લંડનઃ અમેરિકા સ્થિત ભારતીય મૂળના ખગોળશાસ્ત્રી પ્રોફેસર શ્રીનિવાસન કુલકર્ણીને ટાઇમ ડોમેન એસ્ટ્રોનોમીમાં સંશોધનો માટે લંડનમાં રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે. એસ્ટ્રોફિઝિક્સમાં યોગદાન માટે અપાયેલા આ સન્માનને પગલે પ્રોફેસર કુલકર્ણી સ્ટિફન હોકિંગ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને એડવિન હબલ જેવા વૈજ્ઞાનિકોની હરોળમાં આવી ગયા છે. કેલેક ખાતે 1985થી પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા કુલકર્ણીએ બ્રાઉન ડ્વાર્ફ્સ, રિમોટ ગામા રે બર્સ્ટ અને મિલિસેકન્ડ પલ્સર જેવા સંશોધન કર્યાં છે.
1997માં તેમના ગામા રે પરના સંશોધને એસ્ટ્રોફિઝિક્સની માન્યતાઓને નવો આયામ આપ્યો હતો. તેમના નેતૃત્વમાં પાલોમાર ટ્રાન્સિયન્ટ ફેક્ટરી અને ઝ્વિકી ટ્રાન્સિયન્ટ ફેસિલિટીની સ્થાપના કરાઇ હતી. જેના કારણે ઓપ્ટિકલ ટાઇણ ડોમેન સરવેમાં નવી ક્રાંતિ જોવા મળી હતી. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ આ સંસ્થાઓના ક્રાંતિકારી સંશોધનોને બિરદાવતાં કુલકર્ણીને સન્માનિત કર્યાં છે.
2024માં શૉ પ્રાઇઝથી સન્માનિત કુલકર્ણીએ 1978માં આઇઆઇટી દિલ્હીમાં અનુસ્નાતક ડિગ્રી હાંસલ કરી હતી અને 1983માં બર્કલે યુનિવર્સિટીમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા વર્ષ 1824થી ખગોળશાસ્ત્રીઓને સન્માનિત કરાય છે.


