સંક્ષિપ્ત સમાચાર (યુકે) -- ૧

Tuesday 13th October 2020 13:03 EDT
 

• હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેની મુશ્કેલી

 વેસ્ટ લંડનમાં આવેલા હીથ્રો એરપોર્ટનો ત્રીજો રનવે ૨૦૩૦ સુધીમાં પણ નહિ બાંધી શકાય તેવી રજૂઆત એરપોર્ટના વકીલોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે. બે દિવસની વર્ચ્યુઅલ સુનાવણી પૂર્ણ થઈ છે અને જાન્યુઆરીમાં ચુકાદાની શક્યતા છે. દૈનિક ૭૦૦ ફ્લાઈટ્સની સુવિધા વધારનારો ત્રીજો રનવે ૨૦૨૬ સુધી પૂર્ણ થવાની ધારણા હતી પરંતુ, કોર્ટ ઓફ અપીલે પર્યાવરણના મુદ્દાઓ પર એરપોર્ટની વિસ્તરણ યોજનાઓને ગેરકાયદે ઠરાવતા મુશ્કેલી સર્જી છે. બ્રિટનની બીજા ક્રમની સર્વોચ્ચ કોર્ટે ફેબ્રુઆરીમાં  જણાવ્યું હતું કે હીથ્રોએ ૨૦૧૬ના પેરિસ એગ્રીમેન્ટને ધ્યાનમાં લીધું નથી. હીથ્રોના વકીલ લોર્ડ એન્ડરસને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ ઈસ્યુના સામના માટે બ્રિટનમાં કડક ડોમેસ્ટિક કાયદાઓ અમલમાં જ છે. પાર્લામેન્ટ જૂન ૨૦૧૮માં હીથ્રોના ત્રીજા રનવે માટે ૪૧૫ વિરુદ્ધ ૧૧૯ મતથી મંજૂરી આપી હતી.

• ફ્લુથી ત્રણ ગણા મોત કોરોના વાઈરસથી થયા

 આ વર્ષે ફ્લુ અને ન્યૂમોનિયાના કારણે થતાં મોતથી ત્રણ ગણા મોત કોરોના વાઈરસથી થયા હોવાનું નેશનલ ઓફિસ ફોર સ્ટેટેસ્ટિક્સના આંકડા જણાવે છે. જાન્યુઆરીથી ઓગસ્ટના ગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ મોતના ૧૨.૪ ટકા મોત કોવિડ-૧૯ના કારણે થયા છે જ્યારે, ન્યૂમોનિયાથી ૩.૫ ટકા અને ફ્લુથી ૦.૧ ટકા મોત થયા છે. આ ગાળામાં કોરોના વાઈરસના કારણે ૪૮,૧૬૮ મોત અને ઈન્ફ્લુએન્ઝાના કારણે માત્ર ૩૯૪ મોત થયા હતા. માત્ર ૨૦૨૦ નહિ, પાંચ વર્ષની સરેરાશ જોઈએ તો પણ કોવિડ-૧૯થી મોતનો દર વધી જાય છે.

• ફ્રી સ્કૂલ મીલ્સ લેતાં બાળકો વધ્યાં

 યુકેમાં શાળામાં મફત ભોજનની અરજી કરનારા બાળકોની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. ફૂડ પોવર્ટી કેન્પેઈનર્સ ફૂડ ફાઉન્ડેશનના અંદાજે ૧૦ લાખ બાળકોએ પ્રથમ વખત શાળાના મફત ભોજન માટે અરજી કરી છે. ફૂટબોલર માર્કસ રેશફોર્ડના ચાઈલ્ડ ફૂડ પોવર્ટી અભિયાનના ભાગરુપે જાહેર કરાયેલી માહિતી અનુસાર કોવિડ-૧૯ના કારણે પરિવારોની આવકોમાં ભારે ગાબડાં પડવાથી ઓછામાં ઓછાં ૯૦૦,૦૦૦ બાળકોએ શાળામાંથી મફત ભોજન મેળવવાં અરજી કરી છે. અત્યારે ૧.૪ મિલિયન બાળકો મફત ભોજનનો લાભ લઈ રહ્યાં છે તેમાં આ ઉમેરો થયો છે. કેમ્પેઈનર્સ જે પરિવારો યુનિવર્સલ ક્રેડિટ અથવા અન્ય બેનિફિટ્સ મેળવી રહ્યા હોય તેમના ૧૬ વર્ષ સુધીના તમામ બાળકોને મફત લંચને લાયક ગણવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.

• એલેગ્રા સ્ટ્રેટન નવા પ્રેસ સેક્રેટરી બનશે

 પૂર્વ ITV જર્નાલિસ્ટ ૩૯ વર્ષીય એલેગ્રા સ્ટ્રેટન વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નવા પ્રેસ સેક્રેટરી બની વ્હાઈટ હાઉસની સ્ટાઈલમાં ડાઉનિંગ સ્ટ્રીટના ટેલિવાઈઝ્ડ પ્રેસ બ્રીફિંગ આપી શકે છે. આ હોદ્દા માટે બીબીસી લંડનના રિઝ લતીફ અને સ્કાય ન્યૂઝના સોફી રિજના નામ પણ ચર્ચામાં આવ્યાં હતાં. જોકે, આ બાબતે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. એલેગ્રા સ્ટ્રેટને ચાન્સેલર રિશિ સુનાકના ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન તરીકે સેવા આપી છે. ડાઉનિંગ સ્ટ્રીટે વડા પ્રધાન વતી રોજિંદા પ્રશ્નોનો ઉત્તર આપી શકે તે માટે છેક જુલાઈથી યોગ્ય વ્યક્તિની શોધ આદરી હતી. શરુઆતમાં ૧૦૦,૦૦૦ પાઉન્ડની આસપાસના વેતનની શક્યતા છે. જોકે, સત્તાવાર વિજ્ઞાપનમાં જણાવાયું છે કે વેતન અનુભવને આધારિત રહેશે.

• અભિનેતા લોરેન્સ ફોક્સને ચેરિટીની ચેતવણી

 અભિનેતા લોરેન્સ ફોક્સ Reclaim નામથી રાજકીય પાર્ટી સ્થાપી રહ્યાના અહેવાલો વચ્ચે આ નામનો ઉપયોગ કરવા બાબતે Reclaim ચેરિટીએ તેને ચેતવણી આપી છે. Reclaim ચેરિટી વર્કિંગ ક્લાસના ગરીબ ટીનેજર્સ માટે કામ કરે છે. ફોક્સે જમાવ્યું છે કે તેને પાર્ટી સ્થાપવા અગ્રણી બ્રેક્ઝિટીઅર અને પૂર્વ ટોરી દાતા જેરેમી હોસ્કિંગ સહિત મિલિયન્સ પાઉન્ડનું ખાનગી ભંડોળ પ્રાપ્ત છે. તે નવી પાર્ટીનો ઉપયોગ વાણી સ્વાતંત્ર્ય માટે અને બ્રિટનમાં આકાર લઈ રહેલી ‘કલ્ચરલ વોર’ વિરુદ્ધ કરશે. જોકે, ૨૦૦૭માં સ્થપાયેલી માન્ચેસ્ટરની નાની ચેરિટીએ ફોક્સને તેના પ્રોજેક્ટ માટે પોતાના નામનો ઉપયોગ નહિ કરવા જણાવતો કાનૂની પત્ર લખ્યો છે. નવી રીક્લેઈમ પાર્ટી માટે ટ્વીટર એકાઉન્ટ ખોલી દેવાયું છે પરંતુ, ઈલેકટોરલ કમિશન દ્વારા નામને સત્તાવાર બહાલી અપાઈ નથી.

• માઈગ્રન્ટ બોટ્સને અટકાવવા નેટ્સનો ઉપયોગ

 નાની બોટ્સમાં ચેનલ ઓળંગી એસાઈલમ માટે બ્રિટન આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સની સમસ્યા વધી રહી છે ત્યારે હોમ ઓફિસે બોટ્સને આવતી અટકાવવા નેટ્સ એટલે કે જાળીઓનો ઉપયોગ કરવા વિચાર્યું છે. નેટ્સ પ્રોપેલર્સમાં વીંટળાઈ જવાથી બોટ્સના એન્જિન બંધ કરી શકે છે. આવી રીતે બંધ પડેલી બોટ્સમાંથી માઈગ્રન્ટ્સને બ્રિટિશ જહાજો પર લઈ લેવાય અને તેમને દૂરના ટાપુઓમાં રહેવા મોકલી દેવાની યોજના વિચારાઈ છે. આ વર્ષે ફ્રાન્સના કેલેથી ઈંગ્લિશ ચેનલ ઓળંગી બ્રિટન આવી પહોંચેલા ૭,૦૦૦થી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સની એસાઈલમ અરજીઓ એપ્રિલ અને જૂન મહિના વચ્ચે મળી છે.

