• ડોમેસ્ટિક એબ્યુઝ કેસીસ પડતા મૂકવામાં ઉછાળોઃ
પોલીસ દ્વારા ડોમેસ્ટિક એબ્યુઝ કેસીસ પડતા મૂકવામાં આંચકાજનક ઉછાળો જોવા મળ્યો છે. પ્રોસીક્યુશન માટે છ મહિનાની સમયમર્યાદાનું પાલન કરવામાં પોલીસની નિષ્ફળતા ચાર વર્ષમાં બમણાથી વધુ થઈ છે. વર્તમાન કાયદા મુજબ ડોમેસ્ટિક એબ્યુઝ સહિત સામાન્ય હુમલાના કેસીસમાં કથિત ઘટના બન્યાના છ મહિનામાં આરોપ મૂકવાની સમયમર્યાદા છે. જોકે, આવા કેસીસની જટિલતા અને હુમલાનો શિકાર બનેલી મહિલાઓ હુમલાખોર સામે રિપોર્ટ કરવો કે નહિ તેની મૂંઝવણમાં રહેતી હોવાથી આ સમયમર્યાદા ગેરવાજબી હોવાનું કેમ્પેઈનર્સનું કહેવું છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આરોપ લગાવવાની સમયમર્યાદા ચૂકી જવાયેલા કેસની સંખ્યા ૧૪૫૧થી વધી ૨૦૨૦-૨૧માં ૩,૭૬૩ થઈ હતી. આ રીતે જ ૨૦૧૬-૧૭માં ડોમેસ્ટિક એબ્યુઝના સામાન્ય હુમલાની સંખ્યા આશરે ૧૦૦,૦૦૦ હતી જે વધીને ૨૦૨૦-૨૧માં ૧૭૦,૦૦૦થી પણ વધુ થઈ હતી. બીબીસીને ઈંગ્લેન્ડ અને વેલ્સના ૪૩ પોલીસ ફોર્સીસમાંથી ૩૦ પાસેથી પ્રાપ્ત ડેટા મુજબ ગત પાંચ વર્ષમાં ૬ મહિનાની સમયમર્યાદા ચૂકાઈ જવાથી ૧૨,૯૮૨ કેસનો અંત આવી ગયો હતો.
• લાખો લોકો ડાયાબિટીસ પરીક્ષણો ચૂક્યાઃ
BMJ ક્વોલિટી એન્ડ સેફ્ટી જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ મહામારી દરમિયાન ૭.૪ મિલિયન ઓછાં લોકોએ ડાયાબિટીસ પરીક્ષણો કરાવ્યા હતા જેના પરિણામે, પેશન્ટ્સમાં હાર્ટ એટેક્સ અને અન્ય ગંભીર સમસ્યાનું જોખમ વધી ગયું હતું. ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવતા ૬૧૮,૧૬૧ ઈંગ્લિશ લોકોના હેલ્થ રેકોર્ડ્સનું વિશ્લેષણ કરતા સંશોધકોને જણાયું હતું કે ગત વર્ષે મે અને ડિસેમ્બર મહિનાઓ વચ્ચે ડાયાબિટીસ પરીક્ષણોનો દર ૨૮ ટકા ઘટીને ૪૭ ટકા થઈ ગયો હતો. માર્ચ અને ડિસેમ્બર વચ્ચે નવી દવાઓ પ્રીસ્ક્રાઈબ કરાયેલા પેશન્ટ્સની સંખ્યા અપેક્ષા કરતાં ૩૧,૮૦૦ ઓછી હતી. યુકેમાં આશરે ૪.૯ મિલિયન લોકોને ડાયાબિટીસ છે તેમાંથી ટાઈપ-ટુ ડાયાબિટીસ સાથેના ૯૦ ટકા લોકોએ દર વર્ષે પરીક્ષણો કરાવવા જરૂરી હોય છે તેમ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થકેર એન્ડ એક્સેલન્સ જણાવે છે.
• લંડનમાં હોમોફોબિક હેટ ક્રાઈમમાં ઉછાળોઃ
લંડનમાં ગત ૧૦ વર્ષમાં હોમોફોબિક હેટ ક્રાઈમમાં સૌથી ખરાબ ઉછાળો આ વર્ષે જોવા મળ્યો છે. મેટ્રોપોલીટન પોલીસ દ્વારા જૂન મહિનામાં જ લગભગ ૪૦૦ કેસ નોંધવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૧૧ પછી એન્ટિ LGBTQ+ હેટ ક્રાઈમ્સ માટે સૌથી ખરાબ મહિનો બની રહ્યો હતો. જૂન મહિનામાં ટ્રાન્સ પીપલને નિશાન બનાવતા ૫૨ (બાવન) હેટ ક્રાઈમ નોંધાયા હતા. જુલાઈ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનાના ગાળામાં પણ ૧૧૯ હુમલા નોંધાયા હતા. લેબર એસેમ્બલી મેમ્બર ઉન્મેષ દેસાઈએ આ બાબતે શુ કાર્યવાહી થઈ રહી છે તેવો પ્રશ્ન લંડનના મેયરને કર્યો હતો. GLA City and East મતક્ષેત્રના પ્રતિનિધિ દેસાઈએ કહ્યું હતું કે ટાવર હેમલેટ્સ સેમેટ્રી પાર્ક રણજિત કનકનામાલાગેની કરપીણ હત્યાથી તેમનું મતક્ષેત્ર હચમચી ગયું છે.
• ગન્સ અને હાથબનાવટની બૂલેટ્સનું ઓનલાઈન વેચાણઃ
સોશિયલ મીડિયા પર ગેરકાયદે ગન્સ અને હાથબનાવટની બૂલેટ્સનું વેચાણ કરવાની જાહેરાત કરનારા બ્રેડફોર્ડના ૩૨ વર્ષીય ખુરમ યાકુબને બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે સાત વર્ષની જેલની સજા ફરમાવી છે. વેસ્ટ યોર્કશાયર પોલીસે યાકુબના સરનામે દરોડો પાડતા બૂલેટ્સની બનાવટ માટેની બ્લેન્ક ફાયરિંગ એમ્યુનિશન, બોલ બેરિંગ્સ અને દારુગોળા સહિતની સામગ્રી મળી હતી. આ ઉપરાંત, છુપાવેલી બે પિસ્તોલ, શોટગન કાર્ટિજ પણ મળી હતી. યાકુબે ૧૪ ઓક્ટોબરે ધ ફાયર આર્મ્સ એક્ટ ૧૯૬૮ હેઠળ ગુનાઓ કબૂલ કર્યા હતા.
• કેમ્બ્રિજ દ્વારા યુએઈના £૪૦૦ મિલિ. દાનની મંત્રણા મુલતવીઃ
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ યુએઈના ૪૦૦ મિલિયન પાઉન્ડના જંગી દાનની મંત્રણા તેના દ્વારા વિવાદિત પેગાસસ હેકિંગ સ્પાયવેરના ઉપયોગના મુદ્દે મુલતવી રાખી છે. કેમ્બ્રિજે જુલાઈમાં આ ડોનેશનને આપણી પૃથ્વી સમક્ષના કેટલાક મહાન પડકારોનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટીના ઈતિહાસમાં આ સૌથી મોટું દાન બની રહેવાનું હતું જેમાં યુએઈ દ્વારા એક દાયકામાં૩૧૦ મિલિયન પાઉન્ડથી વધુના ડાયરેક્ટ ડોનેશનનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાર્ટનર્સ અને યુનિવર્સિટી કોમ્યુનિટી સાથે લાંબા સમયના વિકલ્પોનું મૂલ્યાંકન કરતાં પહેલા આગામી થોડા મહિના સુધી ગંભીર વિચારણાઓ કરાશે.
• ક્રિસમસ અગાઉ બે નાઈટ ટ્યૂબ લાઈન્સ ખોલવા વિચારઃ
લંડનના મેયર સાદિક ખાન ક્રિસમસ અગાઉ બે નાઈટ ટ્યૂબ લાઈન્સ ખોલવા વિચારી રહ્યા હોવાનું સિટીઝ ઓફ લંડન એન્ડ વેસ્ટમિન્સ્ટરના સાંસદ નિકી એઈકિને જણાવ્યું છે. સાંસદ એઈકિને આ બાબતે પત્ર લખી મેયર ખાનને રજૂઆત કરી હતી. મહિલાઓ અને ઓછી આવક ધરાવતા વર્કર્સના રક્ષણ તેમજ વધારાનો બિઝનેસ વેસ્ટ એન્ડ તરફ લઈ જવાના ભાગરુપે ઉત્સવના સમયગાળા અગાઉ ૨૪ કલાકની વીકએન્ડ સર્વિસ ફરી ચાલુ કરવા ખાન પર દબાણ વધી રહ્યું છે. મેયર ખાન આ શિયાળામાં સેન્ટ્રલ અને વિક્ટોરિયા નાઈટ ટ્યૂબ લાઈન્સ ફરી ચલાવવા બાબતે મંત્રણા કરી રહ્યા હોવાનું કહેવાય છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા મહામારી દરમિયાન વિક્ટોરિયા જ્યુબિલી તેમજ મોટા ભાગની સેન્ટ્રલ, નોર્ધર્ન અને પિકાડેલી લાઈન્સ પર સામાન્યપણે શુક્રવાર અને શનિવારે દોડાવાતી આ સેવા બંધ કરી હતી. ખાને અગાઉ આ સેવા ૨૦૨૨માં શરૂ કરાશે તેમ જણાવ્યું હતું.
• પ્રિન્સ એન્ડ્રયુ સામે પોલીસકેસ પડતો મૂકાયોઃ
મેટ્રોપોલીટન પોલીસે પ્રિન્સ એન્ડ્રયુ અને જેફ્રી એપ્સ્ટેઈન દ્વારા સેક્સ એબ્યુઝના આક્ષેપોમાં તપાસ પડતી મૂકી છે. પોલીસે જણાવ્યું હતું કે એન્ડ્રયુ અને એપ્સ્ટેઈને જાતિય દુરુપયોગ કર્યો હોવાના મહિલાઓના આક્ષેપોમાં બે રિવ્યૂ હાથ ધરાયા હતા પરંતુ, હવે આગળ કાર્યવાહી કરાશે નહિ. મેટ પોલીસનું કહેવું છે કે ડ્યૂક વિરુદ્ધ સેક્સ એબ્યુઝના દાવાઓની ત્રણ વખત સમીક્ષા કર્યા પછી તેઓ હવે વધુ એક્શન લઈ રહ્યા નથી. આગળ કાર્યવાહી માટે દાવાઓના પૂરતા પૂરાવા નથી. ડ્યૂક ઓફ યોર્ક એમેરિકાની કોર્ટમાં એપ્સ્ટેઈનની પીડિતા વર્જિનિયા રોબર્ટ્સ દ્વારા કરાયેલી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. વર્જિનિયા રોબર્ટ્સે દાવો કર્યો છે કે તે જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે એન્ડ્રયુ સાથે ત્રણ વખત સેક્સ કરવાની ફરજ પડાઈ હતી. પ્રિન્સ પોતાને નિર્દોષ ગણાવી આક્ષેપોને સતત નકારી રહ્યા છે.
• મેટ હેનકોકને યુએનમાં વિશેષ પ્રતિનિધિ બનાવાયાઃ
પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને યુનાઈટેડ નેશન્સમાં સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ તરીકે મહત્ત્વની ભૂમિકા સોંપાઈ છે. યુએન અંડર સેક્રેટરી જનરલ વેરા સોંગવેએ યુકેની મહામારી રિસ્પોન્સની સફળ કામગીરીમાં હેનકોકની ભૂમિકાને વખાણી હતી. હેનકોકની કામગીરી અવેતન રહેશે અને તેઓ કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ચાલુ રહેશે. પૂર્વ સેક્રેટરી હેનકોકે જણાવ્યું છે કે તેમની ભૂમિકા આફ્રિકાના અર્થતંત્રને કોવિડની અસરમાંથી બહાર લાવવામાં મદદની રહેશે. મેટ હેનકોકે પોતાની સહયોગી અને પ્રેમિકાને ચુંબન કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનો ભંગ કરવા બદલ કેબિનેટ પોસ્ટ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મહામારીના પ્રારંભિક તબક્કામાં કોવિડને ફેલાતો અટકાવવામાં સરકાર અને તેના વૈજ્ઞાનિકો નિષ્ફળ રહ્યાના દાવા સાથેનો સાંસદોનો રિપોર્ટ જાહેર કરાયાના દિવસે જ હેનકોકની નવી ભૂમિકાની જાહેરાત કરાઈ હતી.