લંડનઃ રોરી બ્રુક્સ, શ્રેણિક દાવડા અને માર્ક સિમ્સની 3 વર્ષ માટે ચેરિટી કમિશનમાં બોર્ડ મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ છે. ચેરિટી કમિશનના બોર્ડ મેમ્બરોને પ્રતિ દિવસ 350 પાઉન્ડ ભથ્થું વર્ષમાં 24 દિવસ માટે ચૂકવવામાં આવે છે. બોર્ડમાં નિયુક્ત થનારે છેલ્લા પાંચ વર્ષમાં કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ કરી હોય તો તે અંગે જાહેરાત કરવાની રહે છે. દાવડા અને સિમ્સે કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિની જાહેરાત કરી નથી પરંતુ બ્રુક્સે કન્ઝર્વેટિવ પાર્ટી અને યુનિયનિસ્ટ પાર્ટીને ડોનેશન આપ્યાની જાહેરાત કરી છે. રોરી બ્રુક્સ એમએમએલ કેપિટલ સાથે સંકળાયેલા હતા. 2023માં તેમણે અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું.
શ્રેણિક દાવડા છેલ્લા 40 વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે સંખ્યાબંયધ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કર્યું છે. તેમણે ન્યૂ યુરોપ કેપિટલ પાર્ટનર્સ લિમિટેડની સ્થાપના કરી હતી જેણે ડ્યુશ બેન્કનું સંપાદન કર્યું હતું. દાવજાએ ઇસ્ટ આફ્રિકામાં અનાથ બાળકોને સહાય કરતી 3 ચેરિટીના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી છે. તેઓ કેન્યામાં કન્યા શિક્ષણ અને મિડલ ઇસ્ટમાં નિરાશ્રીતોને માનવીય સહાય સાથે પણ સંકળાયેલા છે.
2022માં શ્રેણિક દાવડાની યુકેમાં ન્યૂઝપેપર અને મેગેઝિનની સ્વતંત્ર રેગ્યુલેટર આઇપીએસઓના બોર્ડના લે મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ હતી.


