લંડનઃ શિક્ષણના તમામ સ્તરે એકસરખી લાયકાત હોવા છતાં બ્લેક વર્કર્સ તેમના શ્વેત સાથી કામદારોની સરખામણીએ ઘણુ ઓછું વેતન કે કમાણી મેળવે છે. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ દ્વારા વેતન વિશ્લેષણ અનુસાર આ બે જૂથના સરેરાશ વેતનદરમાં ૨૩ ટકા જેટલો તફાવત જોવા મળે છે.
અશ્વેત ગ્રેજ્યુએટ્સ કલાકના સરેરાશ ૧૪.૩૩ પાઉન્ડ મેળવે છે, જ્યારે શ્વેત ગ્રેજ્યુએટ્સને કલાકના સરેરાશ ૧૮.૬૩ પાઉન્ડની કમાણી થાય છે. એ-લેવલ ધરાવતા બ્લેક અને વ્હાઈટ કામદારો વચ્ચે સરેરાશ વેતન તફાવત ૧૪ ટકાનો જણાયો હતો, જ્યારે GCSEના સ્તરે આ તફાવત ૧૧ ટકાનો હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ટીયુસીના જનરલ સેક્રેટરી ફ્રાન્સેસ ઓ’ગ્રેડીના કહેવા મુજબ વેતનના નિર્ણયમાં વંશીય ભૂમિકા હજુ પણ મોટી છે.

