શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ગરીબ ઘરની છોકરીઓનું વધી રહેલું પ્રમાણ

Saturday 26th December 2015 11:48 EST
 
 

લંડનઃ યુકેમાં પુરુષોની સરખામણીએ યુનિવર્સિટી જતી સ્ત્રીઓની સંખ્યા બમણા દરે વધી રહી છે અને પુરુષોની સંખ્યામાં ૩૬,૦૦૦ જેટલો ઘટાડો થયો હોવાનું યુનિવર્સિટી એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસના તાજા રિપોર્ટમાં જણાવાયું છે. નવા અંડરગ્રેજ્યુએટ્સમાં સ્ત્રીઓનું પ્રમાણ ૫૬.૪ ટકા હતું. અન્ય ઉલ્લેખનીય તારણ એ છે કે ઉચ્ચ સંસ્થાઓ સહિત યુનિવર્સિટીમાં જનારા ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, વ્હાઈટ વિદ્યાર્થીઓ અને વિશેષતઃ ગરીબ વ્હાઈટ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૪ અગ્રણી શિક્ષણસંસ્થાના બનેલી રસેલ ગ્રૂપ યુનિવર્સિટીમાં પ્રવેશ અગાઉની સરખામણીએ સરળ બન્યો છે. આ સંસ્થાઓએ વિદ્યાર્થીઓ મેળવવા પ્રવેશ જરૂરિયાતો નીચી કરી છે. ૨૦૧૧માં ૮૫.૪ ટકા અને ગયા વર્ષે ૭૭.૪ ટકાની સામે ‘હાઈ ટેરિફ’ યુનિવર્સિટીઓમાં જનારા માત્ર ૭૪ ટકા વિદ્યાર્થી જ A લેવલમાં ABB ગ્રેડ ધરાવતા હતા. વિદ્યાર્થીઓની સંખ્યા પરની મર્યાદા હટાવી દેવાતા યુનિવર્સિટીઓમાં તીવ્ર સ્પર્ધા જામી છે.

રિપોર્ટ અનુસાર ૧૮ વર્ષની વયના ૩૬,૦૦૦ યુવાનો ઉચ્ચ શિક્ષણમાંથી બાકાત થયા છે, જે સંખ્યા ગયા વર્ષે ૩૨,૦૦૦ હતી. પુરુષોની સરખામણીએ કચડાયેલી પશ્ચાદભૂ સાથેની બાવન (૫૨) ટકા વધુ સ્ત્રીઓ યુનિવર્સિટીમાં જવા સાથે ૩૫ ટકા વધુ સ્ત્રીઓ ડીગ્રીનો આરંભ કરવાની શક્યતા છે. ગરીબ પરિવારોમાંથી આશરે પાંચમાંથી એક વિદ્યાર્થીએ ઓટમમાં ડીગ્રી અભ્યાસ શરૂ કર્યો હતો અને તેમાંથી ૪૦ ટકા વધુ વિદ્યાર્થીઓ રસેલ ગ્રૂપ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની શક્યતા હતી. વ્હાઈટ તરુણો યુનિવર્સિટીમાં જવાની શક્યતા સૌથી ઓછી છે. ૨૮ ટકા વ્હાઈટ વિદ્યાર્થીઓની સામે ૩૭ ટકા અશ્વેત, ૪૧ ટકા એશિયન અને ૫૮ ટકા ચાઈનીઝ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં જવાની શક્યતા છે. ગયા ઓટમમાં પાંચ લાખથી વધુ લોકોએ યુનિવર્સિટીમાં અભ્યાસની શરૂઆત કરી હતી. ઈયુ દેશોના વિદ્યાર્થીની સંખ્યા ૧૧ ટકા વધીને ૨૯,૩૦૦ થઈ હતી, જ્યારે દરિયાપારના વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૯ ટકા વધી ૩૯,૦૦૦ થઈ હતી

સ્ત્રીઓનું સૌથી વધુ પ્રમાણ    સ્ત્રીઓનું સૌથી ઓછું પ્રમાણ

રોટલ વેટરનરી કોલેજ       ઈમ્પિરિયલ કોલેજ

૧,૬૧૦ સ્ત્રી   ૫૪૫ પુરુષ   ૬,૦૨૦ સ્ત્રી   ૧૦,૨૦૫ પુરુષ

યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડન   લંડન બિઝનેસ સ્કૂલ

૧૨,૭૧૦ સ્ત્રી   ૪,૪૨૫ પુરુષ   ૫૪૫ સ્ત્રી   ૧,૩૬૫ પુરુષ

રોએહેમ્પટન યુનિવર્સિટી         ક્રેનફિલ્ડ યુનિવર્સિટી

૬,૨૫૦ સ્ત્રી   ૨,૨૮૫ પુરુષ       ૧,૦૪૦ સ્ત્રી   ૩,૧૬૫ પુરુષ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter