ટ્રેઝરી દ્વારા ટ્રિપલ લોક સિસ્ટમ ફરી અમલી બનાવવાના નિર્ણયથી પેન્શનરોને આગામી વર્ષના એપ્રિલથી પેન્શનમાં 10 ટકાનો વધારો મળવાપાત્ર છે. ટ્રિપલ લોક સિસ્ટમમાં ફૂગાવો, સરેરાશ કમાણી અથવા 2.5 ટકામાંથી જે વધારે હોય તેના અનુસાર સરકારી પેન્શન વધે છે. ગયા વર્ષે સરકારે ટ્રિપલ લોક સિસ્ટમ સસ્પેન્ડ કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટે પબ્લિક સેક્ટરકમાં વેતન પર નિયંત્રણ રાખવાનાઅનુરોધની સાથે જ ફૂગાવા આધારિત પેન્શનના નિર્ણયનો બચાવ કર્યો છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં CPI આશરે 10 ટકાએ પહોંચવાની શક્યતા છે. જો ફૂગાવો 10 ટકાએ પહોંચશે તેના પરિણામે, પેન્શન વધવાના કારણે સરકારી તિજોરી અથવા કરદાતાના શિરે 10 બિલિયન પાઉન્ડનો બોજ આવશે અને પેન્શનરને સરેરાશ 960 પાઉન્ડ વધુ પેન્શન મળશે. આ વર્ષે એપ્રિલમાં પેન્શન 3.1 ટકાના દરે વધ્યું હતું જ્યારે ગત સપ્ટેમ્બરમાં ફૂગાવો 7.8 ટકાનો હતો.
• ઈયુ કંપનીઓના બોર્ડ્સમાં મહિલાને અનામતઃ
યુરોપિયન સંઘના 27 સભ્ય દેશોનાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓએ તેમના બોર્ડની નોન-એક્ઝિક્યુટિવ બેઠકોમાં લઘુત્તમ 40 ટકા સ્થાન મહિલાઓ માટે અનામત રાખવા પડશે. આ ઉપરાંત, એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ મળીને પણ ઓછામાં ઓછી 32 ટકા સીટોનો ક્વોટા મહિલાઓને આપવો પડશે. આ અનામત લાગુ કરવા માટે કંપનીઓ પાસે 2026ના મધ્ય સુધીનો સમય હશે. આ નવી જોગવાઈથી ઈયુમાં જેન્ડર સમાનતાની પ્રક્રિયા ચોક્કસ વેગ પકડશે અને સૌના માટે સરખી તકો વધશે. યુરોપિયન સંસદ અને યુરોપિયન સંઘના 27 સભ્ય દેશો દ્વારા આ સમજૂતીને સત્તાવાર સ્વીકૃતિ પછી સમગ્ર ઈયુમાં આ ક્વોટા લાગુ થશે. નવા કાયદાનો ઉદ્દેશ્ય બોર્ડમાં ભરતીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવાનો છે. કોઈ પદ માટે એકસમાન યોગ્યતાવાળા અનેક ઉમેદવાર હોય ત્યાં ઓછા પ્રતિનિધિત્વવાળા જેન્ડરના ઉમેદવારને પ્રાધાન્ય મળવું જોઈએ.
• બેરોનેસ સ્કોટલેન્ડ ફરી કોમનવેલ્થના સેક્રેટરી જનરલઃ
લેબર પાર્ટીના બેરોનેસ સ્કોટલેન્ડ ઓફ અસ્થાલ ફરી બે વર્ષ માટે કોમનવેલ્થના સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાઈ આવ્યા છે જે યુકેના વડા પ્રધાન જ્હોન્સન માટે ફટકા સમાન છે. રવાન્ડા ખાતે બંધબારણાની બેઠકમાં મતદાનમાં બેરોનેસે 27 વિરુદ્ધ 24 મતની પાતળી સરસાઈથી જમૈકાના વિદેશપ્રધાન કામિના જ્હોન્સન સ્મિથને પરાજય આપ્યો હતો. જોકે, પરંપરા અનુસાર આ નિર્ણય સર્વાનુમતે લેવાયાનું જાહેર કરાયું છે. ટોની બ્લેર સરકારમાં મિનિસ્ટર અને ગોર્ડન બ્રાઉનના શાસનમાં એટર્ની જનરલ રહેલાં 66 વર્ષીય બેરોનેસ સ્કોટલેન્ડ એક ટર્મ પછી પદત્યાગ કરે તેવું અભિયાન જ્હોન્સને ચલાવ્યું હતું પરંતુ, તેમાં સફળતા મળી ન હતી. પરિણામ જાહેર કરાયા પછી જ્હોન્સને જણાવ્યું હતું કે આ લોકશાહી માટે સારો દિવસ છે અને તેઓ ઘણા લાંબા સમયથી બેરોનેસ સાથે સારી રીતે કામ કરી રહ્યા છે.
• ‘બાય નાઉ, પે લેટર’ લોન સ્કીમ્સના નિયમો કડક બનાવાશેઃ
‘બાય નાઉ, પે લેટર’ લોન સ્કીમ્સ ખરીદારોને દેવાંમાં ઉતારે છે તેવી ચેતવણીઓના પગલે ટ્રેઝરી આવી યોજનાઓ સંબંધિત નિયમો કડક બનાવવા ધારે છે. ધીરાણકારોએ હવે ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) પાસેથી એપ્રુવલ મેળવવી પડશે અને ગ્રાહકોની એફોર્ડિબિલિટી ચકાસણી કરવી પડશે તેમજ ગ્રાહકો વિવાદોની પતાવટ કરતા ફાઈનાન્સિયલ ઓમ્બ્ડુસમેન્ટ સર્વિસ સમક્ષ ફરિયાદ નોંધાવી શકશે. સરકારે જણાવ્યું છે કે આવી યોજના વિશેની એડવર્ટાઈઝમેન્ટ્સ ગેરમાર્ગે દોરનારી ન હોય તે માટે ફાઈનાન્સિયલ પ્રમોશન્સ માટેના નિયમો પણ સુધારાશે. ‘બાય નાઉ, પે લેટર’ લોન સ્કીમ્સ લોકોને પ્રોડક્ટ્સ ખરીદવા દે છે અને વ્યાજ વિના સાપ્તાહિક, પખવાડિક કે માસિક હપ્તામાં વિલંબિત ચૂકવણી કરવા દે છે અથવા ચૂકવણીની સમયમર્યાદા ચૂકી જવાય તેના પર ચાર્જ લગાવે છે. મહામારી દરમિયાન આ યોજના લોકપ્રિય બની હતી. કંપનીના આંકડા જણાવે છે કે અંદાજે 17 મિલિયન લોકોએ આ યોજનાનો ઉપયોગ કર્યો છે. ધીરાણકારે દરેક ટ્રાન્ઝેક્શન માટે રીટેઈલર્સ પાસેથી કમિશન મેળવી નાણા કમાય છે. અગાઉ ઓછી કિંમતના વસ્ત્રો અને ફેશન પ્રોડક્ટ્સ માટે આ યોજનાનો ઉપયોગ કરાતો હતો પરંતુ, હવે હોલીડેઝ, ગ્રોસરીઝ, ફર્નિચર અને પ્રોપર્ટી સંબંધિત ચૂકવણી માટે પણ તેનો ઉપયોગ કરાય છે.
• શાળાની ટર્મમાં બાળકોને હોલીડે પર લઈ જવાનો દંડઃ
કાઉન્સિલો શાળાઓમાં ગેરહાજરી સામે લડત ચલાવી રહી છે ત્યારે નવા રાષ્ટ્રવ્યાપી નિયમો મુજબ શાળાની ટર્મમાં બાળકોને હોલીડે પર લઈ જનારા પેરન્ટ્સને 120 પાઉન્ડનો દંડ ફટકારાશે. આ માટે ડિપાર્ટ ઓફ એજ્યુકેશન દ્વારા ડેટાબેઝ રજિસ્ટર રાખવામાં આવશે. પાંચ દિવસ શાળા ગુમાવનારા બાળકોના પેરન્ટ્સે ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPN)નો સામનો કરવો પડશે. આ ઉપરાંત, ટર્મ દરમિયાન પાંચ વખત મોડાં આવનારાં, સત્તાવાર મંજૂરી -જાણ વિના પાંચ દિવસ ગેરહાજર રહેનારાં બાળકોના પેરન્ટ્સને પણ FPN મોકલાશે. એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝાહાવીએ જણાવ્યું હતું કે તમામ સ્કૂલ રજિસ્ટર્સ સાથેના વ્હાઈટહોલ ડેટાબેઝ પર તેઓ નજર રાખશે. ચિલ્ડ્રન્સ કમિશનર રાચેલ ડી સોઝાએ ઓટમ ટર્મ સુધીમાં બાળકોની હાજરી 100 ટકા રહેવી જોઈએ તેમ જણાવ્યું હતું. બીમારીના લીધે ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ સંદર્ભે પણ નિયમો વધુ કડક બનાવાશે.
• રવાન્ડાને £120 મિલિયન ચૂકવાઈ ગયાઃ
યુકેએ એસાઈલમ સીકર્સ પ્લાન માટે રવાન્ડાને પાંચ વર્ષ માટેની 120 મિલિયન પાઉન્ડની સમગ્ર રકમ ચૂકવી દીધી છે અને તેમાંથી ખર્ચ પણ કરાઈ રહ્યો છે. રવાન્ડા સરકારે સંપૂર્ણ રકમ મળી ગઈ હોવાનું સ્વીકાર્યું છે. યુકેની એસાઈલમ નીતિ બાબતે જુલાઈમાં હાઈ કોર્ટમાં સુનાવણી થવાની છે અને જો નીતિને રદ કરી દેવાય તો પણ રવાન્ડા સરકારે આ રકમ રાખી લેવાનો ઈનકાર કર્યો નથી. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના ચુકાદાને કારણે માઈગ્રન્ટ્સ સાથેની પ્રથમ ફ્લાઈટ રદ કરવી પડી હોવાથી કોઈ એસાઈલમ સીકર્સ રવાન્ડા પહોંચી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે માઈગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની ઈઝરાયેલની યોજના નિષ્ફળ ગઈ હતી.
• BNPL ખરીદારોને ચૂકવણીમાં મુશ્કેલીઃ
‘બાય નાઉ, પે લેટર’ (BNPL) લોન સ્કીમ્સ હેઠળના ખરીદારોને ચૂકવણી કરવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. જીવનનિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે સરેરાશ 4.8 ખરીદીની ચૂકવણી કરે છે. ‘બાય નાઉ, પે લેટર’ હેઠળના લગભગ ત્રીજા ભાગના ખરીદારોનું કહેવું છે કે તેમના માટે લોન્સની ચૂકવણી મુશ્કેલ બની રહી છે અને તેઓ દેવાંમાં ધકેલાઈ રહ્યા છે. સંશોધન અનુસાર BNPLના વપરાશકારોનું બાકી દેવું હાલ 254 પાઉન્ડનું છે. લગભગ 30 ટકા બ્રિટિશ ખરીદારોએ માલસામાન ખરીદવા BNPLનો ઉપયોગ કરેલો છે જેમાંથી ત્રીજા ભાગના અથવા 31 ટકાનું કહેવું છે કે આનાથી તેઓ દેવાંની સમસ્યામાં ઘેરાઈ ગયા છે અને 36 ટકાએ જણાવ્યું હતું કે ફૂગાવો અને એનર્જી પાછળના ખર્ચ વધી જવાથી આ યોજના હેઠળ ખરીદી મુશ્કેલ બની છે.

