લંડનઃ બોગસ એમ્પ્લોયર્સ દ્વારા શોષિત અને છેતરપિંડીનો સામનો કરનારા માઇગ્રન્ટ હેલ્થ કેર વર્કર્સ અને ફ્રુટ પિકર્સને રિપ્લેસમેન્ટ વિઝાનો અધિકાર મળવો જોઇએ તેમ લોયર્સ અને ચેરિટીઓએ જણાવ્યું છે. 100 જેટલાં લોયર્સ અને રાઇટ્સ સંગઠનોએ હોમ સેક્રેટરીને ચેતવણી આપી છે કે યુકેની માઇગ્રન્ટ વિઝા સ્કીમ્સ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જવાબદારીના ઉલ્લંઘનના જોખમનો સામનો કરી રહી છે.
હેલ્થ કેર વર્કર વિઝા અને સ્કીલ્ડ વર્કર સ્કીમ દ્વારા યુકેમાં આવેલા માઇગ્રન્ટ્સનું કેટલાક એમ્પ્લોયર્સ દ્વારા શોષણ થાય છે. ફ્રુટ પિકર્સ માટેની સીઝનલ વર્કર સ્કીમ દ્વારા નોકરી મેળવવામાં મદદ કરનાર વચેટિયાઓને નાણા ચૂકવવા પડતા હોવાથી વર્કર્સ મોટા દેવા તળે દટાઇ જાય છે.
સોલિસિટર્સ અને અન્યોએ હોમ સેક્રેટરી કૂપરને પાઠવેલા પત્રમાં સ્પોન્સર્ડ વિઝા પર યુકે આવતા માઇગ્રન્ટ વર્કર્સ સાથે કરાતા વ્યવહાર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશી કામદારો સાથે યુકેમાં તેઓ કેવા પ્રકારનું કામ કરશે તે અંગે છેતરપિંડી કરવામાં આવી રહી છે. એમ્પ્લોયર્સ દ્વારા તેમના પર પ્રતિબંધો લગાવી દેવામાં આવે છે અને ઘણાને ફિઝિકલ અને સેક્સ્યુઅલ હિંસાનો સામનો કરવો પડે છે.
કેટલાક કિસ્સામાં એમ્પ્લોયર્સ દ્વારા તેમના પાસપોર્ટ, અન્ય ઓળખના દસ્તાવેજો જપ્ત કરી લેવાય છે, તેમના વેતન અટકાવી રાખવામાં આવે છે અને વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવે છે. લોયર્સ કહે છે કે યુકેમાં કામ કરવા માટે માઇગ્રન્ટ્સ તેમના વતનના દેશમાં મોટા દેવામાં ફસાય છે અને અમે આવા સેંકડો કેસ રજૂ કરી ચૂક્યાં છીએ.
માઇગ્રન્ટ્સ યુકે પહોંચે છે તે પછી તેમને ખબર પડે છે કે તેમની સાથે છેતરપિંડી કરાઇ છે અને તેમને જે કામ માટે લાવવામાં આવ્યા છે તે કામના ઠેકાણા જ નથી. યુકેમાં તેઓ કોઇ આર્થિક મદદ પણ મેળવી શક્તાં નથી.