કોવિડ મહામારીનો ખર્ચ કરદાતાઓના શિરે 21 બિલિયન પાઉન્ડનો થયો છે અને હજુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના જણાવ્યા મુજબ આગામી મહિનાઓમાં 55 બિલિયન પાઉન્ડનો વધારો જોવાં મળશે. ગત સપ્ટેમ્બરમાં એસેસમેન્ટ કરાયા પછી અંદાજિત બિલમાં 6 બિલિયન પાઉન્ડ વધી ગયા છે. સૌથી મોટો 4 બિલિયન પાઉન્ડનો વધારો રેલ નેટવર્કને સપોર્ટ કરવામાં તેમજ 3.2 બિલિયન પાઉન્ડ વેક્સિન રોલઆઉટ તથા ટેસ્ટ એન્ડ ટ્રેસ પાછળ થયો હતો. બીજી તરફ, બિઝનેસ સપોર્ટ લોનની માંડવાળ કરવાના અંદાજિત ખર્ચમાં 4.7 બિલિયન પાઉન્ડ અને સ્વરોજગાર લોકો માટે ગ્રાન્ટ ચૂકવણીમાં 2.8 બિલિયન પાઉન્ડના ઘટાડા સાથે બચત થઈ છે. NAOએ જણાવ્યા મુજબ સરકારે 132 બિલિયન પાઉન્ડની લોન્સની ગેરન્ટી લીધી હતી જેમાંથી 16 બિલિયન પાઉન્ડ માંડવાળ કરવા પડશે.
• સાઈકલ લેન્સમાં ઘૂસણખોરી કરશો તો દંડઃ
સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) ને સુપરત કરાયેલી નવી સત્તા હેઠળ સાઈકલ લેન્સમાં ઘૂસણખોરી કરનારા વાહનચાલકોને દંડ કરવામાં આવશે. TfLના એક્શન પ્લાન ‘વિઝન ઝીરો’ હેછળ વર્તમાન CCTV કેમેરાઝના ઉપયોગથી 27 જૂનથી દંડ ઈસ્યુ કરવાની શરૂઆત કરી દેવાઈ છે. સાઈકલિસ્ટ્સની સલામતી વધારવા તેમજ વધુ લોકો આ પ્રકારના ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તેવા હેતુસર ફરજિયાત સાઈકલ લેન્સમાં ઘૂસણખોરી કે તેને ક્રોસ કરનારા ડ્રાઈવર્સ આ દંડનો શિકાર બનશે. આ દંડ અન્ય રેડ રૂટ પેનલ્ટી ચાર્જીસની માફક 160 પાઉન્ડનો રહેશે અને 14 દિવસમાં ચૂકવણી કરી દેવાય તો 80 પાઉન્ડનો હશે.
• કેરલેસ ડ્રાઈવિંગ આજીવન કેદ અપાવી શકેઃ
બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગથી કોઈને ગંભીર ઈજા પહોંચાડાય કે મોત થાય તેવા કિસ્સામાં નવા અપરાધ હેઠળ ડ્રાઈવર્સને આજીવન કેદની સજા કરી શકાશે. પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ (PCSC) એક્ટ હેઠળ કાયદામાં સુધારાઓ થકી જોખમી ડ્રાઈવર્સ અથવા ડ્રિન્ક્સ કે ડ્રગ્સની અસર હેઠળ બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગથી કોઈને મોતને ઘાટ ઉતારનારાને જજીસ આજીવન કેદની સજા ફરમાવી શકશે. હાલ આ સજા 14 વર્ષ સુધીની છે. સરકારે જોખમી ડ્રાઈવિંગથી હત્યા કરનારા વાહનચાલકોને જેલની લાંબી સજા કરવાનો ઈરાદો સૌપ્રથમ 2017માં જાહેર કર્યો હતો.
• ઈદરિસ એલ્બા ચેનલ 4 ખરીદવા તત્પરઃ
એક્ટર, મ્યુઝિક પ્રોડ્યુસર, પોડકાસ્ટ હોસ્ટ અને DJ ઈદરિસ એલ્બા હવે બિઝનેસમેન બનવા તરફ આગળ વધી રહ્યા છે. ઈદરિસ એલ્બા ચેનલ 4 ખરીદવા અંદાજિત 1 બિલિયન પાઉન્ડની બોલી લગાવવા તૈયાર છે. સરકારી માલિકીના બ્રોડકાસ્ટરને ખરીદવાની બોલી લગાવવમાં એલ્બા મીડિયા એન્ટ્રેપ્રીન્યોર માર્ક બોયાન સાથે વાતચીત કરી રહ્યા છે. બોયાન ટેલિવિઝન પ્રોડક્શન અને માર્કેટિંગ કંપની મિરોમા ચલાવે છે તેમજ પૂર્વ ફૂટબોલર ગેરી નેવિલની સહમાલિકીની પ્રોડક્શન કંપની Buzz 16માં હિસ્સો ધરાવે છે. કલ્ચર સેક્રેટરી નાડિન ડોરિસે એપ્રિલ મહિનામાં ચેનલ 4 વેચવાની જાહેરાત કર્યા પછી સરકારે નિયુક્ત કરેલા બેન્કર્સ JP Morgan દ્વારા સંભવિત ખરીદારોનો સંપર્ક કરાઈ રહ્યો છે અને 2 બિલિયન પાઉન્ડ જેટલી ઊંચી કિંમત મેળવવાની આશા રાખે છે.
