શ્રીલંકા બ્રિટન પાસે ગુલામી કાળના નુકસાન માટે વળતરની માગ કરશે

બ્રિટિશ સેનાઓએ કાંડિયન કિંગડમના રાજવી ખજાનાની લૂટ ચલાવી હતી

Tuesday 10th February 2026 09:31 EST
 

લંડનઃ શ્રીલંકા બ્રિટન પાસે સંસ્થાનવાદના સમયગાળામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા અને તેના સાંસ્કૃતિક વારસાને પરત કરવાની માગ કરશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે દેશની સંસદમાં જણાવ્યું હતું કે, અમે સંપત્તિના નુકસાન, ચોરી અને જીવનોના નુકસાન માટે યુકે પાસે વળતરની માગ કરીશું. શ્રીલંકાની સંસદમાં વિપક્ષના નેતા સજિથ પ્રેમદાસાએ સરકારને વળતર માટે પૂર્વ સંસ્થાનવાદી દેશો પાસે જે રીતે આફ્રિકન દેશો વળતરની માગ કરી રહ્યાં છે તેને અનુસરવા અપીલ કરી હતી.

બ્રિટને 1796થી 1947 સુધી શ્રીલંકા પર શાસન ચલાવ્યું હતું. તે સમયગાળામાં બ્રિટિશ સેનાઓએ કાંડિયન કિંગડમના રાજવી ખજાનાની લૂટ ચલાવી હતી જેમાં સિંહાસનો, તાજ અને તલવારોનો સમાવેશ થતો હતો. તેમાંથી કેટલીક વસ્તુ શ્રીલંકાને પરત કરાઇ હતી પરંતુ હજુ ઘણી વસ્તુઓ બ્રિટિશ મ્યુઝિયમોમાં સંગ્રહાયેલી પડી હોવાનું મનાય છે.

શ્રીલંકા પર પોર્ટુગીઝ (1505-1658), ડચ (1658-1796) અને બ્રિટિશ (1796-1947) સુધી રાજ કરી ચૂક્યાં છે. તે દરમિયાન તેમણે દેશના રાજવી અને સાંસ્કૃતિક વારસાની ભરપૂર લૂટ કરી હતી.

ગુલામી પ્રથા માટે વિધિવત માફીની કિંગ ચાર્લ્સ સમક્ષ માગ

શું કિંગ ચાર્લ્સ અંગ્રેજો દ્વારા સદીઓ સુધી ચલાવાયેલી ગુલામી પ્રથા માટે માફી માગશે.. સાંસદો, નિષ્ણાતો અને એક્ટિવિસ્ટોએ કિંગ પાસે એટલાન્ટિક સમુદ્ર દ્વારા ચલાવાયેલી ગુલામી પ્રથા માટે વિધિવત માફીની માગ કરી છે. આ પહેલાં કિંગ ચાર્લ્સ ગુલામી પ્રથા માટે અંગત દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ વિધિવિત માફી ક્યારેય માગી નથી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તર ક્રાઉન્સ સાયલન્સમાં ક્વીન એલિઝાબેથ પ્રથમથી જ્યોર્જ ચોથા સુધીના બ્રિટિશ રાજવીઓએ કેવી રીતે ગુલામી પ્રથાને વિસ્તારી અને તેને સહાય કરી તે અંગે વિગતવાર વર્ણન કરાયું છે. એમ માનવામાં આવે છે કે 1807 સુધીમાં બ્રિટિશ ક્રાઉન સૌથી મોટો ગુલામોનો ખરીદદાર બની ચૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter