• ટીનેજર્સ કોસ્મેટિક સર્જરીની જાહેરાતો બંધ કરાશેઃ

Wednesday 01st December 2021 06:50 EST
 

ટીનેજર્સ કોસ્મેટિક સર્જરીની જાહેરાતો બંધ કરાશેઃ

ટીનેજર્સને લક્ષ્ય બનાવતી કોસ્મેટિક સર્જરીની જાહેરાતો આગામી વર્ષના મે મહિનાથી પ્રતિબંધિત કરવામાં આવશે. આ નિયમના પરિણામે કંપનીઓ ૧૮ વર્ષથી નીચેના ટીનેજર્સ માટે સ્તનને વધારવા અથવા ઘટાડવા, ‘ટમી ટક્સ’, આઈલિડ સર્જરી, નાકનો આકાર બદલવો અથવા ફેસલિફ્ટ સહિત વ્યક્તિનો શારીરિક દેખાવ બદલવા માટેની સર્જરી-પ્રોસિજર્સની જાહેરાતો કરી શકશે નહિ. આ પ્રતિબંધમાં દાંતને સફેદ બનાવતી પ્રોડક્ટસ, ત્વચાના પુનર્જીવન અને ઈન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ્સ, કેમિકલ પિલ્સ અને ડર્મલ ફિલર્સને પણ આવરી લેવાયા છે. આવી જાહેરાતો ટેલિવિઝન કાર્યક્રમોની આસપાસ, યુવાનોને નિશાન બનાવતા મીડિયા અથવા જેના ઓડિયન્સમાં તરુણ વયજૂથનું પ્રમાણ વધુ હોય તેવા કાર્યક્રમોમાં દર્શાવી શકાશે નહિ.

વિન્ડરશના માત્ર ૫ ટકા પીડિતોને વળતરઃ

વિન્ડરશ કૌભાંડ ૨૦૧૭માં બહાર આવ્યા પછીના ચાર વર્ષના ગાળામાં હોમ ઓફિસ દ્વારા માત્ર ૫ ટકા પીડિતોને વળતર અપાયું છે. રાજકીય પક્ષોના સાંસદોના રિપોર્ટમાં આ યોજનાનો અમલ હોમ સેક્રેટરીના ડિપાર્ટમેન્ટ પાસેથી આંચકી લેવા અપીલ કરાઈ છે. આ યોજના હવે સમસ્યા દૂર કરવાના બદલે વધુ પ્રશ્નો ઉભા કરી રહી છે. લાયકાત ધરાવતા ૨૩ અરજદાર તો વળતરની ચૂકવણી કરા.ય તે પહેલા મોતને ભેટ્યા હતા. કેરેબિયન દેશોમાંથી ૧૯૪૮-૧૯૭૧ના સમયગાળામાં આવેલા હજારો કાયદેસર રહેવાસીઓનું વર્ગીકરણ યુકે સરકારે ભૂલથી ગેરકાયદે માઈગ્રન્ટ્સ તરીકે કર્યું હતું. વળતર યોજના હેઠળ ૧૫,૦૦૦ જેટલા લોકો વળતર મેળવવાને પાત્ર હોવાંનો પ્રાથમિક અંદાજ છતાં, સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં માત્ર ૩,૦૨૨ લોકોએ વળતર માટે અરજી કરી હતી અને તેમાંથી માત્ર ૮૬૪ને વળતર અપાયું હોવાનું સાંસદોને જણાયું હતું.

નવાં બિલ્ડિંગ્સમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઇન્ટ ફરજિયાતઃ

યુકે દ્વારા ક્લાઈમેટ ચેન્જ સમસ્યા સામે અસરકારક પગલું લેવાયું છે. બ્રિટનમાં બનતાં નવાં બિલ્ડિંગોમાં ઈલેક્ટ્રિક કાર માટે ચાર્જિંગ પોઈન્ટ બનાવવું ફરજિયાત હશે. હવે સુપર માર્કેટ્સ, કામકાજના સ્થળો અને બિલ્ડિંગ રિનોવેશનના સમયે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઇન્ટ બનાવવા જ પડશે. યુકેમાં દર વર્ષે આશરે ૧૪૫,૦૦૦ નવા ચાર્જિંગ પોઇન્ટ બનાવવાની ગણતરી મૂકાઈ છે. આ ઉપરાંત, ૨૦૩૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલની નવી કારના વેચાણ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે જેને ઈલેક્ટ્રિક કાર ક્રાંતિ તરફના મહત્ત્વના પગલાં તરીકે ગણાવાય છે. વાયુ પ્રદુષણ ઘટાડવા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવાની અપીલ પણ કરાઈ છે.

જેરેમી કોર્બીનને બદનક્ષીનું વળતરઃ

લેબર પાર્ટીના પૂર્વ નેતા અને ઈઝલિંગ્ટન નોર્થના સાંસદ જેરેમી કોર્બીનને લિવરપૂલ હુમલાની નકલી તસવીર ટ્વીટ કરનારા ટોરી કાઉન્સિલર પોલ નિકરસન પાસેથી બિનશરતી માફી અને નોંધપાત્ર વળતર મળ્યું છે. ટોરી કાઉન્સિલરે લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલના બહાર ત્રાસવાદી હુમલાના ઘટનાસ્થળે સળગી રહેલી ટેક્સી પાસે જેરેમી કોર્બીન પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હોય તેવો બનાવટી ફોટો ટ્વીટ કર્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા ઈસ્ટ રાઈડિંગના કાઉન્સિલર નિકરસને સ્વીકાર્યું હતું કે તેણે મૂકેલી તસવીરથી પૂર્વ લેબરનેતાની ખોટી છાપ ઉભી થતી હતી. કોર્બીને પોતાના સોલિસિટરને બદનક્ષીની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

બોરિસ જ્હોન્સન વિરુદ્ધ અવિશ્વાસના પત્રોઃ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન તેમના હોદ્દા સામે સૌથી ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. ડઝન જેટલા ટોરી સાંસદોએ જ્હોન્સનની નેતાગીરી સામે અવિશ્વાસ વ્યક્ત કરતા પત્રો પાઠવી રાજીનામાની માગણી કરી છે. પક્ષની શક્તિશાળી ૧૯૨૨ કમિટીના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીને આ પત્રો મોકલવામાં આવ્યા છે. વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ ક્ષોભજનક ગરબડો, પીછેહઠના નિર્ણયો અને વચનભંગો પછી કન્ઝર્વેટિવ નેતા પક્ષ પર અંકુશ ગુમાવી રહ્યા હોવાનો ઈનકાર કર્યો છે. ટોરી પાર્ટીના બંધારણ મુજબ જો ૧૫ ટકા સાંસદો પોતાના નેતામાં અવિશ્વાસ દર્શાવતા પત્રો ૧૯૨૨ કમિટીના અધ્યક્ષને મોકલી આપે તો લીડરશિપ ચેલેન્જ થઈ શકે છે.

ત્રણ શ્વેત પુરુષો અશ્વેત અહમૌદનીના હત્યાનો દોષીઃ

યુએસના જ્યોર્જિયાની ગ્લીન કાઉન્ટીના ૨૫ વર્ષીય નિઃશસ્ત્ર અશ્વેત યુવક અહમૌદ આર્બેરીની હત્યા બદલ જ્યૂરીએ ત્રણ શ્વેત પુરુષને હત્યા અને હત્યામાં સાથ આપવાના ગુનાઓમાં દોષિત ઠરાવ્યા હતા. ૩૫ વર્ષના ટ્રાવિસે ૨૦૨૦ની ૨૩ ફેબ્રુઆરીએ આર્બેરીની ગોળી મારી હત્યા કરી હતી. તેને હત્યા સહિત નવ ગુનામાં દોષી જાહેર કરાયો હતો. ટ્રાવિસના ૬૫ વર્ષીય પિતા ગ્રેગરી મેકમાઈકલને હત્યાના દોષી ઠરાવાયા નથી પરંતુ, આઠ ગુના માટે સજા કરાશે. પિતા અને પુત્રના બાવન વર્ષીય પડોશી વિલિયમ ‘રોડ્ડી’ બ્રાયન જુનિયરને હત્યામાં સાથ આપવા સહિત છ ગુના માટે દોષી ઠરાવાયો હતો. સજા ક્યારે જાહેર કરાશે તે તારીખ નિશ્ચિત કરાઈ નથી પરંતુ, આ ત્રણે અપરાધીને પેરોલ વિના આજીવન કેદ ભોગવવી પડે તેવી શક્યતા છે. આ હત્યા કેસમાં ત્રણ સપ્તાહ ચાલેલી ટ્રાયલમાં જ્યુરીએ પોતાનો નિર્ણય જાહેર કરવામાં બે દિવસથી ઓછો સમય લીધો હતો. અહમૌદ આર્બેરીએ ચોરી કરી હોવાનો આક્ષેપ અપરાધીઓ દ્વારા કરાયો હતો પરંતુ, સીસીટીવી ફૂટેજમાં તેણે ચોરી કરી હોવાનું પૂરવાર થયું ન હતું.

શમીમા બેગમને નાગરિકત્વનો ફરી ઈનકારઃ

સીરિયામાં રેફ્યુઝી કેમ્પમાં રહેતી શમીમા બેગમની યુકેનું નાગરિકત્વ પાછું આપવાની વિનંતી ફરી નકારી દેવાઈ છે. શમીમા બેગમ ૧૫ વર્ષની વયે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાવા તેની બે બહેનપણી સાથે ૨૦૧૫માં સીરિયા પહોંચી હતી. તેણે એક જેહાદી સાથે લગ્ન કરી ૨૦૧૯માં બાળકને જન્મ પણ આપ્યો હતો. તેણે બ્રિટન પરત ફરવા મંજૂરી માંગતી વિનંતીઓ વારંવાર કરી છે. જોકે, બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે શમીમાને બ્રિટનમાં પરત ફરવાના તમામ માર્ગો બંધ થઈ ચૂક્યા છે. તેના માતાપિતાના જન્મના દેશ બાંગલાદેશે પણ નાગરિકત્વ આપવાનું નકાર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter