ટ્રાયલના આરંભ પછી સૌપ્રથમ વખત મેઈલઓનલાઈન સાથે વીડિયો ઈન્ટરવ્યુમાં વિનોદ અને નીલમ હિન્ડોચાએ જણાવ્યું હતું કે આ ટ્રાયલનું ગમે તે પરિણામ આવે, તેઓ લંડનમાં સિવિલ એક્શનનો ઈરાદો ધરાવે છે. ખોટી રજૂઆતો દ્વારા અની સાથે લગ્ન કરવા બદલની આ કાર્યવાહી નાણાકીય હેતુપ્રેરિત ન હોવાનું કહેવા છતાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં કરાયેલાં ત્રણ દિવસના ભવ્ય લગ્નના ૨૦૦,૦૦૦ પાઉન્ડ ખર્ચાનું વળતર પણ તેઓ માગશે. તેમણે આ લગ્ન ખર્ચનો બે તૃતિયાંશ હિસ્સો ચૂકવ્યો હતો. હોટેલ ખર્ચ સહિતની રસીદો તેમણે મેળવી લીધી છે અને લંડનના શ્રેષ્ઠ વકીલની સેવા પણ મેળવી હોવાનું અનીના પિતાએ જણાવ્યું હતું. હિન્ડોચા દંપતીએ કહ્યું હતું કે અનીની હત્યાનો આરોપ ફગાવી દેવાની કોર્ટ સમક્ષ શ્રીયેનની માગણી પછી તેઓને બે મહિનાનું મૌન તોડવાની ફરજ પડી છે.
વિનોદ હિન્ડોચાએ કહ્યું હતું કે, ‘ આ લગ્ન ખોટું નાટક જ હતું. આ માટે હું તેની સામે દાવો માંડીશ. ’ સ્ટમક કેન્સરમાંથી સાજા થઈ રહેલાં નીલમ હિન્ડોચાએ જણાવ્યું હતું કે, ‘જો શ્રીયેન સજાતીય કે બાયસેક્સ્યુઅલ હોવાને મને જાણ થઈ હોત તો તેની સાથે અનીનાં લગ્ન માટે હું કદી સંમત થઈ ન હોત. અનીએ પણ આ સચ્ચાઈ જાણ્યા પછી લગ્ન કર્યાં ન હોત. તેના સંબંધો સજાતીય પ્રોસ્ટિટ્યૂટ સાથે હોવાની અમને જાણ ન હતી. તેણે અમારી સમક્ષ જૂઠું બોલી અનીને છેતરી હતી.’ તેમણે કહ્યું હતું કે ‘શ્રીયેને જુબાની આપવી જ જોઈએ. અમારાં પર અને અની પ્રત્યે આ તેનું ઋણ છે. અમારે અધૂરી નહિ, સત્ય અને સંપૂર્ણ હકીકતો જાણવી છે.’
હિન્ડોચા પરિવાર મીડિયા બ્રીફિંગ કરશે
ટ્રાયલમાં હાજરી આપવા હાલ કેપ ટાઉનમાં રોકાયેલા હિન્ડોચા પરિવારે જણાવ્યું છે કે આઠમી ડિસેમ્બરે જજનો ચુકાદો આવે તે પહેલા તેઓ મીડિયાને માહિતી આપશે. અગાઉ, પરિવારે કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. તેમને ભય છે કે કેસ ફગાવી દેવાશે તો કોર્ટમાં દેવાણીની જુબાની સાંભળવા નહિ મળે. જોકે ડિફેન્સ ટીમની દેવાણી સામેનો કેસ ફગાવી દેવાની અરજી અંગે પ્રોસિક્યુશન પક્ષની દલીલો સાંભળતા હિન્ડોચા પરિવારના ચહેરાઓ પર નિરાશા છવાઈ હતી. આથી તદ્દન વિપરિત, ટ્રાયલના આરંભ પછી શ્રીયેન અને તેનો ભાઈ પ્રેયન તથા બહેન પાયલ વધુ હળવા જણાતા હતા.
હિન્ડોચા પરિવાર પાસે સિવિલ એકશનનો માર્ગ
શ્રીયેન ગણતરીના દિવસોમાં મુક્ત થઈને સાઉથ આફ્રિકા છોડી જવાની શક્યતા જણાતા અની દેવાણીના કાકા અશોક હિન્ડોચાએ સ્વીડનથી જણાવ્યું હતું કે ખરેખર શું થયું હતું તે અમે શ્રીયેનના મુખેથી સાંભળવા ઈચ્છીએ છીએ. પરિવાર તેમની સમક્ષના તમામ વિકલ્પો તપાસી રહ્યો છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે આ સંજોગોમાં પરિવાર પાસે સિવિલ એક્શનનો જ વિકલ્પ બાકી રહે છે, જેથી તેઓ દેવાણીને જુબાની આપતો સાંભળી શકે. જો જજ ટ્રાવર્સો શ્રીયેન દેવાણી સામેના આરોપ ફગાવી દેશે તો સત્તાવાળા પાસે નિર્ણય સામે અપીલની સત્તા નથી.
જજ શ્રીયેન વિરુદ્ધ કેસ ફગાવી દેવાની અરજી સ્વીકારે તેવી શક્યતા વધુ જણાય છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે જો જજ શ્રીયેન વિરુદ્ધ ચુકાદો આપીને ટ્રાયલ આગળ ચલાવવાના હોત તો માત્ર કલાકો અથવા દિવસોમાં જ તેમણે આવો ચુકાદો આપી દીધો હોત. હવે તેમણે બે સપ્તાહનો વિરામ લીધો છે તે હકીકત દર્શાવે છે કે પોતાના નિર્ણયના સમર્થનમાં લાંબો ચુકાદો લખવાનો સમય તેમણે મેળવી લીધો છે.
જજ ટ્રાવર્સો સામે પૂર્વગ્રહનો આક્ષેપ
બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં પતિ શ્રીયેન દેવાણી સામેની ટ્રાયલના જજ જેનેટ ટ્રાવર્સો પૂર્વગ્રહયુક્ત વલણ દાખવતા હોવાનો તેમ જ કેસ ચલાવવામાં ન્યાયિક નિષ્ફળ હોવાનો આક્ષેપ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ લોયર દ્વારા કરાયો છે. અની દેવાણીના પરિવારથી સ્વતંત્ર રહીને તેના તરફે અભિયાન ચલાવતા જૂથ Justice4Anni દ્વારા તૈયાર કરાયેલું ડોઝિઅર સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઓફ જસ્ટિસને મોકલાયું હોવાનું મનાય છે. આ ગ્રૂપે દેશના સૌથી વરિષ્ઠ જજીસમાં સ્થાન ધરાવતા જજ ટ્રાવર્સોને હટાવીને નવેસરથી ટ્રાયલ ચલાવવા માગણી કરી છે.
શ્રીયેન દેવાણી સામેનો કેસ ફગાવી દેવાશે તેવી અટકળો વચ્ચે જૂથના પ્રવક્તાએ જણાવ્યું છે કે ખટલા દરમિયાન જજની રીતભાત જ તેઓ પૂર્વગ્રહિત હોવાનું દર્શાવે છે. આ જૂથ વતી કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ આપતા પ્રવક્તાએ ઓળખ જાહેર નહિ કરવાની શરતે મેઈલઓનલાઈન અખબારને જણાવ્યું હતું કે, ‘અમે ફોજદારી અને સિવિલ કાર્યવાહી સહિતની તમામ સંભાવના તપાસી અભિયાનને આગળ ચલાવતા રહીશું. અમે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ લોયરની સેવા પણ મેળવી છે.’ જ્યુરી વિના અને આ તબક્કે કેસને ફગાવી દેવા અંગે કોઈ પ્રભાવ ન ધરાવતા એસેસર સાથે જજ ટ્રાવર્સોની આ લોયરે આકરી ટીકા કરી હોવાનું ગ્રૂપે જણાવ્યું છે. અનીની હત્યા પછીના સપ્તાહોમાં સોશિયલ મીડિયા પર શરૂ કરાયેલા અભિયાનમાં ૨૩,૦૦૦ લોકો જોડાયા છે.