• પેશન્ટ્સને સર્જરી માટે અન્યત્ર મોકલવાની યોજનાઃ
ઈંગ્લેન્ડમાં બે વર્ષ કરતાં વધુ સમયથી સર્જરી માટે રાહ જોઈ રહેલા NHSપેશન્ટ્સને સર્જરી માટે દેશમાં અન્ય સ્થળે હોસ્પિટલ સારવાર માટે મોકલવાની ઓફર કરાઈ રહી છે. લાંબા સમયના વેઈટિંગ લિસ્ટમાં રહેલા 6,000થી વધુ પેશન્ટ્સને પ્રવાસ અને રહેઠાણના ખર્ચ સાથે અન્ય યોગ્ય સ્થળે મોકલાઈ રહ્યા છે જેનાથી NHSને તેનો બેકલોગ ઘટાડવામાં મદદ મળશે. હેલ્થ અધિકારીઓ જુલાઈના અંત સુધીમાં બે વર્ષથી વધુ વેઈટિંગમાં રહેનારા કોઈ પેશન્ટ્સ નહિ રહે તેમ કરવા માગે છે. 400થી વધુ પેશન્ટે તેઓ પ્રવાસ કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. ડર્બીમાં સર્જરીની રાહ જોતા ત્રણ દર્દીએ નોર્થમ્બ્રીઆ હેલ્થક્ષેત્રમાં સારવાર મેળવી છે. ઈંગ્લેન્ડમાં ઓપરેશન માટે બે વર્ષ કરતાં વધુ સમયથી રાહ જોઈ રહેલા પેશન્ટ્સની સંખ્યા જાન્યુઆરીમાં 22,500 હતી જેમાં હવે 15000નો ઘટાડો થયો છે.
• મેલીવિદ્યાના હજારો અપરાધીને મરણોત્તર માફીઃ
સ્કોટિશ પાર્લામેન્ટમાં SNPના સાંસદ નાટાલી ડોને મૂક્લો પ્રસ્તાવ મંજૂર કરી લેવાશે તો 1736 સુધી અમલમાં રહેલા કાયદા હેઠળ મેલીવિદ્યા કે જાદુટોણા માટે સજા કરાયેલા આશરે 4000 લોકોને મરણોત્તર માફી બક્ષવામાં આવશે જેમાં આશરે 85 ટકા મહિલા છે. રેનફ્ર્યુશાયર નોર્થ અને વેસ્ટના સાંસદ નાટાલીએ વિચક્રાફ્ટના અપરાધીઓને સજા કરવાના ઐતિહાસિક દુષ્કૃત્યને બદલવા અને આશરે 300 વર્ષ પહેલા સજા કરાયેલાને કાનૂની માફી બક્ષવાના હેતુસર મૂકેલા મેમ્બર્સ બિલ પર કન્સલ્ટેશન લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને માર્ચ મહિનામાં ઈન્ટરનેશનલ વિમેન્સ ડેએ વિચક્રાફ્ટ એક્ટ 1563 હેઠળ સજા, દુર્વ્યવહાર અથવા મારી નખાયેલા લોકોની માફી માગી હતી. કેમ્પેઈનર્સ વર્ષોથી આ લોકો માટે કાનૂની માફી માફે લડત ચલાવી રહ્યા છે.
• સરકારે લાખો બૂક્સ વિદેશમાં છપાવીઃ
ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે પ્રાઈમરી સ્કૂલ્સના બાળકોને મફતમાં વહેંચવાની બૂક્સ સરકારે 12 મિલિયન પાઉન્ડના ખર્ચે વિદેશમાં છપાવી હતી કારણકે 4.5 મિલિયન નકલો એકલા હાથે છાપી શકે તેવો કોઈ પબ્લિશર યુકેમાં મળી શક્યો ન હતો. મોટા ભાગની બૂક્સ ઈટાલીમાં છપાવાઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને યુકેમાં પ્રાઈમરી સ્કૂલના દરેક બાળકને અનોખી ભેટ આપવા નક્કી કર્યું હતું. તેનો કોન્ટ્રાક્ટ બ્રિટિશ પબ્લિશર DKને અપાયો હતો તેના ચાર સબ કોન્ટ્રાક્ટર પ્રિન્ટર્સમાંથી ત્રણ ઈટાલીમાં હતા અને ચોથો પ્રિન્ટર સ્કોટલેન્ડના ગ્લાસગોનો હતો. Dkના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમગ્ર ઓર્ડર પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવતા બ્રિટિશ પ્રિન્ટર મેળવવાનું શક્ય બન્યું ન હતું. બ્રિટનમાં 20,807 પ્રાઈમરી સ્કૂલ્સ છે જેમાં, લગભગ 5 મિલિયન બાળકો અભ્યાસ કરે છે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં આ પુસ્તકની નકલો મેળવવા શાળાઓએ જણાવવું પડશે અને તે મુજબ સપ્ટેમ્બરમાં પુસ્તકો મોકલી અપાશે.

