સાઉથ આફ્રિકાના ક્રિમિનલ પ્રોસીજર્સ એક્ટની જાગવાઈ સેક્શન ૧૭૪ અન્વયે જે ગુના હેઠળ આરોપ કર્યાનો આરોપી સામે ઉલ્લેખ હોય તેનો કોઈ પૂરાવો ન અપાય તો કોર્ટ ‘નોટ ગિલ્ટી’નો ચૂકાદો આપી શકે છે. એડવોકેટ ઝીલ આ જ મુદ્દા પર દલીલો કરી રહ્યા છે. છ સપ્તાહના કેસમાં રજૂઆતોમાં સરકારની ઘણી વિસંગતતા અને ભૂલો બહાર આવી હતી, જેનો ભરપૂર લાભ દેવાણીના એડવોકેટ ઝીલે ઉઠાવ્યો છે. વાન ઝીલ દેવાણીની નિર્દોષતા જાહેર કરવા રજૂઆત કરશે તેની સામે પ્રોસીક્યુશન એડવોકેટ એડ્રિયન મોપના જણાવ્યા અનુસાર તેમણે આખરી સાક્ષી રજૂ કરી દીધો છે. બચાવપક્ષે બુધવારે તેમની તમામ દલીલોના લેખિત મુદ્દા રજૂ કરી દેવા પડશે. ટ્રાયલ ૧૨ ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની ધારણા છે.
જડબેસલાક કેસ તદ્દન નબળો પડી ગયો
જો જજ દેવાણીની લીગલ ટીમની દલીલો સ્વીકારશે તો પ્રોસીક્યુશનના ત્રણ મુખ્ય સાક્ષીઓ- ડ્રાઈવર ટોન્ગો, હત્યારા મ્ઝીવામાડોડા ક્વાબે અને મિડલમેન મોન્ડે મ્બોલોમ્બોના એવિડન્સ ફગાવી દેશે. પ્રોસીક્યુશન કેસ મુખ્યત્વે ૨૮ વર્ષીય અનીની હત્યામાં ભૂમિકા ભજવનારા આ ત્રણ સાક્ષીની જુબાની પર જ આધારિત જડબેસલાક કેસ હતો. જોકે, હવે મોટા ભાગના નીરિક્ષકો માને છે કે કેસમાં ઘણાં છીંડા હાવાની સાથે પૂરાવા અપૂરતાં છે.
ખાનગી જેટમાં દેવાણીને સાઉથ આફ્રિકા લાવવામાં £૧૮૦,૦૦૦થી વધુ ખર્ચ તેમ જ ટુંકી જુબાની માટે યુકેથી ત્રણ સાક્ષીઓને વિમાનમાં લાવવાનો ખર્ચ કર્યા પછી પણ દક્ષિણ આફ્રિકાની નેશનલ પ્રોસીક્યુટિંગ ઓથોરિટી દેવાણીને ગુનેગાર ઠરાવાય તે માટે ભારે દબાણ હેઠળ છે. બીજી તરફ, સત્તાવાળાએ જે રીતે કેસ તૈયાર કર્યો છે તે અંગે કેપ ટાઉનના બીજા નંબરના સૌથી વરિષ્ઠ જજ ટ્રાવર્સોએ નારાજગી જાહેર કરી છે. દેવાણી સાથે સજાતીય સંબંધો ધરાવવાનું જણાવતા જર્મન એસ્કોર્ટ લીઓપોલ્ડના વર્ણનો કે અન્ય સાક્ષીના ઈમેઈલ્સ કેસ સાથે અપ્રસ્તુત ગણાવીને કોર્ટે તેમને સાંભળવા ઈનકાર કર્યો હતો. સમલિંગી હોવાનો અને લગ્નમાંથી બહાર નીકળવાનો આક્ષેપ ધરાવતા શ્રીયેને ટ્રાયલના પ્રથમ દિવસે જ તે બાયસેક્સ્યુઅલ હોવાનો તેમ જ પુરુષ વેશ્યાઓ સાથે સંબંધનો સ્વીકાર કરતા નિવેદનથી તમામને ચોંકાવી દીધા હતા. અગાઉ તેણે આ આક્ષેપો ફગાવી દીધા હતા.
મુખ્ય સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને હકીકતદોષ
દેવાણીની ભારે મોંઘી લીગલ ટીમે અપરાધીઓને ખોટુ બોલવાના કારણો અને હેતુ દર્શાવ્યા હતા. અપરાધી સાક્ષીઓ વચ્ચે હકીકતોનું સામ્ય નથી અને ત્રણેય મુખ્ય સાક્ષીઓની જુબાનીઓ કેવી રીતે બદલાતી રહી હતી તેના પર પણ ભાર મૂક્યો હતો. તેમની ઉલટતપાસના પરિણામો ઘણી વખત આશ્ચર્યકારી હતા. દર મહિને કાયદેસર ૩૦,૦૦૦ રેન્ડ (£૨,૬૭૦)થી વધુ કમાણી કરતા ડ્રાઈવર ટોન્ગોએ માત્ર ૫,૦૦૦ રેન્ડ (£૪૪૬) મેળવવા અનીની હત્યાનું આયોજન કર્યોનો દાવો કર્યો હતો. તેણે પોતાના નિવેદનોમાં હકીકતોની ભૂલ હોવાનું પણ સ્વીકાર્યું હતું. મિડલમેન અને હોટેલ વર્કર મોન્ડે મ્બોલોમ્બોએ પણ તેના નિવેદનોમાં બૂલો સ્વીકારી હતી. તેણે સાથી અપરાધી અને ગયા મહિને બ્રેઈન ટ્યુમરથી જેલમાં મોતને ભેટેલા ઝોલિલે મન્જેની વિરુદ્ધ ટ્રાયલમાં શપથ હેઠળ અસત્ય બોલ્યાનું પણ સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, દેવાણીએ હાઈજેકની મિનિટો પહેલા ડ્રાઈવર ટોન્ગોને ‘કિલ ટેક્સ્ટ’ મોકલી હોવાનો પૂરાવો ડિટેક્ટીવોએ મેળવ્યો હોવાની વાત પણ કોર્ટમાં સાબિત થઈ શકી ન હતી. પોલીસે ચાર વર્ષ જૂના ગુનાની ટ્રાયલ દરમિયાન નવા પૂરાવા શોધવા પણ ચાલુ રાખવું પડ્યું છે.
જોકે, કેટલાંક પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા જ છે. અની દેવાણીની પિતરાઈ બહેન અને ગાઢ મિત્ર સ્નેહા મશરુએ કોર્ટને લગ્ન પછી અનીનાં દુઃખની વાતો કરી હતી. હત્યાના થોડાં દિવસ પહેલા અનીએ મોકલેલા ટેકસ્ટ મેસેજીસ પણ સ્નેહાએ રજૂ કર્યાં હતાં. હત્યાના ત્રણ દિવસ પહેલાના એક સંદેશામાં અનીએ તે જરા પણ ખુશ ન હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, પત્નીની હત્યાના ત્રણ દિવસ પછી શ્રીયેને ટોન્ગોને ૧૦૦૦ રેન્ડ (£૮૯) રોકડ આપ્યાનું સીસીટીવી ફૂટેજમાં જોવાં મળ્યું છે. હત્યામાં ભૂમિકા માટે આ પાર્ટ પેમેન્ટ હોવાનો દાવો ટોન્ગોએ ક્ર્યો હતો.
અનીએ ઈમેઈલમાં શ્રીયેનને છોડી જવા ધમકી આપી
અની સાથે લગ્નના એક સપ્તાહની અંદર જ તેમના સંબંધો અકુદરતી હોવાનું શ્રીયેને જણાવ્યા પછી અની તેને છોડી જવા તૈયાર થઈ હતી. અનીની હત્યાની તપાસ કરતા કેપ્ટન પોલ હેન્ડ્રિક્સે કોર્ટ સમક્ષ તેના મોબાઈલમાંથી ડાઉનલોડ કરાયેલાં અનેક ઈમેઈલ વાંચી સંભળાવ્યા હતા. શ્રીયેને એક ઈમેઈલમાં જણાવ્યું હતું કે તેને લગ્ન પછી ફરજિયાત ખુશ હોવાની લાગણી દર્શાવવી પડતી હતી અને તેમનો સંબંધ કુદરતી ન હતો. લગ્ન આવું હશે તેની જાણ હોત તો તેણે લગ્ન જ ન કર્યું હોત. આની સામે અનીએ તેના માટે શ્રીયેનની લાગણી સાચી હતી કે કેમ તે જાણવા માગ્યું હતું. જો તેમનું લગ્ન ઢોંગ હોય તો તેમણે દેખાવ પણ કરવો ન જોઈએ. અનીએ લખ્યું હતું કે તે તેનું ઘર, પરિવાર અને તમામ છોડીને તારી સાથે રહેવા આવી છું અને અને ત્રણ દિવસ પછી લગ્ન કરવા વિશે ખેદ દર્શાવાય છે, તો હું ખરેખર તને છોડી જાઉ તેમ તે ઈચ્છે છે? આ બધું તારે લગ્ન પહેલા કહેવાની જરૂર હતી.