શ્રુતિ ત્રિપાઠી ચોપરા ફ્રીડમ ઓફધ સિટી ઓફ લંડન પુરસ્કારથી સન્માનિત

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારમાં જવાહરલાલ નેહરૂ, રતન તાતા અને શબાના આઝમી સામેલ

Tuesday 30th December 2025 09:14 EST
 
 

લંડનઃ ફાઇનાન્સિયલ જર્નાલિઝમમાં નોંધપાત્ર યોગદાન માટે યુકે સ્થિત ભારતીય મૂળની પત્રકાર શ્રુતિ ત્રિપાઠી ચોપરાને ફ્રીડમ ઓફધ સિટી ઓફ લંડન પુરસ્કારથી સન્માનિત કરાયાં હતાં. ચોપરા હાલ ડાઉ જોન્સ પબ્લિકેશનના એડિટર ઇન ચીફ તરીકે ફરજ બજાવે છે. તેમણે આ ક્ષણને ગૌરવપ્રદ ગણાવી હતી.

શ્રુતિએ જણાવ્યું હતું કે, હું યુકેમાં મોટી આશાઓ સાથે વિદ્યાર્થી તરીકે આવી હતી અને મારી કારકિર્દી આટલી ઉંચાઇ પર પહોંચશે તેની કલ્પના પણ કરી નહોતી. આ સન્માન વર્ષોની આકરી મહેનત અને મારામાં વિશ્વાસ મૂકનાર લોકોના સહયોગનું પ્રતિબિંબ છે. હું ફક્ત મારા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના દેશ માટે આકરી મહેનત કરનારા તમામ ભારતીયો માટે ગૌરવ અનુભવી રહી છું.

ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન પુરસ્કાર 13મી સદીથી અપાય છે. સિટી અથવા તો સ્ક્વેર માઇલ તરીકે જાણીતા લંડનના ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં મહત્વનું યોગદાન આપનારને આ સન્માનથી નવાજાય છે.

આ સન્માન પ્રાપ્ત કરનારા અન્ય ભારતીયોમાં જવાહરલાલ નેહરૂ, રતન તાતા અને અભિનેત્રી શબાના આઝમીનો સમાવેશ થાય છે. નેલ્સન મન્ડેલા અને વિન્સ્ટન ચર્ચિલ જેવા મહાનુભાવો પણ આ સન્માન પ્રાપ્ત કરી ચૂક્યાં છે.

ગયા સપ્તાહમાં લંડનના ઐતિહાસિક ગિલ્ડ હોલ ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં શ્રુતિ તેમના માતા-પિતા અને પુત્રી સાથે હાજર રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter