• ૪.૭ મિલિયનનું દર્દી વેઈટિંગ લિસ્ટઃ
હોસ્પિટલમાં વેઈટિંગ લિસ્ટ ૪.૭ મિલિયનના વિક્રમી આંકડે પહોંચ્યું છે અને લગભગ ૪૦૦,૦૦૦ પેશન્ટ્સ તેમની સારવાર માટે એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર્સના કહેવા મુજબ NHS કેટલાય વર્ષ પાછી ધકેલાઈ છે. એક વર્ષ અગાઉ સારવારનો બેકલોગ ૧૬૦૦ પેશન્ટનો હતો તે આસમાને પહોંચી ૩૮૭,૮૮૫નો થયો છે. NHS ઈંગ્લેન્ડના આંકડા કહે છે કે ફેબ્રુઆરી સુધીમાં દસ લાખથી વધુ પેશન્ટ્સે સારવાર માટે છ મહિનાથી વધુ સમય રાહ જોઈ હતી. સંભવિત જીવનરક્ષક હાર્ટ સર્જરી કરાવવા ૫૦૦૦થી વધુ દર્દી એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે. ઓપરેશન્સ માટે રાહ જોતા લાખો દર્દીએ અચોક્કસતા, પીડા અને એકલતાના અનુભવના વર્ષનો સામનો કર્યો છે. NHS ઈંગ્લેન્ડના આંકડા મુજબ ફેબ્રુઆરી ૨૦૨૧માં રુટિન સારવાર માટે ૧૫૨,૬૪૨ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે ફેબ્રુઆરી ૨૦૨૦માં દાખલ ૨૮૫,૯૧૮ની સંખ્યા કરતા ૪૭ ટકા ઓછાં હતાં.
•કાનૂની ઈર્મિગ્રેશન માર્ગોની ટીકાઃ
જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ (JCWI) ચેરિટીના નવા રિપોર્ટમાં યુકેના કાનૂની ઈમિગ્રેશન રુટ્સને સરળ બનાવવા હાકલ કરી છે. ચેરિટીએ યુકેના કાનૂની ઈમિગ્રેશનની સિસ્ટમને ભારે જટિલ અને ખર્ચાળ ગણાવી વિઝા ફીની કિંમત ઘટાડવા અને ઓટોમેટિક રીન્યુઅલ દાખલ કરવા જણાવ્યું હતું. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ યુકેમાં વસવાટના વર્તમાન કાનૂની માર્ગો પર નિયંત્રણો લાદતા ઈમિગ્રેશનનાના નવા પ્લાન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ચેરિટીના રિપોર્ટ અનુસાર યુકેની ઈમિગ્રેશનની સિસ્ટમ ‘સક્રિયપણે અને બિનજરુરી રીતે અસલામતી જન્માવે છે, અતિશય કોમ્પ્લિકેટેડ અને ખર્ચાળ હોવાની સાથોસાથ લોકોને અચોક્કસતામાં ફસાવે છે.’
• કોવિડથી મૃત્યુમાં ભારે ઘટાડોઃ
કેવિડની બીજી લહેર શરુ થયા પછી લોકો સૌપ્રથમ વખત કોવિડ-૧૯ કરતાં વધુ ન્યૂમોનિયા અને ફ્લુથી મોતને ભેટી રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર કોરોના વાઈરસથી નોંધાયેલા મૃત્યુ સાત મહિનામાં સૌથી ઓછાં છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૩ એપ્રિલે પૂર્ણ થયેલા સપ્તાહમાં ડેથ સર્ટિફિકેટ પર કોવિડ-૧૯ની નોંધ કરી હોય તેવા ૨૬૦ મોત થયા હતા, જે તેની અગાઉના સપ્તાહ કરતાં ૨૮ ટકા અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦એ પૂર્ણ થયેલા સપ્તાહ પછી સૌથી ઓછાં હતાં.
• ચર્ચનાં સીનિયર હોદ્દા માટે વંશીય લઘુમતી ઉમેદવાર રાખોઃ
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સીનિયર હોદ્દાઓ માટેની તમામ ટુંકીયાદીઓમાં વંશીય લઘુમતી સમૂહના ઓછામાં ઓછાં એક ઉમેદવારને સામેલ કરવો જ જોઈએ તેમ આર્ચબિશપ્સ એન્ટિ-રેસિઝમ ટાસ્કફોર્સના રિપોર્ટમાં જણાવાયું છે. બ્લેક લાઈવ્ઝ મેટર આંદોલન પછી રચાયેલા ટાસ્કફોર્સે ૪૭ ભલામણો કરી છે. રિપોર્ટ અનુસાર વંશીય લઘુમતી સીનિયર બિશપોની વાત આવે છે ત્યારે ચર્ચ ભૂતકાળના પ્રવાહને જ અપનાવે છે જે ચર્ચના ભવિષ્ય પર વિનાશક અસરો ઉપજાવશે. કેન્ટરબરી અને યોર્કના આર્ચબિશપોએ રિપોર્ટને આવકાર્યો હતો. રેસિઝમની ફરિયાદ કરનારા ચર્ચના સ્ટાફને ચૂપ કરવા સામે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ્સનો ઉપયોગ કરાતો હોવાનું બીબીસી પેનોરેમા કાર્યક્રમમાં બહાર આવ્યું ત્યારે કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ ચર્ચે સામે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ્સનો ઉપયોગ કરવો ન જોઈ તેમ જણાવ્યું હતું.
• ૮૦ વર્ષીય વિદ્વાન પતિને મારનારી પત્નીને જેલઃ
બોર્નમાઉથ યુનિવર્સિટીના કાયદા વિભાગના નિવૃત્ત વડા ૮૦ વર્ષીય ડેનિસ ડાઉડિંગને વોકિંગ સ્ટિકથી માથામાં મારનારી ૭૬ વર્ષીય પત્ની વેલેરીને બોર્નમાઉથ ક્રાઉન કોર્ટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે. તેણે પતિને તમાચા પણ માર્યા હતા. આ દંપતીના લગ્ન દાયકાઓ જૂના છે પરંતુ, ૧૦ વર્ષ અગાઉ તેમના લગ્નજીવનમાં કડવાશ આવી હતી. ડેનિસ ડાઉડિંગને અલગ રુમમાં રહેવાની ફરજ પડાઈ હતી અને સતત મેણાંટોણાં મરાતા હતા. આના પરિણામે વિદ્વાન પતિ પોતાની વિવેકબુદ્ધિ પર શંકા કરતા થઈ ગયા હતા. જજ રોબર્ટ પોસને જમાવ્યું હતું કે વેલેરી તેના પતિના પુસ્તકો ફેંકી દેતી હતી. ડેનિસ ડાઉડિંગે જણાવ્યું હતું કે વર્ષોથી તેમના પર ધાકધમકીપૂર્ણ વર્તન સાથે અત્યાચાર ગુજારાતો હતો.
• વધતી રહેલી પેટ્રોલની કિંમતઃ
સતત છ મહિનાથી પેટ્રોલના ભાવ વધતા રહ્યા છે અને હજુ ભાવ વધશે. મોટરિંગ ઓર્ગેનાઈઝેશન RACના જણાવ્યા મુજબ ઓઈલની કિંમત લગભગ પ ડોલરના વધારા સાથે પ્રતિ બેરલ ૭૦ ડોલર નજીક પહોંચી હોવાથી પેટ્રોલના ભાવ વધશે. એપ્રિલના અંતે અનલીડેડ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧૨૭p રહ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૦ પછી આ સૌથી વધુ ભાવ હતા જેનાથી સરેરાશ ફેમિલી કારની ટાંકી ભરાવવાની કિંમત ૬૯.૯૫ પાઉન્ડ થતી હતી. ડિઝલના ભાવ પણ પ્રતિ લીટર ૧૩૦p જેટલા રહ્યા હતા.