સંક્ષિપ્ત સમાચાર ..( યુકે). 2

Wednesday 10th March 2021 06:27 EST
 

• M&S બેન્કના તમામ કરન્ટ એકાઉન્ટ્સ બંધ કરાશેઃ

ક્રેડિટ કાર્ડ્સ અને અન્ય સેવાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું હોવાથી M&S બેન્કના તમામ કરન્ટ એકાઉન્ટ્સ તેમજ ઈન-સ્ટોર શાખાઓ બંધ કરાશે. HSBC અને રીટેઈલર માર્ક્સ એન્ડ સ્પેન્સરના સંયુક્ત સાહસ M&S બેન્કના મન્થલી સેવર એકાઉન્ટ સહિત તમામ કરન્ટ એકાઉન્ટ્સ ઓગસ્ટ મહિનાથી બંધ કરાશે. આ ઉપરાંત, ૨૯ ઈન-સ્ટોર બેન્કશાખાઓ પણ જુલાઈની શરુઆતથી બંધ કરાવાની છે. બેન્કે ૨૦૧૪માં તેના કરન્ટ એકાઉન્ટ્સ શરુ કર્યા હતા અને હાલ તેની પાસે ૩-૪ મિલિયન કસ્ટમર્સ છે જેમાંથી લગભગ ૧૦ ટકાથી ઓછો હિસ્સો કરન્ટ એકાઉન્ટ્સનો છે. ઓગસ્ટ મહિના પછી કરન્ટ એકાઉન્ટ્સને સામાન્ય એકાઉન્ટ તરીકે રાખી શકાશે.

• મેગનને પ્રાઈવસી કેસમાં £૪૫૦,૦૦૦ની વચગાળાની ચૂકવણીઃ

મેગન મર્કેલને મેઈલ ઓન સન્ડે પ્રાઈવસી કેસમાં ૪૫૦,૦૦૦ પાઉન્ડની વચગાળાની ચૂકવણીનો આદેશ કરાયો છે.મેગને ૧.૫ મમિલિયન પાઉન્ડના કાનૂની ખર્ચ સામે ૭૫૦,૦૦૦ પાઉન્ડની વચગાળાની ચૂકવણીની માગણી કરી હતી. મેગને તેના પિતાને હાથથી લખેલા ખાનગી  પત્રના અંશો પ્રસિદ્ધ કરવા બાબતે એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ વિરુદ્ધ દાવામાં મેગનનો ગત મહિને વિજય થયો હતો. મેગન અખબારોના પ્રથમ પાના પર માફીનામું અને લખેલા પત્રની નકલો પિતાને સોંપી દેવાની માગણી કરે છે. લોર્ડ જસ્ટિસ વાર્બીએ તેમના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાની મનાઈ ફરમાવી છે.

• યુનિવર્સલ ક્રેડિટના દાવેદારો બમણાં થયાઃ

ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સના તાજા આંકડા મુજબ મહામારીની શરુઆત પછી યુનિવર્સલ ક્રેડિટના દાવેદારોમાં ૯૮ ટકાનો વધારો થયો છે. માર્ચ ૨૦૨૦માં ૩ મિલિયન દાવેદારોની સરખામણીએ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં દાવેદારોની સંખ્યા વધીને ૬ મિલિયન થઈ છે. લોકડાઉનના એક મહિના પછી નવા દાવેદારોમાં સૌથી મોટો ૪૦ ટકાનો વધારો એપ્રિલ ૨૦૨૦માં જોવા મળ્યો હતો જેમાં સતત વધારો થતો રહ્યો હતો. ગત ત્રમ મહિનામાં ૨ ટકા દાવેદાર વધ્યા હતા. ૧૩ માર્ચ ૨૦૨૦ પછી કુલ ૪.૫ મિલિયન લોકોએ યુનિવર્સલ ક્રેડિટનો ક્લેઈમ કર્યો હતો. આ બેનિફિટ યોજના એપ્રિલ ૨૦૧૩માં શરુ કરાયા પછી કુલ ૧૧.૪ મિલિયન લોકોએ યુનિવર્સલ ક્રેડિટનો ક્લેઈમ કર્યો છે. સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડમાં નવા નેશનલ લોકડાઉનની જાહેરાત પછી ૨૦૨૧ના પ્રથમ સપ્તાહમાં વધુ ૭૫,૦૦૦ ક્લેઈમ્સ કરાયા હતા.

• દર વર્ષે ૨૫૦,૦૦૦ મુલાકાતીનું બ્રિટનમાં વધુ રોકાણઃ

 બ્રિટનની મુલાકાતે આવતા વિઝિટર્સમાંથી આશરે ૨૫૦,૦૦૦ મુલાકાતીઓ દર વર્ષે બ્રિટનમાં તેમના રોકાણની મુદતથી વધુ સમય રોકાઈ જાય છે. માઈગ્રેશન વોચ ચેરિટીના જણાવ્યા અનુસાર હોમ ઓફિસ ૫૫ દેશમાંથી આવતા મુલાકાતીઓ વિશે પૂરતો ડેટા એકત્ર કરવામાં નિષ્ફળ જાય છે. યુએસ, મેક્સિકો અને બ્રાઝિલ જેવા દેશના મુલાકાતીઓને છ મહિનાના રોકાણ માટે વિઝાની જરુરિયાત ન હોવાથી આવા દેશોના વિઝિટર્સની મર્યાદિત તપાસ કરાય છે. એમ મનાય છે કે ૨૦૧૬થી ૨૦૨૦ના ગાળામાં ૯૨,૦૦૦ લોકોએ મુદતથી વધુ રોકાણ કર્યું હતું. અગાઉ આ સંખ્યા ૫૦,૦૦૦ જેટલી હતી.

• ખાનગી વેક્સિન લેવા બદલ લેબર કાઉન્સિલર સસ્પેન્ડઃ

ઓક્સફર્ડ કાઉન્ટી અને સિટીના ૬૫ વર્ષીય લેબર કાઉન્સિલર જમિલા આઝાદે ખાનગી ડોક્ટર પાસેથી કોરોના વેક્સિન લગાવી હોવાનો દાવો કર્યા પછી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મિસ આઝાદે ફેસબૂક પર તેમનો અને અન્ય મહિલાનો વેક્સિન લેતો પોટો મૂક્યો હતો. મિસ આઝાદે જણાવ્યું હતું કે NHS પર ભારે વેઈટિંગ લિસ્ટ હોવાથી તેમની પુત્રી તેમને ખાનગી ડોક્ટર પાસે લઈ ગઈ હતી. સરકારના જણાવ્યા અનુસાર NHSની બહાર કોવિડ વેક્સિન્સ લગાવવા ગેરકાયદે છે. જોકે, તેમના પકરિવારજનો હવે કહે છે કે મિસ આઝાદે NHS મારફતે જ કોવિડ વેક્સિન લગાવડાવ્યું છે.

• યુકેમાં યુરોઝની યજમાનીને સમર્થનઃ

ઈંગ્લેન્ડના વર્લ્ડ કપના વિજેતા સર જ્યોફ હર્સ્ટે યુકેમાં ઉનાળાની યુરોપિયન ચેમ્પિયનશિપ યુરોઝની યજમાની કરવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કરેલી ઓફરને સમર્થન આપ્યું છે. સર જ્યોફે જણાવ્યું હતું કે ફૂટબોલને ફરીથી ઘરમાં લાવવાનું ૧૯૬૬ની ભાવનાને અનુરુપ બની રહેશે જ્યારે તેમની હેટ-ટ્રિકે જર્મનીને ફાઈનલમાં હરાવ્યું હતું. ૧૨ દેશો યુરોઝ યોજવા મેદાને છે જેમાં સેમીઝ અને ફાઈનલ વેમ્બલી સ્ટેડિયમ ખાતે યોજાઈ શકે છે. જોકે, યુરોપના અન્ય દેશોની સરખામણીએ યુકેમાં વેક્સિનની અભુતપૂર્વ સફળતાના પગલે જ્હોન્સને સમગ્ર ટુર્નામેન્ટ માટે દેશના સ્ટેડિયમોની ઓફર કરી હતી.

• મેગન મર્કેલને એરિંગ્સ ભેટમાં મળ્યા હતાઃ

ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલે પત્રકાર ખાશ્શોગીની હત્યાના ત્રણ સપ્તાહ પછી ફિજીમાં સત્તાવાર ડિનર પ્રસંગે પહેરેલાં એરિંગ્સ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા લગ્નની ભેટ તરીકે અપાયા હોવાનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે. એમ કહેવાય છે કે મેગને રોયલ સ્ટાફને આ એરિંગ્સ પહેરવા માટે ‘ઉધાર’ લીધાં હોવાનું જણાવ્યું હતું. જોકે, કોની પાસેથી લેવાયા હતા તે જણાવાયું ન હતું. આના થોડા સમય અગાઉ જ પત્રકાર ખાશ્શોગીની હત્યામાં સાઉદી પ્રિન્સનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.

• વિકાસશીલ દેશોનાં દેવાં નાબુદ કરવા અપીલઃ

યુકે સરકારે કોવિડ-૧૯ની અસર હેઠળ આર્થિક સંઘર્ષ કરી રહેલા વિકાસશીલ દેશોનાં દેવાં નાબુદ કરવા જોઈએ તેવો અનુરોધ બ્રિટિશ સાંસદોએ કર્યો છે. હાઉસ ઓફ કોમન્સની ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કમિટીએ ચેતવણી આપી છે કે મહામારી અતિશય ગરીબી અને ખોરાકી અસલામતીને વધારી રહી છે. આ ઉપરાંત, ટ્યુબરક્લોસિસ રોગપ્રતિકાર સહિત સામાન્ય હેલ્થકેર પણ કોરવાઈ રહેલ છે. દરમિયાન, ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે તે જીવનનિર્વાહના રક્ષણ, હેલ્થ સિસ્ટમ્સના સુધારા અને વેક્સિનની વહેંચણી પાછળ ૧.૩ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરી રહેલ છે. વિશ્વમાં કોરોના વાઈરસના સંક્રમણના લગભગ ૧૦૦ મિલિયન કેસ જોવાં મળ્યા અને તેના ચેપથી બે મિલિયનથી વધુ લોકોના મોત થયા છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter