લંડનઃ સમગ્ર ઈંગ્લેન્ડના શહેરી વિસ્તારોમાં વ્હાઈટ બ્રિટિશ વસ્તી ઘટતી જાય છે. કેટલાક કિસ્સામાં તો એક દાયકામાં તે અડધાથી પણ ઓછી થઈ છે. યુનિવર્સિટી ઓફ લંડનના વિદ્વાનો પ્રોફેસર ટેડ કેન્ટલ અને પ્રોફેસર એરિક કૌફમેનના અભ્યાસમાં જણાવાયું છે કે યુકેમાં વધી રહેલા વંશીય અલગાવની સમસ્યા હલ કરવા શ્વેત પરિવારોને વંશીય વૈવિધ્યના વિસ્તારોમાં રહેવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
સમગ્રતયા ઈંગ્લેન્ડની શ્વેત બ્રિટિશરોની વસ્તી ૨૦૦૧માં ૮૬.૮ ટકા હતી, જે ૨૦૧૧માં ઘટીને ૭૯.૮ ટકા થઈ હતી. પ્રોફેસર કેન્ટલે બ્રિટનમાં સૌથી વધુ વંશીય પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બ્લેકબર્ન સિટીનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાંના વ્હેલી રેન્જ એરિયામાં ૯૫ ટકા એશિયન વસ્તી છે.