• ચીન લંડનમાં ભવ્ય દુતાવાસ બાંધશે

  ચીને લંડનમાં ભવ્ય દૂતાવાસના નિર્માણની યોજના કરી હતી પરંતુ, સ્થાનિક મુસ્લિમોના ઉગ્ર વિરોધના કારણે હવે ગિલ્ટજી ઇસ્ટ વિસ્તારમાં દૂતાવાસ બનાવાશે. ચીનની સામ્યવાદી સરકારની ઇચ્છા ૧૯મી સદીનાં ચાઇના ટાઉનમાં પોતાના દૂતાવાસના નિર્માણની હતી. જોકે, ઉઇગુર મુસ્લિમો પર કરાતા અત્યાચારનાં વિરોધમાં જોરદાર ધરણા અને પ્રદર્શનો થવાથી ચીને હવે પોતાની યોજના બદલી છે. રોયલ મિન્ટની પાછળના વિસ્તાર ટાવર હેમલેટ્સ ખાતે મુસ્લિમોની ગીચ વસ્તી છે. બ્રિટનનાં કોઇ પણ વિસ્તારની તુલનામાં સૌથી વધુ મુસ્લિમો અહીં રહે છે. કેટલાક મુસ્લિમોનું કહેવું છે કે ચીનની સરકાર ઉઇગુર મુસ્લિમો વિરુદ્ધ અત્યાચારો બંધ નહિ  કરે ત્યાં સુધી અહીં દૂતાવાસનું નિર્માણ નહિ કરવા દઇએ.

• બ્રિટિશ કામસૂત્રનો ખજાનો મળ્યો

 ૨૦મી સદીના મહાન કળાકારોમાંના એક ડન્કન ગ્રાન્ટના દોરાયેલા ૪૦૦થી વધુ અભૂતપૂર્વ કામસૂત્ર ચિત્રોનો ખજાનો ફરી હાથ લાગ્યો છે. સમલૈંગિકતા ગેરકાનૂની હતી તેવા ૧૯૪૦-૧૯૫૦ના સમયગાળાના આ ચિત્રોમાં મુખ્યત્વે સમલૈંગિક સંબંધો દર્શાવાયા છે. એક સમયે નષ્ટ થયેલા મનાતા ચિત્રોનો આ ખજાનો થિયેટર ડિઝાઈનર નોર્મન કોટ્સ પાસેથી મળી આવ્યો છે. આશરે ૨ મિલિયન પાઉન્ડના મૂલ્યના આ ૪૨૨ ડ્રોઈંગ્સ બ્લૂમ્સબેરી ગ્રૂપના પૂર્વ સસેક્સ સ્થળ ચાર્લ્સસ્ટોનને દાનમાં આપ્યા છે અને તે ફરી ખૂલશે ત્યારે ઓછાં અશ્લીલ ચિત્રો બ્રિટિશ જનતાને જોવાં માટે મૂકવામાં આવશે. ગ્રાન્ટનું ૯૩ વર્ષની વયે ૧૯૭૮માં અવસાન થયું હતું.

• કાર માર્કેટ માટે હજુ સારા દિવસો નહિ

 કોવિડ-૧૯ના લોકડાઉન ગાળામાં ફેક્ટરીઓ બંધ હોવાના કારણે ઉત્પાદકો હવે ગતિ પકડવા સંઘર્ષ કરી રહ્યા છે. કાર સેલિંગ વેબસાઈટના ડાયરેક્ટર એલેક્સ બટલના જણાવ્યા અનુસાર ભારે આશાઓ છતાં, સપ્ટેમ્બર મહિનાના કાર વેચાણના આંકડા સ્પષ્ટ કરે છે કે આ વર્ષ નાજૂક બની રહેશે. સરકારની ફર્લો સ્કીમ આ મહિનાના અંતે બંધ થઈ રહી છે ત્યારે હજારો લોકો નોકરી ગુમાવે તેવી શક્યતા છે. આ સંજોગોમાં નવી કાર ખરીદવાનો કોઈ વિચાર પણ નહિ કરે. ઈયુ સાથે ટ્રેડ ડીલ નહિ થાય તો પણ કારની નિકાસને અસર થશે. જોકે, જૂન ૨૦૨૦માં શો રુમ્સ ખુલ્યા પછી વપરાયેલી કારની માગ થોડી વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter