સંક્ષિપ્ત સમાચાર ..( યુકે). 3

Wednesday 10th March 2021 06:30 EST
 

• પૂર્વ વડાપ્રધાન કેમરને થેરેસા અને બોરિસની ટીકા કરીઃ

ગઠબંધન યુગના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને કેબિનેટ સેક્રેટરી અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝરની ભૂમિકાઓ સંયુક્ત કરવા તેમજ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસનું એક મંત્રાલય બનાવવા બદલ તેમના પુરોગામીઓ થેરેસા મે અને બોરિસ જ્હોન્સનની ટીકા કરી છે. તેમણે આ બાબતોને ઘણી ગંભીર ગણાવી હતી. થેરેસા મેએ ૨૦૧૮માં કેબિનેટ સેક્રેટરી અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝરની ભૂમિકા સંયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આના કારણે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના દરજ્જાને નુકસાન થયાનું કેમરને જણાવ્યું હતું. જોકે, આ નિર્ણયને જ્હોન્સને ફેરવી નાખ્યો હતો. આ જ પ્રમાણે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને ફોરેન કોમનવેલ્થ ઓફિસને ભેગાં કરી ગયા વર્ષે નવું મંત્રાલય ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ સ્થપાયું હતું.

• બેઝિક ઈન્કમ ડ્રગ્સ ખરીદવા વપરાશે, ટોરી ઉમેદવારનો બફાટઃ

લંડનના મેયરપદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર શૌન બેઈલીએ લંડન એસેમ્બલી સમક્ષ બફાટ કર્યો છે કે નાગરિકોને અપાતી યુનિવર્સલ બેઝિક ઈન્કમ (UBI)ની રકમનો ઉપયોગ ડ્રગ્સ ખરીદવામાં થઈ શકે છે. લિબરલ ડેમોક્રેટ્સ અને ગ્રીન પાર્ટી UBIની ટ્રાયલની હિમાયત કરી રહ્યા છે જેમાં સરકાર નાગરિકોને તેમના આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના નિયમિતપણે ચોક્કસ રકમ આપી શકે. બેઈલીએ આના વિરોધમાં એસેમ્બલીની ઈકોનોમી કમિટી સમક્ષ કહ્યું હતું કે નાગરિકો આ રકમ મોટા પાયે ડ્રગ્સ ખરીદવા પાછળ ઉડાવી મારશે. બેઈલીના આ વિધાનનો ભારે વિરોધ કરાયો છે. બેઈલીએ કહ્યું હતું કે આ રકમ મેળવનારા માત્ર ગરીબ જ હોય તે જરુરી નથી.

• ૧૩૯,૦૦૦ લંડનવાસીઓને લોંગ કોવિડનો અનુભવઃ

લંડન એસેમ્બલીના તાજા આંકડા અનુસાર ૧૩૯,૦૦૦ જેટલા લંડનવાસીઓએ કોવિડ બીમારીનો લાંબો અનુભવ કર્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર યુકેમાં પાંચમાંથી એક વ્યક્તિ લાંબા સમય સુધી કોરોના વાઈરસની બીમારીમાંથી પસાર થઈ છે. અત્યાર સુધી લંડનમાં કોવિડ-૧૯ના ૬૯૭,૭૮૨ નિશ્ચિત કેસ જોવાં મળ્યાં છે. લોંગ કોવિડમાં કોરોના વાઈરસનું સંક્રમણ થયા પછી સપ્તાહો કે મહિનાઓ સુધી નબળાઈ અથવા શ્વાસોચ્છવાસની સમસ્યા જેવાં લક્ષણો રહે છે. લોંગ કોવિડથી પીડિત લોકોએ ભારે તાણ સહન કરવી પડે છે તેમજ સંપૂર્ણ સાજા થવામાં વધુ સપોર્ટની જરુર રહે છે. તેઓ લાંબા સમય સુધી ચાલી કે દોડી શકતા નથી અને તેમને શ્વાસ ચડી જાય છે કે હાંફી જવાય છે. હજારો લોકો આવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છે.

• યુકેના કેર હોમ્સ પ્રોવાઈડર ૫૨ સંસ્થા વેચશેઃ

કેર હોમ્સ ઓપરેટર્સ બંધ થવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે યુકેની સૌથી મોટી કેર હોમ્સ કંપની HC-One તેમની બાવન (૫૨) સુવિધાઓનું વેચાણ કરવા માગે છે, જે તેના પોર્ટફોલિયોમાં છમાંથી એક જેટલું સ્થાન ધરાવે છે. કંપની વૃદ્ધો લાંબો સમય જીવી શકે તેવી રેસિડેન્શિયલ કેર પૂરી પાડવાના બદલે જટિલ ડિમેન્શિયા અને અન્ય જરુરિયાત ધરાવતા લોકોને હાઈ ડિપેન્ડન્સી કેર પૂરી પાડવાના ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તે તેના ચાર કેર હોમ્સ બંધ કરશે તેવી જાહેરાત પણ કરાઈ છે. કેટલીક કાઉન્સિલોએ મહામારીના કારણે વધેલા ખર્ચને સરભર કરવા આગામી વર્ષે રેસિડેન્શિયલ કેરના નિવાસીઓ માટે ફી વધારી નહિ શકાય તેમ કેર પ્રોવાઈડર્સને જણાવી દીધું છે.

• વડા પ્રધાનના ફ્લેટની પુનઃ સજાવટ અને ચેરિટીઃ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ફ્લેટની પુનઃ સજાવટના ખર્ચાને આવરી લેવા ચેરિટીની સ્થાપનાની યોજનાએ વિરોધ જગાવ્યો છે. કમિટી ઓન સ્ટાન્ડર્ડ્સ ઈન પબ્લિક લાઈફના પૂર્વ ચેરમેન સર એલિસ્ટર ગ્રેહામ આ યોજનાની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્હોન્સન આ ફ્લેટમાં તેમની ફિયાન્સી કેરી સાયમન્ડ્સ સાથે રહે છે. યુએસમાં ખાનગી દાતાઓ દ્વારા વ્હાઈટ હાઉસની ઈન્ટિરિયર ડિઝાઈન અને બિલ્ડિંગના રિસ્ટાઈલિંગ માટે ખર્ચ ઉઠાવાય છે. યુકેમાં ટોરી ડોનર્સ દ્વારા ડાઉનિંગ સ્ટ્રીટ નંબર ૧૧ની ઉપર રહેલા વડા પ્રધાનના ફ્લેટની નવસજાવટના ખર્ચ માટે સરકાર કાનૂની રીતે ભંડોળ ઉભું કરી શકે કે કેમ તેની ચર્ચા ચાલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter