યુકેમાં સૌથી મોટી રેલવે હડતાળની ધમકીઃ

Wednesday 04th May 2022 08:18 EDT
 

નોકરી અને વેતન સંબંધિત વિવાદ ન ઉકેલાય તો 40,000થી વધુ રેલવે વર્કર્સ હડતાળ માટે મતદાન હાથ ધરશે. યુકેના આધુનિક ઈતિહાસમાં આ સૌથી મોટી રેલવે હડતાળ બની રહેશે. નેશનલ યુનિયન ઓફ રેલ, મેરીટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (RMT) દ્વારા જણાવાયું હતું કે નેટવર્ક રેઈલ દ્વારા 2 બિલિયન પાઉન્ડ ખર્ચ ઘટાડવાના ભાગરૂપે ઓછામાં ઓછી 2,500 મેન્ટેનન્સ નોકરીઓમાં કાપ મૂકવાની યોજના સામે સ્ટ્રાઈક એક્શન બાબતે મત આપવા સ્ટાફને જણાવાશે. આ ઉપરાંત, ટ્રેઈન ઓપરેટર્સના વર્કર્સ પણ સ્થગિત કરાયેલા વેતન તેમજ કામકાજની શરતોમાં ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. હડતાળ માટે મતદાન 26 એપ્રિલથી શરૂ થઈ 24 મે સુધીનું રહેશે જેથી જૂન મહિનામાં સ્ટ્રાઈક શરૂ કરી શકાય. કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયને (CWU) પણ જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસ વર્કર્સ પગારવધારાના મુદ્દે 3 મેએ એક દિવસની હડતાળ પાડશે.

• G7 દ્વારા યુક્રેનને વધુ $24 બિલિયનની સહાયઃ

G7 દેશોના નાણા પ્રધાનોએ યુક્રેનને વર્ષ 2022 અને તેથી આગળ પણ વધુ 24 બિલિયન ડોલરની સહાય આપવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને યુક્રેન માટે વધુ કરવાની તૈયારી હોવાનું પણ નાણાપ્રધાનોએ જણાવ્યું છે. નાણા પ્રધાનોએ એક નિવેદનમાં G20, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેન્ક સહિત આંતરરાષ્ટ્રીય ફોરમોમાં રશિયાની હાજરીને વખોડી કાઢી છે. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને બહુપક્ષીય ફોરમોએ અગાઉની માફક રશિયાની સાથે પોતાની પ્રવૃત્તિઓ ચલાવવી જોઈએ નહિ.

• G20 બેઠકમાંથી યુકે, યુએસ અને કેનેડાનો વોકઆઉટઃ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની બેઠકો દરમિયાન, એક સત્રમાં રશિયન ડેલિગેટ્સના સંબોધન સમયે યુકે, યુએસ અને કેનેડાના પ્રતિનિધિઓએ યુક્રેન પર રશિયન આક્રમણના વિરોધમાં વોકઆઉટ કર્યો હતો.ચાન્સેલર રિશિ સુનાકે આ બેઠકમાંથી યુકેના પ્રતિનિધિઓએ વોકઆઉટ કર્યાનું ટ્વિટ કર્યું હતું. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રયુ બેઈલી, યુકે ટ્રેઝરીના વરિષ્ઠ અધિકારીઓ તેમજ યુએસના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને કેનેડાના રાજદ્વારીઓ બેઠકના બહિષ્કારમાં જોડાયા હતા. યુક્રેન મુદ્દે વિશ્વના દેશોમાં વિભાજન છે ત્યારે આ ત્રણ દેશોએ સંપ દર્શાવ્યો હતો. અગાઉ, યુએસ, યુકે, ફ્રાન્સ અને જર્મની સહિત સહિતના અગ્ર અર્થતંત્રો તેમજ ચીન, બ્રાઝિલ અને ભારત સહિત શક્તિશાળી વિકાસશીલ દેશોના બનેલા G20 ગ્રૂપમાં રશિયાના સભ્યપદનો પશ્ચિમી દેશો દ્વારા વિરોધ કરાયો હતો.

• થેરેસા મેએ રવાન્ડા પ્લાનનો વિરોધ કર્યોઃ

પૂર્વ વડા પ્રધાન થેરેસા મેએ રવાન્ડા એસાઈલમ પ્લાનની વ્યવહારુતા અને કાયદેસરતા મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે. યોજનાના કાનૂની દાયરાના પ્રશ્ન મુદ્દે તેમણે કહ્યું હતું કે કાયદેસરતા, વ્યવહારુતા અને અસરકારકતાના મુદ્દે તેઓ આ પ્લાનને સમર્થન આપતાં નથી. રવાન્ડા પ્લાન પાછળ થનારા વાસ્તવિક ખર્ચને જાહેર કરવા સાંસદોએ માગણી ઉઠાવી છે ત્યારે પૂર્વ વડા પ્રધાને ચેતવણી આપી હતી કે આફ્રિકન દેશમાં ગેરકાયદે આવનારા લોકોને પણ બ્રિટન લાવવાની આ યોજનાથી મહિલાઓ અને બાળકોનાં ટ્રાફિકિંગમાં ભારે વધારો થશે. યુકે સરકારે રવાન્ડા સરકારને શરૂમાં 120 મિલિયન પાઉન્ડ આપવાનું જાહેર કર્યું છે પરંતુ, હાઉસિંગ, ફૂડ અને ટ્રાવેલિંગના ખર્ચાની ચૂકવણી પણ કરવાની થશે.

• વડા પ્રધાનનું સ્થાન ‘વોર કેબિનેટ’ લઈ શકેઃ

સીનિયર ટોરી સાંસદ સર રોજર ગેલે વડા પ્રધાન જ્હોન્સન પદત્યાગ કરે અથવા તેમને હોદ્દા પરથી દૂર કરાય તેવા સંજોગોમાં ‘વોર કેબિનેટ’ ની રચના કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે યુક્રેન કટોકટી તરફથી ધ્યાન ફંટાય નહિ તે માટે નેતાગીરીની સ્પર્ધા ટાળવા કામચલાઉ વહીવટીતંત્રની નેતાગીરી ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર સંભાળી શકે. અગાઉ, જ્હોન્સન કોવિડ-19ના લીધે હોસ્પિટલમાં હતા ત્યારે 2020માં ડોમિનિક રાબે ટુંક સમય માટે કામગીરી સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ સાંસદ સર ગેલે અગાઉ વડા પ્રધાનમાં વિશ્વાસ નહિ હોવાનું દર્શાવતો પત્ર રજૂ કર્યો હતો પરંતુ, હવે તેઓ માને છે કે નેતાગીરીની ચૂંટણી માટે આ સમય યોગ્ય નથી. દરમિયાન, 2000 લોકોના એક સર્વેમાં વડા પ્રધાન વિશે થોડા શબ્દોમાં મત દર્શાવવા જણાવાયું ત્યારે 72 ટકાએ ‘નેગેટિવ’ કોમેન્ટ આપી હતી જેમાં, મોટા ભાગનાએ ‘લાયર’ શબ્દપ્રયોગ કર્યો હતો.

• રવાન્ડા મુદ્દે પ્રીતિ પટેલને ચેતવણી મળી હતીઃ

એસાઈલમ સીકર્સ માટે રવાન્ડા પ્લાનની જાહેરાત કરાઈ તે પહેલા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના વરિષ્ઠ અધિકારી મેથ્યુ રાયક્રોફ્ટે તેમને ચેતવ્યાં હતાં. હોમ ઓફિસના અધિકારીએ હોમ સેક્રેટરીને ઈંગ્લિશ ચેનલમાંથી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની અવરોધક અસર અને નાણાખર્ચ બાબતે અનિશ્ચિતતા બાબતે જણાવ્યું હતું. પોલિસી જાહેર કરાયાના એક દિવસ અગાઉ જ રાયક્રોફ્ટે હોમ સેક્રેટરીને પત્ર પાઠવ્યો હતો. તેમણે લખ્યું હતું કે આ પોલિસી માઈગ્રન્ટ્સને પ્રવાસ કરતા રોકી શકે પરંતુ, હાલ તેવા કોઈ પૂરતા પુરાવા નથી. પોતાની દલીલ રજૂ કર્યા પછી તેમણે આગળ વધવા હોમ સેક્રેટરીની લેખિત સૂચનાની માગણી કરી હતી. હોમ સેક્રેટરીએ ઉત્તરમાં જણાવ્યું હતું કે પહેલા દિવસથી જ આ મોડેલની અવરોધક અસર વિશે ચોક્કસ જણાવી શકાય નહિ.

• પ્રીવેન્ટ સ્કીમમાં ફેરફારના નિર્દેશઃ

પીઢ સાંસદ સર ડેવિડ એમીસના હત્યા કરનારા ઘરઆંગણાના ટેરરિસ્ટ અલી હરબી અલીને મોત સુધી જેલમાં રહેવાની સજા કરાયા પછી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પ્રીવેન્ટ પ્રોગ્રામમાં ફેરબદલના સંકેત આપ્યા છે. પાર્લામેન્ટમાં 2014 અને 2015માં સીરિયા પર બોમ્બમારા માટે મત આપનારા રાજકારણી સામે વેર લેવા હત્યા કરી હોવાનું અલીએ જણાવ્યું હતું. અલીએ પોતાની ટ્રાયલમાં આ હત્યા બદલ કોઈ પસ્તાવો નહિ હોવાનું પણ જણાવ્યું હતું. હુમલો કરનારા ટેરરિસ્ટ્સને અગાઉ ડિરેડિકલાઈઝેશન સ્ટ્રેટેજી હેઠળ રીફર કરાયા હોવાનું બહાર આવતા સરકારની ત્રાસવાદવિરોધી પોલિસી અંગે ભારે ચિંતા પ્રસરી છે. આ સમયે સાંસદના ગાઢ મિત્ર રહેલાં હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કેટલીક બાબતોમાં બદલાવની જરૂર છે. લોમ વુલ્ફ અલીએ પ્રીવેન્ટ પ્રોગ્રામ હેઠળ મૂકાયા હતો પરંતુ, તેણે ભારે ગુપ્તતા સાથે હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું.

• બોયફ્રેન્ડે બદલો લેતા પ્રેમિકાની કૂદીને આત્મહત્યાઃ

બોયફ્રેન્ડે રીવેન્જ પોર્ન જાહેર કર્યા પછીના સપ્તાહે 24 વર્ષીય પ્રેમિકા ડામલિયા જુસ્સીપાલિયેવાએ લંડન એપાર્ટમેન્ટની 80 ફૂટની ઊંચાઈએથી કૂદીને આત્મહત્યા કરી હતી. જોકે, ઈન્ક્વેસ્ટમાં બહાર આવ્યું હતું કે આત્મહત્યામાં પૂર્વ બોયફ્રેન્ડ એલેસિયો બિઆન્ચીની કોઈ સક્રિય ભૂમિકા ન હતી. બોયફ્રેન્ડ બિઆન્ચીએ તેની સાથેની સેક્સ ક્લિપ એક મિત્રને મોકલ્યા પછી પ્રેમિકાએ આત્મહત્યા કરી હતી. ડામલિયા ચડાવઉતાર સાથેના સંબંધોમાં તણાવ, ડિપ્રેશન અને ચિંતાતુરતાથી પીડાતી રહી હતી. ઈનર વેસ્ટ લંડન કોરોનર્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ડામલિયાએ મરી જવાનો પાકો ઈરાદો બનાવી લીધો હતો અને જાણીજોઈને ઊંચાઈએથી કૂદી પડી હતી. બિઆન્ચીએ તેના આત્મઘાતી વિચારોની જાણકારી પોલીસને આપી હતી પરંતુ, પોલીસ ખોટા સરનામે પહોંચી હતી. બિઆન્ચીએ કહ્યું હતું કે ડામલિયા ખોટી અફવાઓ ફેલાવી રહી હોવાથી તેણે રીવેન્જ પોર્ન જાહેર કર્યું હતું.

• ટોરી સાંસદ ડેવિડ વોરબર્ટન પાર્ટીમાંથી સસ્પેન્ડઃ

પૂર્વ સહાયક સહિત ત્રણ મહિલા દ્વારા સેક્સ્યુઅલ આક્ષેપોના પગલે સોમરટોન એન્ડ ફ્રોમના ટોરી સાંસદ ડેવિડ વોરબર્ટનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક મહિલાએ દાવો કર્યો હતો કે સાંસદ કોકેઈન સુંઘતા હતા કારણકે તેમને જાતીય ઉશ્કેરાટ મળતો હતો. ટોરી સાંસદ વોરબર્ટન સામે પાર્લામેન્ટ વોચડોગને સેક્સ્યુઅલ ગેરવર્તન અને ડ્રગ્સના ઉપયોગની ફરિયાદો મળી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીએ ઈન્ડિપેન્ડન્ટ કમ્પ્લેઈન્ટ્સ એન્ડ ગ્રીવન્સ સ્કીમ દ્વારા તપાસ થાય ત્યાં સુધી સાંસદ ડેવિડ વોરબર્ટનને સસ્પેન્ડ કર્યા હતા. તેમણે કશું ખોટું કર્યું હોવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter