શ્રીયેન દેવાણી ટ્રાયલ અંતના આરેઃ બે સપ્તાહનો વિરામ

Friday 05th December 2014 07:36 EST
 
 

શ્રીયેન અને મૃતક અનીના પરિવારજનોની હાજરીમાં હાઈ પ્રોફાઈલ ટ્રાયલના ૨૩મા દિવસ, સોમવારે દેવાણીના કાઉન્સેલ ફ્રાન્કોઈસ વાન ઝીલે રજૂઆત કરી હતી કે પ્રોસિક્યુશનના મુખ્ય સાક્ષીઓ ભરોસાપાત્ર નથી અને તેમની જુબાનીઓ વિરોધાભાસી છે. તેમણે દલીલ કરી હતી કે પ્રોસિક્યુશનનો કેસ ડ્રાઈવર ટોન્ગોના પુરાવા પર જ આધાર રાખે છે. દેવાણી દંપતી દક્ષિણ આફ્રિકા આવ્યા પછી તેમણે ડ્રાઈવર ટોન્ગોની સેવા ભાડે લીધી હતી. ટોન્ગો કદી કોઈ ગુનાખોર પ્રવૃત્તિમાં સંકળાયેલો જ નથી ત્યારે તે તત્કાળ કોઈની હત્યા માટે સંમત થઈ જાય તેવી કોઈ શક્યતા નથી, અથવા સંપર્કના અડધા કલાકમાં જ દેવાણી તેને હત્યારો શોધી આપવા કહે તે કેવી રીતે શક્ય ગણાય? આમ છતાં, ષડયંત્ર હતું, હાઈજેક કરાયું છે અને ગોળીબાર થયો છે. પરંતુ શ્રીયેન દેવાણી તેમાં સંડોવાયાનો કોઈ જ પુરાવો નથી. વાન ઝીલે કહ્યું હતું કે પ્રોસિક્યુશન સાક્ષીઓમાં ત્રણે તો અનીની હત્યામાં ભૂમિકા ભજવ્યાની કબૂલાત કરી છે, પરંતુ સજામાં ઘટાડો અને એક કેસમાં કાનૂની કાર્યવાહીમાં માફીના કારણે અસત્ય બોલીને શ્રીયેન દેવાણી વિરુદ્ધ જુબાની આપવા તૈયાર થયા હોઈ શકે.

શ્રીયેને યુકે પાછા ફરવાની તૈયારી કરી
અની દેવાણી હત્યાકેસમાં વેસ્ટબરી-ઓન-ટ્રીમના ૩૪ વર્ષીય બિઝનેસમેન શ્રીયેન દેવાણી સામેનો કેસ ફગાવી દેવાની અરજી પર સુનાવણી ચાલી રહી છે ત્યારે રવિવારે શ્રીયેન સાનુકૂળ નિર્ણયની અપેક્ષાએ સાઉથ આફ્રિકન સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં પોતાના સામાનની હેરફેર કરતો નજરે પડ્યો છે. અની દેવાણીની હત્યામાં પોતે કોઈ ભૂમિકા ભજવી હોવાના આરોપમાંથી મુક્ત થવાનો શ્રીયેનને એટલો આત્મવિશ્વાસ છે કે બ્રિટન પાછા ફરવા માટે તેણે બેગ્સ પેક કરી લીધી છે. તેને એપ્રિલમાં બ્રિટનથી પ્રત્યાર્પણ પછી કેપ ટાઉનની વોલ્કેનબર્ગ સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા અનુસાર, આરોપમુક્ત થવાની શક્યતાએ તેના ચહેરા પર ચિંતાના બદલે આનંદ જણાય છે. તેણે બધાની સાથે હસીને વાત કરી હતી તેમ જ હાઈ સિક્યુરિટી હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષની છાયામાં કસરતો પણ કરી હતી. ગયા સપ્તાહે તેણે પરિવારજનો અને ડિફેન્સ ટીમ સાથે ચર્ચામાં સમય વીતાવ્યો હતો. તે સાઉથ આફ્રિકા આવ્યો ત્યારે હતાશ, ચિંતાતુર અને મૂંઝવણથી ઘેરાયેલો જણાતો હતો. હવે તેની રીતભાત બદલાઈ ગઈ છે. તેને ટ્રોમા અને ડિપ્રેશન માટે દવાઓ લેવાની પણ જરૂર પડતી નથી.

શ્રીયેન મુશ્કેલ પ્રશ્નોથી બચી જશે
જો જજ જેનેટ ટ્રાવર્સો ટ્રાયલ આગળ ચલાવવાનો નિર્ણય લેશે તો પણ શ્રીયેન દેવાણીએ મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવા વિટનેસ બોક્સમાં ઉભા રહેવું નહિ પડે. તેની ડિફેન્સ ટીમ દેવાણીના બચાવમાં કોઈ જ સાક્ષી રજૂ નહિ કરવાનો નિર્ણય લઈ શકે છે. આમ છતાં, પ્રોસિક્યુશને રજૂ કરેલા અપૂરતાં પુરાવા પરથી શ્રીયેનને નિઃશંક દોષિત જાહેર કરવાનું જજ માટે મુશ્કેલ રહેશે. કાનૂની નિષ્ણાતોના મતાનુસાર તેની વિરુદ્ધ રજૂ કરાયેલા નબળા પુરાવાના કારણે દેવાણી નિર્દોષ મુક્ત કરવામાં આવે તેવી શક્યતા વધુ છે. અત્યાર સુધીની સુનાવણીને ધ્યાનમાં લેવાય તો દેવાણી ટુંક સમયમાં બ્રિસ્ટલ પરત ફરી શકે તેવા સંજોગો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter