લંડનઃ 2022માં લેસ્ટરમાં ફાટી નીકળેલા રમખાણોમાં અફવાઓ અને જુઠ્ઠાણા ફેલાવવાના આરોપી મજિદ ફ્રીમેનની ધરપકડ કરાઇ છે. તેના પર આતંકવાદીની ધારાઓ લગાડવામાં આવી છે. મજિદ ફ્રીમેન લેસ્ટર સાઉથ બેઠક પરથી ચૂંટાયેલા ગુજરાતી મૂળના અપક્ષ સાંસદ શૌકત આદમ પટેલનો મહત્વનો પ્રચારક હતો. 36 વર્ષીય મજિદ પર બુધવારે આતંકવાદને પ્રોત્સાહન અને આતંકવાદી સંગઠનને સપોર્ટ કરવાના આરોપ ઘડાયાં છે.
પોલીસે 9 જૂનના મંગળવારે તેના ઘર પર દરોડો પાડીને મજિદની ધરપકડ કરાઇ હતી. તેને બુધવારે જામીન પર મુક્ત કરાયો હતો. હવે તેને 24 જુલાઇના રોજ અદાલતમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે.
શૌકત પટેલે સંસદની ચૂંટણીમાં પૂર્વ શેડો પે માસ્ટર જોનાથાન એશવર્થને પરાજિત કરી મોટો અપસેટ સર્જ્યો હતો. મજિદ પર આરોપ ઘડાયા બાદ એશવર્થે જણાવ્યું હતું કે, આ બાબત અત્યંત વિચલિત કરનારી અને ચેતવણીજનક છે. શૌકત આદમે આ વ્યક્તિને વખોડી કાઢીને તેના સમર્થનમાં દેખાવો કરનારાને પણ વખોડી કાઢવા જોઇએ. જનતાની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.


