બ્રિટિશરોએ પ્લેટિનમ જ્યુબિલી વીકએન્ડની ચાર રજાઓ ભોગવી પરંતુ, ટ્રેડ યુનિયનો વધુ બેંક રજાઓ માટે હાકલ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સામાન્યપણે આઠ બેન્ક હોલીડે્ઝ હોય છે જ્યારે સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વર્ષે 9 અથવા 10 બેન્ક હોલીડે્ઝ મળે છે. ટ્રેડ યુનિયન્સ કોંગ્રેસ કહે છે, ‘યુરોપિયન યુનિયનના દેશોમાં જાહેર રજાઓની સરેરાશ સંખ્યા વર્ષમાં 12.8 દિવસ હોય છે.’ યુરોપ બહારના જાપાન, યુએસ, ઓસ્ટ્રેલિયા અને ચીન સહિતના દેશોમાં પણ યુકેની સરખામણીએ વધુ જાહેર રજા હોય છે. 5.5 મિલિયન વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા 48 સભ્ય યુનિયન સાથેની ટીયુસી દર વર્ષે ઓછામાં ઓછી ચાર વધારાની બેંક રજાઓની માંગ કરી રહી છે. CBI એ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પાઠવેલા ખુલ્લા પત્રમાં જ્યુબિલી બેંક હોલીડેની રજા કાયમી બનાવવા વિનંતી કરી હતી.
• સાદિક ખાનને લેબર નેતાગીરીમાં રસ નથી
જો લેબર નેતાને બીઅરગેટના કારણે નેતાગીરી છોડવાની ફરજ પડે તો પણ લંડનના મેયર સાદિક ખાને સર કેર સ્ટાર્મરનું સ્થાન લેવામાં જરા પણ રસ નથી. મેયર ખાને મેટ્રોપોલિટન પોલીસ પર પાર્ટીગેટ પેનલ્ટીઝનો ખુલાસો કરવા દબાણ ઉભું કર્યું છે. ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગયા વર્ષે ડરહામમાં બૂઝી કરી બદલ સર સ્ટાર્મરે રાજીનામું આપવું પડ્યું હોત તો તેમને લેબરનું નેતૃત્વ કરવામાં બિલકુલ રસ નથી. સર કેરને કોવિડ લોકડાઉન તોડવા બદલ પોલીસ દ્વારા દંડ કરાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. લેબરનેતાએ તેમને ફિક્સ પેનલ્ટી નોટિસ (એફપીએન) મળે તો નેતાગીરી છોડવાનું વચન આપીને રાજકીય ભવિષ્ય પર મોટો જુગાર ખેલ્યો છે. લેબરના ઉપનેતા એન્જેલા રેનેરે પણ આવી જ પ્રતિજ્ઞા લીધી છે. બીબીસીના સન્ડે મોર્નિંગ કાર્યક્રમમાં ખાનને પાર્ટીનું નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષા છે તેવો પ્રશ્ન પૂછાયો ત્યારે લંડનના મેયરે જવાબ આપ્યો: ‘બિલકુલ નહીં.’
• ઈમિગ્રેશન દરોડાને અવરોધવા બદલ કાર્યવાહીઃ
ગ્લાસગોની કેન્મુર સ્ટ્રીટમાં બે ભારતીયોને દૂર કરવાની ઈમિગ્રેશન કાર્યવાહીને અવરોધવા બદલ ત્રણ દેખાવકાર વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. ‘કેનમુર સ્ટ્રીટ થ્રી’ તરીકે પ્રખ્યાત થયેલાં 23 વર્ષીય મહિલા અને બે પુરુષો સામે જાહેર વ્યવસ્થામાં ખલેલના ગુના માટે ઓગસ્ટની શરૂઆતમાં ચાર્જીસ લગાવવામાં આવનાર છે. 2021ની 13 મેએ શેફ સુમિત સચદેવ અને મિકેનિક લખવીર સિંહને વિઝાની મુદત પૂર્ણ થયા પછી વધુ રોકાણ કરવા બદલ અટકાયતમાં લેવાનો પ્રયાસ કરાયો ત્યારે સેંકડો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કરી આઠ કલાક પછી તેમને છોડાવી લીધા હતા. ‘કેનમુર સ્ટ્રીટ થ્રી’ દ્વારા પિટિશન લોન્ચ કરાઈ છે જેમાં ચાર્જીસ પડતા મૂકવામાં આવે તેની માગણી મુખ્ય છે.
• બ્રિટન યુક્રેનને લાંબા અંતરના રોકેટ મોકલશેઃ
રશિયા દ્વારા આક્રમણનો ભોગ બનનારા યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા બ્રિટન લાંબા અંતર સુધી પ્રહાર કરનારા રોકેટ મોકલશે. મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સ (MLRS) ૫૦ માઇલ દૂરના લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે અને તેમાં પ્રીસિઝન ગાઈડેડ રોકેટ્સનો સમાવેશ થાય છે. ડિફેન્સ સેક્રેટરી બેન વાલેસે કહ્યું હતું કે જો બ્રિટનનું સતત સમર્થન મળશે તો તેનાથી યુક્રેનને યુદ્ધ જીતવામાં મદદ મળશે. અગાઉ, યુક્રેનને હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ પૂરી પાડવાના નિર્ણય પછી નવી સિસ્ટમો મળવાથી યુક્રેનની આર્ટિલરી રેન્જને બમણાથી વધુ થઈ જશે. બ્રિટને 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછીથી યુક્રેનને હજારો એન્ટી ટેન્ક મિસાઇલ્સ, એન્ટી એર સિસ્ટમ્સ અને બખ્તરબંધ વાહનો પૂરા પાડ્યા છે. આવાં શસ્ત્રોથી યુક્રેનને પૂર્વીય ડોનબાસમાં બાજી પલટી દેવાની આશા છે.
• લંડનમાં પિન્ટની કિંમત £8 સુધી પહોંચીઃ
શરાબપાન કરનારાને નશો ઉતારી દે તેવો ફૂગાવોનો સામનો પિયક્કડો કરી રહ્યા છે. કેપિટલમાં પિન્ટની કિંમત 8 પાઉન્ડ સુધી પહોંચી ગઈ છે. બાર અને પબ્સ વધતા ફૂગાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે લંડનમાં એક પિન્ટની કિંમતમાં પ્રથમ વખત વધારો થયો છે. દેશભરમાં એક પિન્ટની સરેરાશ કિંમત 3.95 પાઉન્ડ હતી, જે 2008ના નાણાકીય કડાકા પછી 70 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. લેન્કેશાયરમાં સૌથી સસ્તો પિન્ટ 1.79 પાઉન્ડમાં મળી શકે છે. અનાજના સૌથી મોટા સપ્લાયર યુક્રેનમાં યુદ્ધના પરિણામે જવ સહિતના અનાજની કિંમતમાં તીવ્ર વધારો થવાથી પબ કંપનીઓને જોખમ ઉભું થયું છે. આશરે 2700 પબ ચલાવતા ગ્રીન કિંગે તાજેતરમાં પિન્ટનો ભાવ સરેરાશ 5 પેન્સ વધાર્યો હતો. માર્સ્ટનના ચીફ એક્ઝિક્યુટિવે માર્ચ મહિનાથી સરેરાશ8 પેન્સ ભાવ વધાર્યાનું જણાવ્યું છે.
• NUS પ્રમુખની ચૂંટણીની આંતરિક તપાસઃ
એન્ટિસેમિટિઝમ તપાસમાં નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ (NUS)ના નવાં પ્રમુખ શાઈમા દલાલીની ચૂંટણીની પૂછપરછને પ્રાથમિકતા અપાશે તેમ સ્વતંત્ર તપાસકાર રેબેકા ટક QCએ જણાવ્યું છે. તપાસના તારણો થોડા સપ્તાહોમાં જાહેર કરવામાં આવશે. 6 જૂનથી એક મહિના સુધી જાહેર જુબાનીઓ લેવાની શરૂઆત કરાશે અને ઓક્ટોબરના અંતે આખરી રિપોર્ટ જાહેર કરાશે. સંગઠનની અંદર એન્ટિસેમિટિઝમ સાથે સંકળાયેલા શ્રેણીબદ્ધ આરોપો બાદ NUSદ્વારા સ્વતંત્ર તપાસ કરાવાઈ છે. યહૂદી વિદ્યાર્થીઓને આ સંગઠન તેમનું પ્રતિનિધિત્વ કરી શકે છે તેવો વિશ્વાસ ન થાય ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન અને ઓફિસ ફોર સ્ટુડન્ટ્સે NUSસાથેના ઔપચારિક સંબંધો તોડવાની જાહેરાત કરી છે. NUS યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 600 સ્ટડન્ટ્સ યુનિયનો સાથે 7 મિલિયન વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. દલાલીએ તપાસને આવકારવા સાથે તે એન્ટિસેમિટિક હોવાનો ઇનકાર કરી 10 વર્ષ પહેલાં પોસ્ટ કરેલા ટ્વીટ માટે માફી માંગી હતી.
• બ્રિટિશ લેખિકાને યુકેની ફ્લાઇટમાં જગ્યા નહિઃ
બ્રિટિશ નાગરિકત્વ ધરાવતાં 54 વર્ષીય નવલકથાકાર જેનિફર નાનસુબુગા માકુમ્બીને બ્રસેલ્સથી માન્ચેસ્ટર જવાં રાયનએરની ફ્લાઇટમાં ચડતા અટકાવી દેવાયાં હતાં. માન્ચેસ્ટર મેટ્રોપોલિટન અને લેન્કેસ્ટર યુનિવર્સિટીમાં લેક્ચરર માકુમ્બીને 2012માં યુકેમાં અચોક્કસ મુદત સુધી રહેવાની રજા અપાઈ હતી. તેમણે એપ્રિલમાં બ્રિટિશ પાસપોર્ટની અરજી કરી છે અને એપોઈન્ટમેન્ટની રાહ જોઈ રહ્યાં છે. તેમની પાસે યુગાન્ડા પાસપોર્ટ અને બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો ન હતો પરંતુ, રાયનએરના કર્મચારીઓએ ફ્લાઈટમાં બેસવાની મંજૂરી નહિ આપતા તેઓ નિરાશ થયાં હતાં. બ્રસેલ્સના બ્રિટિશ દૂતાવાસે તેમની સમસ્યા સમજી યુરોસ્ટાર મારફત લંડન જવાની સલાહ આપી હતી અને તેઓ લંડન પહોંચી શક્યાં હતાં.

