સંક્ષિપ્ત સમાચાર (બ્રિટન)

Wednesday 06th November 2019 05:44 EST
 

                                             • છેતરપિંડી અટકાવવા બેંક પેમેન્ટ ૨૪ કલાક મોડું કરાશે

નવી દરખાસ્તો હેઠળ ગ્રાહકોને છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવા માટે કોઈ ખાતામાં પ્રથમ વખત નાણાં ટ્રાન્સફર થતા હશે તો તે ૨૪ કલાક મોડા ચૂકવવા બેંકોને ફરજ પડાશે. બ્રિટનની કેટલીક સૌથી મોટી બેંકોએ આ યોજનામાં સામેલ થવા માટે સંમતિ આપી દીધી છે. જોકે, કો-ઓપ બેંક, મોન્ઝો અને ટેસ્કો બેંક હજુ તેમાં જોડાઈ નથી. ટ્રેડ એસોસિએશન યુકે ફાઈનાન્સ મુજબ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન છેતરપિંડી કરનારાઓએ ૬૦૦ મિલિયન પાઉન્ડથી વધુની રકમની ઉઠાંતરી કરી હતી.

માર્ક્સ એન્ડ સ્પેન્સર પોતાની બ્રાન્ડનું હલાલ રેડી-મિલ્સ વેચશે

મુસ્લિમ ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માર્ક્સ એન્ડ સ્પેન્સર પોતાની બ્રાન્ડનું હલાલ રેડી-મિલ્સ વેચાણ માટે મૂકશે. તે પોતાની બ્રાન્ડનું હલાલ મિલ્સ વેચનાર બ્રિટનનું પહેલું મોટું રિટેઈલર બનશે. તે બાથથી વાયકોમ્બ માર્શ સુધીના ૩૬ સ્ટોરમાં તે વેચાશે.

                                       • શાહી દંપતીને આરામ આપવા આર્ચબિશપનો અનુરોધ

કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સનો એમ કહીને બચાવ કર્યો હતો કે કોઈપણ નવા પેરેન્ટ્સની માફક તેમને પણ સમય ગાળવાનો અધિકાર છે કારણ કે તેમના પર બધાની નજર હોય છે.

                                              • ચેપગ્રસ્ત લોહીના પ્રકરણમાં ઢાંકપિછોડો

ગૂમ થયેલા મેડિકલ રિપોર્ટ્સ અને જે લોકોના એચઆઈવી ટેસ્ટના પરિણામ અટકાવી દેવાયા હતા તેમની સંખ્યા જ આ પ્રકરણમાં ઉચ્ચ સ્તરેથી ઢાંકપિછોડો થઈ રહ્યાનો પૂરાવો હોવાનો એક સિનિયર વકીલે દાવો કર્યો હતો.

                                    • ઓક્સફર્ડના વિદ્યાર્થીઓ ઉત્સાહ દર્શાવવા હવે માત્ર હાથ હલાવશે

કોઈ વાતને મંજૂરી આપવા, ઉત્સાહ દર્શાવવા અને પ્રશંસા કરવા માટે વર્ષોથી તાળી પાડવાની પ્રથા છે. જોકે, ઓક્સફર્ડના વિદ્યાર્થીઓ હવે સ્ટુડન્ટ યુનિયનના કાર્યક્રમોમાં તાળીઓ પાડવાને બદલે ‘શાંતિપૂર્વક હાથ હલાવશે.’ સ્ટુડન્ટ યુનિયનના અધિકારીઓએ દલીલ કરી હતી કે તાળીઓ કે બૂમો પાડવાથી અને અન્ય રીતે ઘોંઘાટ કરવાથી એન્કઝાઈટીની, સેન્સરી સેન્સિટીવિટીની તકલીફથી પીડાતા અને હિયરિંગ એઈડ્સનો ઉપયોગ કરતાં કેટલાંક વિકલાંગ વિદ્યાર્થીઓને તે અનુભવવાની સમસ્યા થાય છે.

                                      • પેમેન્ટ ફ્રોડના પીડિતોને જૂના દાવા ચૂકવવા બેંકોને અનુરોધ

આર્થિક ગુનાખોરીનો સામનો કરવા માટે સાંસદોએ કરેલી ભલામણો મુજબ ૨૦૧૬થી પેમેન્ટ ફ્રોડનો ભોગ બનેલા લોકોને વળતર તરીકે સેંકડો મિલિયન પાઉન્ડ ચૂકવવાની જવાબદારી બેંકો પર આવી પડે તેવી શક્યતા છે.

                                             • ઓટિસ્ટિક બાળકોના અધિકારોનું ઉલ્લંઘન

મેન્ટલ હેલ્થ હોસ્પિટલોમાં ઓટિઝમ અને લર્નિંગ ડિસેબિલીટી ધરાવતા ઘણાં બાળકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું સાંસદો અને પીઅર્સને જણાયું હતું.

                                          • સુપરબગ્સનો સામનો કરવામાં હળદરનો ઉપયોગ

સ્વાસ્થ્ય સુધારવા માટે હળદરના ઘણાં ઔષધીય ગુણો છે. જોકે, હળદર વિશ્વ સમક્ષ સ્વાસ્થ્ય અંગેના સૌથી મોટા ખતરા સમાન સુપરબગ્સને અટકાવવામાં પણ મદદરૂપ થઈ શકે તેમ હોવાનું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. હવે યુકે અને જર્મનીના વૈજ્ઞાનિકો સુપરબગ્સનો સામનો કરવા માટે એન્ટિબાયોટિક મુક્ત અભિગમ સાથેનો વિકલ્પ વિકસાવવા ભેગા થયા છે.

                                   • નાની વયની મહિલાઓના મેનોપોઝના નિદાનમાં ડોક્ટરોની ભૂલ

મેનોપોઝ માટે યુવા મહિલાઓની ઉંમર ખૂબ ઓછી ગણીને તેમનું ખોટું નિદાન કરવામાં આવતું હોવાનું લીવરપૂલમાં મળેલી રોયલ કોલેજ ઓફ જીપી કોન્ફરન્સમાં સ્પેશિયાલિસ્ટ લુઈસ ન્યૂસને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નાની વયની મહિલાઓ મેનોપોઝના લક્ષણો ઓળખી શકતી નથી અને ડોક્ટરો આ લક્ષણો હોર્મોન્સમાં ફેરફાર સાથે સંકળાયેલા હોવાનું પારખી શકતા નથી.

                                       • લગભગ ૮૦૦,૦૦૦ ટમ્બલ ડ્રાયર્સમાં આગનું જોખમ

વ્હર્લપુલે આગ લાગવાનું જોખમ હોવાની ચેતવણી આપી તેના ચાર વર્ષ બાદ હજુ પણ લગભગ ૮૦૦,૦૦૦ જેટલાં ખામીયુક્ત ટમ્બલ ડ્રાયર્સ ઉપયોગમાં હોઈ શકે તેમ પાર્લામેન્ટરી કમિટીએ જણાવ્યું હતું. રિપોર્ટમાં સાંસદોએ સલામતીમાં ખામી અંગે ઉત્પાદકની પ્રતિક્રિયાને તેના ઉત્પાદનો સલામત હોવાની તકેદારી લેવાને બદલે ‘પીઆર મેનેજમેન્ટ’ સમાન ગણાવીને ફગાવી દીધી હતી.

                                      • અગ્રણી યુનિવર્સિટીઓની ડિગ્રી હોય તો વધુ આવક થાય

અગ્રણી યુનિવર્સિટીઓમાંથી જે વિદ્યાર્થીઓ જે વિષયમાં ગ્રેજ્યુએટ થયા હોય તેઓ તેમના જીવનમાં તેનાથી ઓછી પ્રખ્યાત અથવા ઓછી જાણીતી યુનિવર્સિટીઓમાંથી તે જ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલાં વિદ્યાર્થીઓ કરતાં ૫૦૦,૦૦૦ પાઉન્ડ વધુ કમાઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter