શ્વેત અને વંશીય લઘુમતી વચ્ચે વેતનખાઈ જાહેર કરવી પડશે

Wednesday 17th October 2018 02:38 EDT
 
 

લંડનઃ વંશીય લઘુમતી અને શ્વેત કર્મચારીઓ વચ્ચે પ્રવર્તતી વેતનખાઈ જાહેર કરવી પડશે. થેરેસા સરકારની યોજના અનુસાર ૨૫૦થી વધુ કર્મચારી ધરાવતી ૧૦,૦૦૦ કંપનીઓએ દર વર્ષે કર્મચારીઓ વચ્ચે રહેતી ખાઈના આંકડા પ્રસિદ્ધ કરવાના રહેશે. નવા નિયમો હેઠળ સમગ્ર યુકેના આશરે ૧૦ મિલિયન કર્મચારીને આવરી લેવાશે. વડા પ્રધાન થેરેસા મેએ અવારનવાર કહ્યું છે કે વંશીય લઘુમતી કામદારોને તેમની કારકીર્દિમાં ભારે અવરોધો સહન કરવા પડે છે. જોકે, ફ્રી માર્કેટ થિન્ક-ટેન્ક્સ દ્વારા આ યોજનાની ટીકા કરાઈ છે. જાહેર ક્ષેત્ર દ્વારા જે કોમ્યુનિટીઝની સેવા કરાય છે તેઓ પણ પ્રતિનિધિરુપ બની રહે તેવી ચોકસાઈ કરવામાં આવશે.

NHS, મિલિટરી, સ્કૂલ્સ અને પોલીસ દળોએ પણ વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના કર્મચારીઓની ભરતી વધારવાની યોજના જાહેર કરવાની રહેશે. ૨૦૧૭માં શ્વેત કામદારો કલાકનો સરેરાશ પગાર ૧૧.૩૪ પાઉન્ડ મેળવતા હતા, જે અન્ય વંશીય જૂથો કરતાં ૧૦ પેન્સ વધુ હતો. જોકે, ભારતીય વંશીય જૂથના કામદારો સૌથી વધુ ૧૩.૧૪ પાઉન્ડ અને પાકિસ્તાની/બાંગલાદેશીઓ સૌથી ઓછો ૯.૫૨ પાઉન્ડ પ્રતિ કલાક વેતન મેળવતા હતા.

બીજી તરફ, યુકેમાં લૈંગિક વેતનનાં આંકડા એપ્રિલ મહિનામાં પ્રસિદ્ધ કરાયા હતા, તેમાં પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ વેતન સાથે અલગ પ્રકારની નોકરી કરતાં હોઈ શકે તેને ધ્યાનમાં ન લેવાયાનું જણાવી તેની ટીકાઓ થઈ હતી. સરેરાશ વેતન તફાવત ૯.૭ ટકા હતો, જે પુરુષોની તરફેણમાં હતો. આંકડા મુજબ ૭૮ ટકા એમ્પ્લોયર્સે સ્ત્રીઓ કરતા પુરુષોને વધુ પગાર ચૂકવ્યો હતો, જ્યારે ૧૪ ટકાએ સ્ત્રીઓને વધુ પગાર ચૂકવ્યો હતો. માત્ર આઠ ટકાએ તેમણે સ્ત્રી-પુરુષના વેતનમાં કોઈ તફાવત નહિ રાખ્યાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter