• ૪૦ મિલિયન બાળાઓ શાળાએ જતી થશેઃ
G7 જૂથના દેશો કન્યા કેળવણી પર વધુ ભાર મૂકી આગામી પાંચ વર્ષમાં ઓછી અને મધ્યમ આવક સાથેના વિકાસશીલ દેશોમાં વધુ ૪૦ મિલિયન બાળાઓ શાળાએ જતી થાય તેમ કરવા માગે છે. આ જૂથના વિદેશ પ્રધાનોની બેઠકમાં વિકાસશીલ દેશેની મહિલાઓ માટે બે વર્ષના સહાયપેકેજ તરીકે ૧૫ બિલિયન ડોલર (૧૦.૮ બિલિયન પાઉન્ડ)ની પ્રતિબદ્ધતા જાહેર કરશે. તેઓ વધુ ૨૦ મિલિયન બાળાઓ ૧૦ વર્ષની વય સુધીમાં વાંચતી થઈ જાય તેવી મદદ માટે તૈયાર છે. દ્વારા જણાવાયું છે કે વિશ્વમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૩૯ ટકા છોકરીઓ સેકન્ડરી સ્કૂલ્સમાં ભણે છે, જે ગ્રામ્ય વિસ્તારોના છોકરાં (૪૫ ટકા), શહેરી છોકરીઓ (૫૯ ટકા) અને શહેરી છોકરાં (૬૦ ટકા) કરતાં ઓછું છે.
• રેસિઝમના ભયે અશ્વેત માતા યુકે છોડશેઃ
રંગીન ત્વચા હોવાના કારણે શાળામાં પુત્ર માટે રેસિઝમ આચરાશે અને તેને શ્રેષ્ઠતા દર્શાવવાની સમાન તક નહિ મળે તેવા ભયથી બર્મિંગહામની કેમ્પેઈનર માતા જસ્ટિસ વિલિયમ્સ MBE યુકે છોડી બાર્બાડોસ સ્થાયી થવાના છે. મહિલાઓ માટે બિઝનેસ કોચ, બ્રાન્ડ્સ એક્સપર્ટ અને એન્ટ્રેપ્રીન્યોર અશ્વેત માતાએ કહ્યું હતું કે તેના ૧૦ વર્ષના પુત્રને સેકન્ડરી શાળા અને કોમ્યુનિટીમાં મૂળિયાં નાખી બેઠેલા રંગભેદનો સામનો કરવો પડશે. અન્ય અશ્વેત પેરન્ટ, બિઝનેસમેન અને એક્ટિવિસ્ટ ટ્રુ પોવેલે પણ તેમના પ્રાઈમરી સ્કૂલના આઠ વર્ષના પુત્રને અન્ય બાળકો રંગભેદી અપશબ્દો બોલતાં હોવાની ફરિયાદ સોશિયલ મીડિયામાં કરી હતી. બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીના અશ્વેત પેરન્ટ્સ સપોર્ટ નેટવર્ક બનાવી રહ્યા છે. બે સપ્તાહમાં ૧૦૦ની સંખ્યાએ પહોંચેલું આ ગ્રૂપ બર્મિંગહામમાં અશ્વેત બાળકો માટે સેટરડે સ્કૂલ અને મેન્ટર સ્કીમ રચવાની યોજના ધરાવે છે.
• ગેરી લિનેકર અને HMRC આમનેસામનેઃ
HMRC અને સેલેબ્રિટિઝ વચ્ચે તેમના એમ્પ્લોયમેન્ટ દરજ્જા મુદ્દે યુદ્ધ ચાલતું આવે છે. ટેલિવિઝન પ્રેઝન્ટર અને ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર ૬૦ વર્ષીય ગેરી લિનેકર પાસે HMRC દ્વારા ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સ પેટે ૪.૯ મિલિયન પાઉન્ડની ઉઘરાણી કરવામાં આવી છે. ટેક્સ વિભાગનો દાવો છે કે બીબીસીના પ્રત્યક્ષ એમ્પ્લોઈ હોવાથી લિનેકર પાસેથી ઈન્કમ ટેક્સ પેટે ૩.૬૨ મિલિયન પાઉન્ડ અને નેશનલ ઈન્સ્યુરન્સના ૧.૩૧ મિલિયન પાઉન્ડ લેણાં નીકળે છે. લિનેકર બીબીસીના મેચ ઓફ ધ ડે હાઈલાઈટ્સ પ્રોગ્રામ (૨૦૧૩-૧૭) અને સ્પોર્ટ્સ ચેનલ બીટી સ્પોર્ટ્સ (૨૦૧૫-૧૮)મા યુએફા ચેમ્પિયન્સ લીગના કવરેજને પ્રેઝન્ટ કરે છે. લિનેકર તેની પૂર્વ પત્ની ડેનિયેલ બક્સ સાથે મળી સ્થાપેલી ગેરી લિનેકર મીડિયા મારફત કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. આ સાથે તેને અંશતઃ ડિવિડન્ડ મળે છે અને ટેક્સનો નીચો દર ચૂકવવો પડે છે.
• વંશીય જૂથોમાં વેક્સિનેશન સૌથી ઓછુઃ
યુકેની BAME કોમ્યુનિટીઓમાં કોવિડ વેક્સિનેશન પ્રમાણ વધારવા સરકારને અનુરોધ કરાયો છે. શ્વેત વયસ્કોની સરખામણીએ તમામ વંશીય જૂથોમાં વેક્સિન લેવાનું પ્રમાણ સૌથી તળિયે રહ્યું છે. બ્રિટિશ અશ્વેતો સૌથી નીચા ક્રમે છે અને તે પછી પાકિસ્તાની સમુદાય છે. ડિસેમ્બર ૨૦૨૦થી ૧૨ એપ્રિલ ૨૦૨૧ના ગાળામાં ૫૦ વર્ષથી વધુ વયજૂથમાં ૯૩.૭ બ્રિટિશ શ્વેત લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે જ્યારે બ્લેક કેરેબિયન્સ (૬૬.૮ ટકા), બ્લેક આફ્રિકન્સ (૭૧.૨ ટકા) અને પાકિસ્તાની સમુદાયે (૭૮.૪ ટકા) વેક્સિન લીધી છે. ધાર્મિક દૃષ્ટિએ પોતાને મુસ્લિમ ગણાવતા (૭૮.૮ ટકા) અને બૌદ્ધો (૮૩.૩ ટકા) એ વેક્સિન લીધી હોવાનું જણાવ્યા પછી ONS દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે ક્રિશ્ચિયન ગ્રૂપની સરખામણીએ પોતાને શીખ અને હિન્દુ તરીકે ઓળખાવતા લોકોમાં વેક્સિન લેવાની સંભાવના ઊંચી રહી છે. દરમિયાન, બ્રિટનની બહાર જન્મેલા લોકોમાં વેક્સિનેશન દર ૮૨.૫ ટકા તેમજ બ્રિટનમાં જન્મેલા લોકો માટે આ દર ૯૩.૩ ટકા રહ્યો હતો.
• મહામારીમાં એશિયન હેટ ક્રાઈમમાં વધારોઃ
હેટ ક્રાઈમ મુદ્દે ફૂટબોલર્સે સોસિયલ મીડિયાનો બહિષ્કાર કર્યો હતો ત્યારે સ્પુર્સ સ્ટાર સોન હેઉંગ-મિન પ્રત્યે અપશબ્દો-એબ્યુઝના કારણે રેસિઝમ સહન કરનારા એશિયન પશ્ચાદભૂ સાથેના લોકો તરફ ધ્યાન કેન્દ્રિત થયું છે. કોમ્યુનિટીના અગ્રણીઓના કહેવા મુજબ કોરોના વાઈરસ મહામારીના આરંભ પછી આવી ગેરવર્તણૂક વધી ગઈ છે. લંડનમાં પોલીસને એબ્યુઝની કરાતી ફરિયાદોમાં ત્રણ ગણો વધારો થયો છે. જોકે, ઘણી ફરિયાદો કરાતી જ ન હોવાનું પણ પોલીસ અને કેમ્પેઈનર્સ કહે છે. યુએસમાં કોંગ્રેસ દ્વારા એશિયનોને ચોક્કસ રક્ષમ આપતું હેટ ક્રાઈમ બિલને કાયદામાં ફેરવાયું છે.
• ડેબેનહામ્સનું હાઈ સ્ટ્રીટ્સને બાય બાયઃ
હાઈ સ્ટ્રીટ જાયન્ટ અને લોકપ્રિય ડિપાર્ટમેન્ટ સ્ટોર ડેબેનહામ્સના કાર્યરત ૪૯ સ્ટોર્સ બંધ ૧૨ મેએ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ડેબેનહામ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડેબેનહામ્સના ૨૪૨ વર્ષના ઈતિહાસમાં આગામી ૧૦ દિવસમાં હાઈ સ્ટ્રીટ્સમાં તેના દ્વાર સંપૂર્ણ બંધ કરી દેવાશે. આના ત્રણ દિવસ પછી બર્મિંમગહામના શોપિંગ સેન્ટર ધ બર્લિંગમાં મુખ્ય શાખા સહિતના બાકીના તમામ સ્ટોર્સ બંધ કરાશે. ગત ૧૨ મહિનામાં કોરોના મહામારીના કડક નિયંત્રણોના કારણે ડેબેનહામ્સ ઉપરાંત, જહોન લેવિસ તેમજ ક્લોધિંગ સ્ટોર્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, મોટા ચેઈન રેસ્ટોરાં અને બાર ચેઈન્સને પણ બંધ થવાની ફરજ પડી છે.