં તેમને મદદ મળશે. મુક્ત અવરજવરની સુવિધાના અંત સાથે એમ્પ્લોયર્સને ખર્ચવધારા સહિત પડકારોનો સામનો કરવાનો થશે.’ જોકે, માઈગ્રેશનવોચ યુકેના વાઈસ ચેરમેન આલ્પ મેહમેટ કહે છે કે,‘જો આ ભલામણો સ્વીકારી લેવાશે તો તે ઈમિગ્રેશન પોલિસીનો નોંધપાત્ર પરિવર્તન હશે. સંખ્યાકીય નિયંત્રણ પડતું મૂકાશે અને યુકેના વર્કર્સને તાલીમ આપવા યુકેના એમ્પ્લોયર્સને મળતું પ્રોત્સાહન પણ ઘટી જશે.’


