લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સાયન્સ, એન્જિનીઅરિંગ અને ટેકનોલોજીના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ‘સૌથી શ્રેષ્ઠ અને પ્રતિભાવંત’ લોકોને આકર્ષવા માટે નવી ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમની જાહેરાત કરી છે. આ યોજનામાં હાલ અપાતા ‘અસામાન્ય પ્રતિભા’ વિઝાની સંખ્યા મર્યાદા નાબૂદ કરવા ઉપરાંત, ઈમિગ્રન્ટ્સ બ્રિટનમાં આવે તે અગાઉ તેમની પાસે રોજગારીની ઓફર હોવી જોઈએની શરત દૂર કરવાનો પણ સમાવેશ થાય છે.
જ્હોન્સને અગાઉ નવી ‘ઓસ્ટ્રેલિયન સ્ટાઈલ’ની પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ અપનાવવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈમિગ્રન્ટ્સના આશ્રિતોને દેશના લેબર માર્કેટમાં રોજગારી મેળવવાની સંપૂર્ણ તક મળશે. બીજી તરફ, મોટા પ્રમાણમાં યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ્સને વધુ સંખ્યામાં ઉમેદવારો લેવાની પરવાનગી અપાશે. ઉલ્લેખનીય છે કે જ્હોન્સને નેટ માઈગ્રેશનની સંખ્યા વાર્ષિક ૧૦૦,૦૦૦થી નીચે લાવવાની પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સરકારના લક્ષ્યને રદ કરવાની ખાતરી ઉચ્ચારી છે.
વડા પ્રધાને કહ્યું હતું કે,‘ બ્રિટન શોધ-સંશોધન અને નવી પહેલ બાબતે ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે. તેના ઘરઆંગણાના સંશોધનોમાં નાની સરખી સાયકલથી માંડી લાઈટ બલ્બ સુધીનો સમાવેશ થાય છે. આપણી પાસે વિશ્વનો સર્વ પ્રથમ રાષ્ટ્રીય ડીએનએ ડેટાબેઝ છે, આપણે ગ્રેફેનની શોધ કરી છે, આપણા તેજસ્વી વિજ્ઞાનીઓએ એડા લવલેસ અને નોબેલ પારિતોષિક વિજેતા ફ્રાન્સિસ કિક અને પિટર હિગ્સ જેવા માંધાતાઓને અનુસરવામાં ગૌરવ અનુભવવું જોઈએ. પરંતુ, જ્ઞાનવૃદ્ધિના માર્ગમાં આપણે અગ્રેસર રહેવાનું ચાલુ રાખી શકીએ તે માટે આપણે ઘરઆંગણામાં રહેલી પ્રતિભાઓને સપોર્ટ આપવો જોઈએ એટલું જ નહિ, આપણી ઈમિગ્રેશન સિસ્ટમ સમગ્ર વિશ્વમાંથી સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષી શકે તેવી ચોકસાઈ સાથેની હોવી જોઈએ.’
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘ આપણે વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને તેજસ્વી લોકોને આકર્ષી શકે તેવી ઈમિગ્રેશન સિસ્ટમ સાથે બ્રિટન યુરોપમાં સૌથી સમૃદ્ધ અર્થતંત્ર બની રહે તેમ ઈચ્છીએ છીએ. આપણો નવો ફાસ્ટ-ટ્રેક વિઝા રુટ આ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે, જેના થકી વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અને સંશોધકોને આપણા દેશમાં આવવા પ્રોત્સાહિત કરી શકાશે. વિશ્વના શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન મગજ સાયન્સ અને ઈનોવેશનના કેન્દ્ર તરીકે બ્રિટનની પ્રતિષ્ઠાને આગળ વધારશે. આપણા મહાન રાષ્ટ્રને યોગદાન આપી શકે તેવા લોકો પર કેન્દ્રિત પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવા આપણે ઉત્સુક છીએ.’


