લંડનઃ લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) ખાતે 40 વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ શરૂ કરાયેલી ક્લોઝિંગ બેલ વગાડવાની પરંપરામાં ભારતીય મૂળના શ્રુતિ ત્રિપાઠી ચોપરાએ નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા બની ગયા છે.
ડાઉ જોન્સના નામાંકિત પ્રકાશન ફાઇનાન્સિયલ ન્યૂઝ અને પ્રાઇવેટ ઇક્વિટી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ શ્રુતિ ચોપરાએ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં દક્ષિણ એશિયાઈ સમુદાયના યોગદાનને બિરદાવતા આ વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું હતું. આ સમારોહનું આયોજન વૈશ્વિક ફાયનાન્સ અને બિઝનેસ ક્ષેત્રે અગ્રણી દક્ષિણ એશિયાઈ નેતાઓની યાદી સાઉથ એશિયન પાવર બ્રોકર્સની બીજી વાર્ષિક આવૃત્તિની ઉજવણી રૂપે કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રસંગે લંડન સ્ટોક એક્સચેન્જના ચીફ એક્ઝિક્યુટિવ ડેમ જુલિયા હોગેટ, બ્રુકફિલ્ડના સર રોન કલિફા, કોબ્રા બિયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયા અને બ્રિટિશ ફેશન કાઉન્સિલના ચેર પવિતા કપૂર સહિત લંડનના ફાયનાન્સ અને કાનૂની ક્ષેત્રની અનેક અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
પોતાની આ ઉપલબ્ધિ અંગે શ્રુતિ ચોપરાએ જણાવ્યું હતું કે, લંડન સ્ટોક એક્સચેન્જની બાલ્કનીમાં ઊભા રહીને ક્લોઝિંગ બેલ વગાડવી એ માત્ર એક સફળતાની ઉજવણી નથી, પરંતુ વૈશ્વિક ફાયનાન્સના ઉચ્ચ શિખરો પર આપણું પણ સ્થાન છે તેનો સ્પષ્ટ સંદેશ છે. આ સિદ્ધિ આવનારી પેઢીઓ માટે એક નવી પ્રેરણા બનશે.
નોંધનીય છે કે, શ્રુતિ ચોપરાને ડિસેમ્બર 2025માં નાણાકીય પત્રકારત્વ અને ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેઓ પોતાના પ્રકાશનના 30 વર્ષના ઇતિહાસમાં એડિટર-ઇન-ચીફનું પદ સંભાળનાર પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિ છે.


