પૂર્વ લેબર સાંસદ માઈક હિલે વારંવાર કનડગત અને હુમલા કર્યા હતા તે મહિલાને આશરે 435,000 પાઉન્ડનું જંગી વળતર ચૂકવવું પડશે. હિલ વિરુદ્ધ ટ્રિબ્યુનલના કેસથી સાંસદો દ્વારા જાતિય અપરાધોનો શિકાર બનેલા અન્ય પીડિતો થકી કોર્ટ કેસીસ વધી શકે છે. સેન્ટ્રલ લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે 18 મે, બુધવારે હર્ટલપૂલના પૂર્વ લેબર સાંસદને મહિલા A ને 434,435 પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો. સાંસદે તેમની પાર્લામેન્ટરી ઓફિસમાં મહિલા પર જાતિય હુમલો કર્યો હોવાનું કહેવાય છે. કોઈ સાંસદ સામે જાહેર વળતર ચૂકવણીનો આદેશ કરાયાની આ પ્રથમ ઘટના છે જેના પરિણામે, પાર્લામેન્ટમાં આવા હુમલાના કથિત પીડિતો દ્વારા સિવિલ કોર્ટ્સની કાર્યવાહી વધી શકે છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે સાંસદ હિલનો સામનો કરવાના નિર્ણયથી તેને બેઘર બનવું પડ્યું હતું તેમજ હતાશા અને આઘાતનો સામનો કરવો પડ્યો હતો
• લેસ્ટરમાં ડાયનોસોર શો મુલતવીઃ
લેસ્ટરના એબી પાર્કમાં આયોજિત ડાયનોસોર શો ‘ડિનો કિંગ્ડમ’ ઓગસ્ટ મહિના સુધી મુલતવી રખાયો છે. આ ફેમિલી આઉટડોર શો સિટી પાર્કમાં શુક્રવાર 27 મેથી રવિવાર 12 જૂન સુધી ચાલવાનો હતો પરંતુ, હવે તે 12 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી લેસ્ટરના આંગણે આવશે. હાલતા ચાલતા અને જોરશોરથી અવાજ કરતા એનિમેટ્રોનિક ડાયનોસોર્સના ઝૂંડ બાળકો અને પરિવારોને લાખો વર્ષ પહેલામાં સમયખંડમાં લઈ જશે. મહાકાય ડાયનોસોર્સમાં જુરાસિક યુગના વિશાળકાય ટી-રેક્સ અને 18 મીટર લંબાઈના એપાટોસૌરસ તેમજ ડાયનોસોર એગ હન્ટ સહિતના આકર્ષણનો સમાવેશ થાય છે. એવોર્ડવિજેતા લાઈટોપિઆ ફેસ્ટિવલ દ્વારા માન્ચેસ્ટર, નોટિંગહામ અને લંડનના નિવાસીઓનું મનોરંજન કરાયું છે.
• કેબિનેટ ઓફિસ કામગીરીનું વિભાજનઃ
કેબિનેટ ઓફિસમાં કામગીરીનું વિભાજન કરાયું છે જેમાં નં.10 આર્થિક, ડોમેસ્ટિક પોલિસી, ઈન્ટેલિજન્સ અને નેશનલ સિક્યોરિટીનો હવાલો રાખશે અને પરમેનન્ટ સેક્રેટરી સામન્થા જોન્સ તેના પર દેખરેખ રાખશે. નોંધપાત્ર વિભાગો પર વડા પ્રધાનની સીધી નજર રહેશે. બીજી તરફ, કેબિનેટ ઓફિસ સિવિલ સર્વિસીસ માટે કોર્પોરેટ હેડક્વાર્ટર્સ બની રહેશે અને સુધારાઓ પર નજર રાખશે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર સ્ટીવ બાર્કલેને ફેબ્રુઆરીમાં વડા પ્રધાનના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્તિ અપાતા કેબિનેટ ઓફિસમાં ફેરફારઆવશ્યક બની ગયો હતો. સેકન્ડ પરમેનન્ટ સેક્રેટરી સ્યૂ ગ્રેએ જાન્યુઆરીમાં પાર્ટીગેટ ઈન્ક્વાયરીના પ્રાથમિક અહેવાલમાં કેબિનેટ ઓફિસને વિભાજિત અને જટિલ ગણાવી હતી. પાર્લામેન્ટના ઉનાળું વિરામ પહેલા સ્યૂ ગ્રેનો આખરી અહેવાલ જાહેર થવાની શક્યતા છે.
• યુક્રેનને વધુ £1.3 બિલિયનની બ્રિટિશ લશ્કરી સહાયઃ
યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા બ્રિટને વર્તમાન નાણાકીય વર્ષમાં આશરે 1.3 બિલિયન પાઉન્ડની લશ્કરી સહાય આપવાની ખાતરી આપી છે. જી-7 દેશોના નેતાઓની યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમર ઝેલેન્સ્કી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આ જાહેરાત કરી હતી. આ વધારાની લશ્કરી સહાયમાં મારફત યુક્રેનને ઇલેક્ટ્રોનિક યુદ્ધસામગ્રી, કાઉન્ટર બેટરી રડાર સિસ્ટમ, જીપીએસ જામિંગ ઇક્વિપમેન્ટ, નાઇટ વિઝન ડિવાઇસ સહિતનો સરંજામ પૂરો પાડવામાં આવશે. યુરોપના વિજય દિવસની ઉજવણીના પ્રસંગે જી-7 દેશોના નેતાઓની બેઠક યોજાઈ હતી. યુરોપીય દેશો 8 મે 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે નિમિત્તે વિજય દિવસની ઉજવણી કરે છે.
• રશિયામાં સેવાનિકાસ પર યુકેનો પ્રતિબંધઃ
યુકે સરકારે યુક્રેન પર રશિયન આક્રમણના પગલે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભે રશિયામાં બ્રિટિશ સેવાઓની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી અને તેની સાથેના બિઝનેસનો અંત આણ્યો હતો. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે જાહેર કર્યા મુજબ રશિયન બિઝનેસીસ યુકેની એકાઉન્ટન્સી, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને PR સેવાનો લાભ મેળવી નહિ શકે. બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે પણ રશિયા પર આક્રમણનો માર્ગ બદલવા માટે આર્થિક દબાણો વધારવાની જાહેરાત કરી હતી. યુકે સરકારના નવા 63 પ્રતિબંધોમાં અભિનેતાઓ અને મીડિયા સંસ્થાઓની એસેટ ફ્રીઝ કરી મુસાફરી પર પ્રતિબંધ લાદવાનો સમાવેશ થાય છે.
• સેન્ટ્રલ લંડન બસસેવામાં કાપઃ
એલિઝાબેથ લાઈન ખુલ્લી મૂકાવા સાથે સેન્ટ્રલ લંડન બસસેવામાં કાપ મૂકાશે અને વધારાની બસીસ આઉટર લંડનને ફાળવાશે. મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા બસીસની માગમાં ઘટાડો થવાની સંભાવનાને જોઈ આઉટર લંડનની માગને સંતોષવા પ્રયાસ કરાશે. સરકાર પાસેથી લાંબા ગાળાનું ભંડોળ મેળવવામાં TfLનિષ્ફળ રહેશે તો સેન્ટ્રલ લંડનમાંથી બસીસને આઉટર લંડનને ફાળવવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા TfLને હાલ ફાળવાયેલો ઈમર્જન્સી ફંડિંગ સોદો એક મહિનામાં પૂર્ણ થશે પરંતુ, નવા સોદા બાબતે વાટાઘાટો ઘણી ધીમી ગતિએ ચાલતી હોવાનું મેયર ખાને કહ્યું હતું.
• NUS પ્રમુખ શાઈમાની ચૂંટણીની તપાસઃ
ઈઝરાયેલ અંગે સોશિયલ મીડિયા પર અણછાજતી ટીપ્પણી કર્યાના દાવાના પગલે મિનિસ્ટર્સ નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ (NUS)ના નવા ચૂંટાયેલાં પ્રમુખ શાઈમા દાલાલીની ચૂંટણીની તપાસ કરાવવા માગે છે. એજ્યુકેશન સેક્રેટરી નાધિમ ઝાહાવીએ તાજેતરમાં જ NUS સાથે સંબંધો તોડી નાખ્યા હતા. યુનિવર્સિટીઝ મિનિસ્ટરે પ્રમુખની ચૂંટણીની કાયદેસરતા તપાસવા આદેશ કરેલો છે. આ પ્રોસેસ પર નજર રાખતી સિવિકા ઈલેક્શન સર્વિસ દ્વારા આ દાવાને ફગાવી દેવાયો હતો. મિસ દાલાલી સામે સોશિયલ મીડિયા પર વિવિધ એન્ટિ-સેમેટિક પોસ્ટ્સને લાઈક કર્યાનો આક્ષેપ છે.
• સાદિક ખાનને હેરી-મેગનનું આમંત્રણઃ
લંડનના મેયરે અમેરિકાની પાંચ દિવસની મુલાકાત લીધી ત્યારે તેમને પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના કેલિફોર્નિયાસ્થિત 11 મિલિયન પાઉન્ડના ભવ્ય મેન્શનમાં ગુપ્ત રીતે આમંત્રિત કરાયા હતા. જોકે, હેરી અને મેગનનું નિવાસસ્થાન દૂર હોવાથી પરિવહનની સમસ્યાના કારણે સાદિક ખાન ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની મહેમાનગતિ માણી શક્યા ન હતા. મેયર દ્વારા લોસ એન્જલસની પાર્ટીમાં સ્ટાર ગેસ્ટ બનવા હેરી અને મેગનને આમંત્રમ અપાયું હતું પરંતુ, સસેક્સીસ તેને સ્વીકારી શક્યા ન હતા. આ પછી, હેરી અને મેગને મેયર ખાનને તેમના નિવાસની સીક્રેટ મુલાકાતની ઓફર કરી હતી. આનુ કારણ એ હોઈ શકે છે કે મેયર પ્રિન્સ વિલિયમ સાથે સારા સંબંધો ધરાવે છે અને રોયલ ફેમિલીના ‘આંતરિક યુદ્ધ’માં ઘસડાવા ઈચ્છતા ન હોય.

