સંક્ષિપ્ત સમાચાર (યુકે) -- ૨

Tuesday 13th October 2020 13:10 EDT
 

• અર્થતંત્ર માટે £૩૦ બિલિયનના ભંડોળની માગ

 લંડનના મેયર સાદિક ખાને કોવિડ-૧૯ મહામારીના કારણે નબળા પડેલા બ્રિટિશ અર્થતંત્ર માટે ૩૦ બિલિયન પાઉન્ડના ભંડોળની માગણી કરી હતી. મેયરે તેમની યોજના સરકારના કોમ્પ્રીહેન્સિવ સ્પેન્ડિંગ રિવ્યૂ સમક્ષ મૂકી છે. નેશનલ બજેટમાં ધરમૂળથી ફેરફાર છેલ્લે ૨૦૧૫માં કરાયા હતા, જેમાં દરેક વિભાગના પ્રોજેક્ટ્સની તપાસ કરાય છે. મેયર ખાને રાજધાનીમાં એફોર્ડેબલ હાઉસિંગના ખર્ચમાં પાંચ વર્ષના ગાળા માટે વધારાના ૨૦ બિલિયન પાઉન્ડનું ભંડોળ પણ માગ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ ફોર લંડનને ૧૮ મહિના સેવા ચાલુ રાખવા ૫.૬૫ બિલિયન પાઉન્ડની જરુર પડશે. આ ઉપરાંત, તેમણે લંડન માટે ઓછામાં ઓછાં ૧૦૦ મિલિયન પાઉન્ડ તેમજ થીએટર, આર્ટ, મ્યુઝિકની ક્રીએટિવ ઈન્ડસ્ટ્રી અને અન્ય બિઝનેસીસ માટે રાષ્ટ્રીય ભંડોળની માગ ઉઠાવી હતી. તેમણે લંડનમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા ૫૦ મિલિયન તેમજ બસીસના વીજળીકરણ માટે વધારાના ૧ બિલિયન પાઉન્ડની માગણી પણ કરી હતી.

• જોબ્સ પ્લાનથી બેરોજગારી વધતી નહિ અટકે

 ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-૧૯ના લીધે બેહાલ બનેલા અર્થતંત્રને વેગ આપવા મલ્ટિબિલિયન પાઉન્ડ્સનું ખર્ચ પેકેજ જાહેર કરાયું છે તે આગામી મહિનાઓમાં બેરોજગારી વધતા અટકાવી શકશે નહિ. સુનાકે જણાવ્યું હતું કે વેતનના ટોપ-અપ, કંપનીઓ માટે નાણાકીય સુવિધા તેમજ સૌથી ખરાબ અસર પામેલા સેક્ટર્સ માટે VATમાં કાપ લંબાવવાના પગલાં જરુરી હતા. તેમણે કહ્યું હતું કે અગાઉ કટોકટી દરમિયાન સતત કહ્યું તે મુજબ તેઓ દરેક બિઝનેસને બચાવી શકશે નહિ, દરેક નોકરીઓ બચાવી શકશે નહિ. કોઈ પણ ચાન્સેલર આ કરી ન શકે.

• કળા-મનોરંજન ક્ષેત્રમાં બેરોજગારી વધશે

 લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે આ મહિનાના અંતે સરકારની ફર્લો સ્કીમ બંધ થાય છે ત્યારે કળા, મનોરંજન અને આનંદપ્રમોદના ક્ષેત્રોમાં કામ કરી રહેલા ૨૭૯,૦૦૦ લોકો બેરોજગાર બની જશે કારણકે સોસિયલ ડિસ્ટન્સિંગ નિયમોના કારણે સંખ્યાબંધ થિયેટર્સ અને જીવંત મ્યુઝિકના સ્થળો બંધ જ રહેવાના છે. લેબરના શેડો કલ્ટર સેક્રેટરી જો સ્ટીવન્સે જણાવ્યું હતું કે કળાનું ક્ષેત્ર બ્રિટિશ અર્થતંત્રમાં દર વર્ષે ૧૧૨ બિલિયન પાઉન્ડનું યોગદાન આપતું હોવાં છતાં, ચાન્સેલર સુનાકે આ ક્ષેત્રની કેટલીક નોકરીઓનું ભવિષ્ય ન હોવાનું જણાવી દીધું છે. નવી જોબ્સ સપોર્ટ સ્કીમમાં સરકાર વર્કર્સના વેતનનો ૨૨ ટકા હિસ્સો જ ચૂકવશે. કર્મચારીઓ તેમના કામના નિયત કલાકોના ૩૩ ટકા જેટલું કામ કરી શકે તે નોકરીઓને જ વેતન ચૂકવવાને યોગ્ય ગણાવી છે.

• દરેક ઘરને પવનચક્કીની વીજળી

 વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૦૩૦ સુધી યુકેના દરેક ઘરને ઓફશોર વિન્ડ એનર્જીથી પ્રકાશિત કરવાની ખાતરી આપી છે. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીની વર્ચ્યુઅલ કોન્ફરન્સને જણાવ્યું હતું કે સરકાર ભાવિ સ્વચ્છ ઊર્જાક્ષેત્રમાં ભારે રોકાણ કરશે જેનાથી આગામી દાયકામાં લાખો નહિ તો હજારો નોકરીઓ જરુર સર્જાશે. જ્હોન્સને સાઉદી અરેબિયાની તેલસંપત્તિ સાથે યુકેના ઓફશોર વિન્ડ સ્રોતોની સરખામણી કરતા કહ્યું હતું કે યુકે કોલસા અને કેસ કરતાં પણ વધુ સસ્તી, ઓછા ખર્ચની સ્વચ્છ વિદ્યુતશક્તિમાં વિશ્વનેતા બનશે

• બ્રેન્ટમાં હાર્લેસ્ડનના શીશા બારને દંડ

 બ્રેન્ટના સત્તાવાળાઓએ કોવિડ-૧૯ સેફ્ટી ગાઈડલાઈન્સના ભંગ બદલ હાર્લેસ્ડનના શીશા બારને ૨,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. શીશા બારનું નામ જાહેર કરાયું નથી. હાર્લેસ્ડનની હાઈ સ્ટ્રીટના શીશા બારમાં એક સમયે ૩૦થી વધુ લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સલાહ આપી ન હતી કે સ્ટાફે તેમની કોન્ટેક્ટ વિગતો પણ માગી ન હતી. બ્રેન્ટના ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસરોએ અનેક ફિક્સ્ડ પેનલ્ટી નોટિસીસ જારી કરી હતી. કાઉન્સિલે જણાવ્યું છે કે કોવિડ-૧૯ નિયમોના વારંવાર ભંગથી બિઝનેસીસે કાનૂની કાર્યવાહી અને વધુ દંડનો સામનો કરવો પડશે.

• ટોરી કાઉન્સિલર કમલજિત ચાના સસ્પેન્ડ

 સાથી કર્મચારી સમક્ષ ઈસ્લામોફોબિક ટીપ્પણીઓ કરનારા ટોરી કાઉન્સિલર કમલજિત ચાનાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને મહત્તમ છ મહિના માટે ફરજમાંથી ફારેગ કરાયા હોવાનું હેરો ટોરી પાર્ટીએ જણાવ્યું હતું. તેમની સામે સ્વતંત્ર આચારસંહિતા તપાસ માટે પેનલ રચવામાં આવશે. ડાયસન ટેકનોલોજીસમાં ચાના સીનિયર ટેક્નિકલ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે મુસ્લિમોને ‘હિંસક’ ગણાવતી અને ‘પાકિસ્તાની પુરુષો આપણી છોકરીઓને લલચાવી રહ્યા છે’ તે પ્રકારની અયોગ્ય ટીપ્પણીઓ કરી હતી. બ્રિસ્ટોલ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આ કેસની સુનાવણી કરી હતી અને ૨૦૧૮માં રાજીનામું આપનારા ડાયસનના અન્ય પૂર્વ કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કાઉન્સિલર ચાનાની હકાલપટ્ટી ઈચ્છતી ઓનલાઈન પિટિશનમાં હજારો લોકોએ સહી કરી હતી.

• મુસાફરોની સુરક્ષાના મુદ્દે ભારતીય ટેક્સી ઓલા પર પ્રતિબંધ

 પેસેન્જરોની સુરક્ષામાં નિષ્ફળ જવા બદલ બ્રિટનના પાટનગર લંડનની જાહેર વાહનવ્યવહાર સત્તા મંડળ દ્વારા ભારતની ભાડેથી ટેક્સી ચલાવતી કંપની ઓલાને તેમની કામગીરી ચાલુ રાખવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો, જોકે, ઓલાએ બ્રિટન વાહનવ્યવહાર સત્તા મંડળના નિર્ણયને કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીમાં પોતાની સેવા શરૂ કરનાર બેંગલૂરુમાં હેડ ક્વાર્ટર ધરાવતી ટેક્સી કંપની પાસે આ નિર્ણય પડકારવાનો ૨૧ દિવસનો સમય છે અને ત્યાં સુધી તેઓ વેપાર જારી રાખી શકે છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ડાયરેક્ટર હેલેન ચેપમેને કહ્યું હતું કે અમારી તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે ઓલાના ઓપરેશનમાં ખામી હતી. તેમણે એક હજાર પેસેન્જર ટ્રીપ માટે લાયસન્સ વગરના વાહનો અને ડ્રાઈવરોને કામે રાખ્યા હતા જે પેસેન્જરોની સુરક્ષા માટે જોખમ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter