સંક્ષિપ્ત સમાચાર ..( યુકે). 1

Wednesday 10th March 2021 06:17 EST
 

• વંશીય લઘુમતીને સેન્સસ સર્વેમાં જાડાવાં અનુરોધઃ

ઈંગ્લેન્ડમાં ૨૧ માર્ચથી વસ્તીગણતરી (census) કરાઈ રહી છે ત્યારે રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીએ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયને સેન્સસમાં જોડાવા અનુરોધ કર્યો છે. NHS સંસ્થાના કહેવા અનુસાર આ સર્વેમાં ભાગ લઈ માહિતી આપવી હેલ્થ અને કેર સર્વિસીસની સુવિધા મેળવવા આવશ્યક છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તમામ ઘર-પરિવારે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પ્રથમ વખત ઓનલાઈન મોકલાનાર સેન્સસ સર્વે ભરવો ફરજિયાત છે અને તેમ નહિ કરવા બદલ ૧૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે. નેશનલ સેન્સસ સર્વે પૂર્ણ કરવાથી ઈંગ્લેન્ડના પરિવારોમાં આરોગ્યની સ્થિતિનું સમગ્રતયા ચોક્કસ ચિત્ર મેળવવામાં મદદ થશે. આ સર્વેમાં પરિવારના સભ્યોની વંશીયતા, વ્યક્તિગત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની માહિતી, અન્યોને અપાયેલા કેરિંગ સપોર્ટ તેમજ ધર્મ, ક્વોલિફિકેશન્સ અને એમ્પ્લોયમેન્ટ સ્ટેટસના પ્રશ્નો સહિતનો સમાવેશ થાય છે. જેમની પ્રથમ ભાષા ઈંગ્લિશ ન હોય અથવા કોમ્પ્યુટરની સુવિધા ન ધરાવતા વૃદ્ધ લોકો માટે ONS દ્વારા ફોનથી સલાહ, ટેક્સ્ટ, ઈમેઈલ અથવા વેબચેટ જેવી વધારાની મફત સુવિધા પણ મળી શકશે.

• દસ્તાવેજ વિના ઈંગ્લેન્ડ છોડશો તો દંડઃ

ટ્રાવેલ ફોર્મ વિના ઈંગ્લેન્ડ છોડવાનો પ્રયાસ કરનારાએ ૨૦૦ પાઉન્ડના દંડનો સામનો કરવો પડશે. સોમવારથી અમલી નિયમોના પાલન માટે વધારાનો પોલીસ ફોર્સ પોર્ટ્સ અને એરપોર્ટ્સ પર ત્રણ પાનાનો દસ્તાવેજ જોવા માંગી શકે છે. આ ફોર્મમાં ઈંગ્લેન્ડથી બહાર જવાનું યોગ્ય કારણ દર્શાવવું ફરજિયાત છે. આ ફોર્મ સરકારની વેબસાઈટ પરથી મેળવી શકાય છે અને મોબાઈલ પર સ્ટોર અથવા પ્રિન્ટ કરી શકાય છે. કોરોના વાઈરસ નિયંત્રણો હેઠળ ઈંગ્લેન્ડથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવો હોય તો કામ, શિક્ષણ અથવા તબીબી સહિત મર્યાદિત કારણોસર કરી શકાય છે. યોગ્ય કારણ વિના પ્રવાસ કરનારાને ઘેર પરત જવા જણાવાશે. જ્હોન્સનના રોડમેપ અંતર્ગત  ઈંગ્લેન્ડના લોકોને ૧૭ મે પહેલા વિદેશમાં રજા ગાળવા જવા દેવાશે નહિ.

• ૧૨ મિલિયનથી વધુ બ્રિટિશરોની સ્વૈચ્છિક સેવાઃ

કોરોના વાઈરસ મહામારીના ગાળામાં ૧૨ મિલિયનથી વધુ બ્રિટિશરો સ્વૈચ્છિક સેવા આપવા આગળ આવ્યા હતા. આમાંથી ત્રીજા ભાગના લોકો પહેલી વખત જ વોલન્ટીઅર બન્યા હતા. કોવિડ-૧૯થી કોમ્યુનિટીઓ અત્યાર સુધી થયું ન હોય તે રીતે એકબીજાની નિકટ આવી હતી. અગાઉ, કદી અન્યોને સમય આપ્યો ન હોય તેવા સોશિયલ ગ્રૂપ્સના  લોકો પણ સેવામાં સામેલ થયા હતા. ૫૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો વેક્સિન સેન્ટર્સમાં ઈન્જેક્શન્સ લેનારાની મદદે પહોંચ્યા હતા. ઘણા લોકોએ તો કાયમીપણે સેવાકાર્યમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. સંશોધન અનુસાર ૧૮-૨૪ વયજૂથના ૭૭૦,૦૦૦ લોકો તેમજ સૌથી ગરીબ વિસ્તારોમાં રહેતા ૭૪૦,૦૦૦ લોકોએ સૌપ્રથમ ૨૦૨૦માં સ્વૈચ્છિક સેવા આપી હતી.યુકેના વયસ્કોના  આશરે ૬ ટકા અથવા ૩૦૦,૦૦૦ લોકો ગત માર્ચમાં પ્રથમ લોકડાઉન જાહેર કરાયાના માત્ર સાત દિવસમાં સ્વેચ્છાએ અનેક ચેરિટીઓ સાથે તેમજ ૭૫૦,૦૦૦થી વધુ લોકો NHS વોલન્ટીઅર્સ તરીકે સેવાકાર્યમાં  જોડાયા હતા.

• ડોમેસ્ટિક એબ્યુઝરને જેલની સજા કરાશેઃ

કોરોના મહામારી દરમિયાન ઘરેલુ શોષણ કે ખરાબ વ્યવહારના કેસીસ વધી ગયા પછી ઘરેલું હિંસા કે શોષણના નવા કડક કાયદાઓ હેઠળ પોતાના પાર્ટનરનું ગળું દબાવનારાને પાંચ વર્ષની જેલની સજા કરી શકાશે. ‘નોન-ફેટલ સ્ટ્રેન્ગ્યુલેશન’ને નવા કાયદામાં અપરાધ ગણાવાયો છે. આ પ્રકારની હિંસા વિક્ટિમ પર કોઈ ચિહ્નો છોડતી નથી અને હુમલાના કાયદા હેઠળ તેની સામે કાનૂની કાર્યવાહી મુશ્કેલ બને છે. લોકોને અન્યોની અંગત તસવીરો મોકલવાની ધમકીનો સમાવેશ પણ ‘રિવેન્જ પોર્ન’ કાયદાને વધુ કડક બનાવશે. વિક્ટિમ સાથે રહેતા ન હોય પણ અંકુશ ધરાવતા લોકો સામે પણ કાર્યવાહી કરી શકાશે.

• પ્રીતિ પટેલનું પૂર્વ વડા રુટનામ સાથે સમાધાનઃ

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હોમ ઓફિસના પૂર્વ કામયમી સેક્રેટરી સર ફિલિપ રુટનામ સાથે ૩૪૦,૦૦૦ પાઉન્ડમાં સેટલમેન્ટ કરી લીધું છે. રુટનામે હોમ સેક્રેટરી દ્વારા ધાકધમકીના મુદ્દે સરકાર સામે કેસ માંડ્યો હતો. સાથી કર્મચારીઓ સાથે હોમ સેક્રેટરીના કથિત ધામધમકીપૂર્ણ વર્તનમાં હસ્તક્ષેપ બદલ સીનિયર સિવિલ સર્વન્ટને નોકરીમાંથી રુખસદ અપાઈ હતી. વ્હાઈટહોલના સૂત્રો અનુસાર સર ફિલિપને સમાધાન પેટે ૩૪૦,૦૦૦ પાઉન્ડ ઉપરાંત, કાનૂની ખર્ચ માટે ૩૦,૦૦૦ પાઉન્ડ પણ મળશે. તેમણે હોમ સેક્રેટરીને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના હીઅરિંગમાં લઈ જવાની ધમકી પણ આપી હતી. વિવાદની પતાવટ થવાથી પ્રીતિ પટેલ અને વડા પ્રધાન જ્હોન્સનને જાહેર ટ્રિબ્યુનલ સમક્ષ જુબાની આપવાની થશે નહિ. જોકે, પ્રીતિ પટેલને બચાવવા કેટલો ખર્ચ કરાયો છે તેવો પ્રશ્ન પણ ઉભો થઈ શકે છે. હોમ સેક્રેટરીએ શરુઆતથી જ ધાકધમકીપૂર્ણ વ્યવહારના રુટનામના આક્ષેપો ફગાવ્યાં છે. જ્હોન્સન સરકારે પોલીસ દ્વારા ડાઉનિંગ સ્ટ્રીટની બહાર લઈ જવાયા મુદ્દે જાતિય ભેદભાવનો આક્ષેપ કરનારાં પૂર્વ સ્પેશિયલ એડવાઈઝર સોનિયા ખાન સાથે પણ પાંચ આંકડાની રકમમાં સમાધાન કર્યું હતું.

• નં-૯ની સજાવટ પાછળ £૨.૯ મિલિયનનો ખર્ચઃ

ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા નંબર ૯ની મીડિયા સેન્ટર તરીકે પુનઃ સજાવટ પાછળ ૨.૯ મિલિયન (૨,૬૦૭,૭૬૭) પાઉન્ડનો ખર્ચ કરાયો છે. વ્હાઈટ હાઉસ સ્ટાઈલની પ્રેસ બ્રિફિંગ્સ માટે મીડિયા સેન્ટરનો ઉપયોગ કરાશે. લેબર પાર્ટીએ વેનિટી પ્રોજેક્ટ્સ પાછળ જંગી ખર્ચનો આક્ષેપ બોરિસ જ્હોન્સન પર લગાવ્યો હતો. સરકારે ટેલિવાઈઝ્ડ પ્રેસ બ્રીફિંગ્સ યોજવાની જાહેરાત કર્યા પછી ગયા વર્ષે નંબર ૯માં ધરમૂળથી ફેરફારો શરુ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter