• લેસ્ટર પાર્કને અમિતાભ બચ્ચનનું નામ આપવા અનુરોધઃ
લેસ્ટર ઈસ્ટના પૂર્વ સાંસદ કિથ વાઝે લેસ્ટરના કોઈ વિશાળ પાર્કને બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ આપવા અનુરોધ કર્યો હતો. કિથ વાઝ અમિતાભ બચ્ચનની લેસ્ટરની બે મુલાકાતના યજમાન બન્યા હતા. બચ્ચને ગત ૧૧ ઓક્ટોબરે ૭૯મો જન્મદિન ઉજવ્યો હતો. વાઝે ક્યું હતું કે ફ્રાન્સ તેમજ અન્ય ઘણા દેશોએ અમિતાભ બચ્ચનને તેમના આંતરરાષ્ટ્રીય કામકાજ બદલ સન્માનિત કર્યા છે અને બ્રિટને પણ આમ કરવું જોઈએ. અમિતાભે લેસ્ટરમાં ડાયાબિટીસ ટેસ્ટ કરાવી ડાયાબિટીસ અવેરનેસના અભિયાનને સપોર્ટ આપ્યો હતો. ફ્રાન્સ સરકારે ૨૦૦૭માં અમિતાભ બચ્ચનને સર્વોચ્ચ નાગરિક સન્માન– નાઈટ ઓફ લીજિયનથી વિભુષિત કર્યા હતા. લંડનમાં મેડમ તુસાડના વેક્સ મ્યુઝિયમમાં પ્રથમ જીવંત એશિયન તરીકે મીણપ્રતિમા બનાવાયેલી છે. ઉલ્લેખનીય છે કે લેસ્ટરના બે પાર્ક્સને સિવિલ રાઈટ્સ લીડર જેસી જેક્સન અને સાઉથ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મંડેલાના નામ અપાયા છે.
• લંડન કન્જશન ચાર્જ રાત્રે ફરી લાગુ કરાશેઃ
મેયર સાદિક ખાને ચેતવણી આપી છે કે જો સેન્ટ્રલ લંડનમાં ટ્રાફિકમાં વધારો થશે તો રાત્રિ સમયે કન્જશન ચાર્જ ફરી લાગુ કરવાની જરૂર પડશે. કન્જશન ચાર્જના ઓપરેટિંગ કલાકો સપ્તાહના સાત દિવસ સવારના ૭થી રાતના ૧૦ વાગ્યા સુધી છે તેને ઘટાડી વીકડેઝમાં સવારના ૭થી સાંજના ૬ તેમજ વીકેન્ડમાં બપોરથી સાંજના ૬ સુધી રાખવાની મેયરની યોજના સંદર્ભે આશરે ૧૦,૦૦૦ લંડનવાસીએ પ્રતિભાવ આપ્યો હતો. અગાઉ,વીકડેઝમાં સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી જ કન્જશન ચાર્જ લાગુ કરાતો હતો અને તેમાં ૧૫૦ પાઉન્ડ ચૂકવવાના થતા હતા. જોકે, લંડનવાસીઓ સાયકલ અથવા પગપાળા મુસાફરી કરે અને કારનો ઉપયોગ ઘટે તે માટે મહામારીના ઈમર્જન્સી રિસ્પોન્સ તરીકે સમયનો વ્યાપ વધારાયો હતો. નવા ફેરફારો આગામી વર્ષના ફેબ્રુઆરીથી અમલી થવાના છે.
• ફાર્માસિસ્ટ્સને પ્રીસ્ક્રાઈબ કરવાનો અધિકાર મળશેઃ
પેશન્ટ્સ તેમના Gpની રુબરુ મુલાકાત લઈ શકે તેની સંખ્યા વધારવા હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ નોંધપાત્ર સુધારા લાવી રહ્યા છે. તેઓ Gpને પ્રીસ્ક્રીપ્શન્સ અને સિક નોટ્સ લખવાના બોજામાંથી મુક્ત કરવા માગે છે જેથી તેઓ વધુ પેશન્ટ્સને મુલાકાત આપી શકે. હવે સામાન્ય બીમારીઓ માટે ફાર્મસીઝ અને હોસ્પિટલ્સ દ્વારા વધુ પ્રમાણમાં પ્રીસ્ક્રીપ્શન્સ પૂરાં પાડવામાં આવશે. જોકે, આ રીતે અપાતી દવાઓમાં એન્ટિબાયોટિક્સનો સમાવેશ થશે કે નહિ તેની સ્પષ્ટતા કરાઈ નથી. વિચારણા હેઠળની દરખાસ્તોમાં વાહન હંકારવાની પેશન્ટની ફિટનેસ બાબતે ડ્રાઈવર એન્ડ વ્હિકલ લાઈસન્સિંગ એજન્સી સમક્ષ મેડિકલ એવીડન્સીસ પૂરા પાડવા જેવી વહીવટી પ્રક્રિયાઓમાંથી ડોક્ટર્સને મુક્ત રાખવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, પેશન્ટ્સ સાથે રુબરુ એપોઈન્ટમેન્ટ નહિ વધારનારા ડોક્ટર્સ પર પ્રતિબંધો લાદવાની પણ યોજના છે.
• યુકેએ £૪૫ મિલિયન ચૂકવ્યા નથીઃ
ઈંગ્લિશ ચેનલમાં થઈને આવતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અટકાવવાની સમસ્યા હલ કરવા યુકેએ એક પણ યુરો ચૂકવ્યો નથી તેવો ફ્રાન્સે દાવો કર્યો છે. ફ્રાન્સના ઈન્ટિરિયર મિનિસ્ટર જેરાલ્ડ ડારમાનિને ઈમિગ્રન્ટ્સને રોકવામાં ફ્રાન્સના પ્રયાસોની કદર કરી બ્રિટને પોતાનું વચન પાળી ૪૫ મિલિયન પાઉન્ડ ચૂકવી આપવા જોઈએ તેમ જણાવ્યું હતું કારણકે ફ્રાન્સ તેમની સરહદને બચાવી રહ્યું છે.. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી ૧૭,૦૦૦થી વધુ લોકોએ નાની બોટ્સમાં ડોવર સ્ટ્રેઈટ ઓળંગવામાં સફળતા મેળવી છે. ફ્રાન્સે રેસિડેન્સી પેપર્સ વિનાના લોકોનું બ્રિટનનું આકર્ષણ ઘટાડવાના પગલાં લેવા યુકેને જણાવ્યું છે. કેલે કોસ્ટલાઈન્સ પર પેટ્રોલિંગના ઈન્ચાર્જ ફ્રાન્સના કમાન્ડર જનરલ ફ્રાન્ટ્ઝ ટાવાર્ટે યુકે ફંડને અટકાવશે તો પોતાના કોસ્ટ ગાર્ડ્સ પાછા ખેંચી લેવાની ધમકી આપેલી છે.
• મહિલા સુરક્ષા કાયદો અટકાવાતા પ્રીતિ પટેલને રોષઃ
પબ્લિક સેક્સ્યુએલ હેરેસમેન્ટને અપરાધ બનાવવાના હોમ ઓફિસના પ્રયાસોને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને અટકાવી દેતા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ રોષે ભરાયા હોવાનું કહેવાય છે. માર્ચ મહિનામાં સારાહ એવરાર્ડની હત્યા પછી સ્ત્રીઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસાના પ્રશ્ને પ્રીતિ પટેલના કન્સલ્ટેશનને ૧૮૦,૦૦૦ લોકો તરફથી પ્રતિભાવ અપાયો હતો. ઘણા લોકોએ રોજિંદા ધોરણે કનડગત કરાતી હોવાની ફરિયાદો પણ કરી હતી. વડા પ્રધાન જ્હોન્સને એવો મત દર્શાવ્યો હતો કે જાહેરમાં સેક્સ્યુઅલ હેરાનગતિનો મુદ્દો વધુ ચગેલો છે તેના કરતાં સ્ત્રીઓ અને છોકરીઓ વિરુદ્ધ રોજિંદા ધોરણે આક્રમક હેરાનગતિ વધુ ખરાબ છે. જ્હોન્સને જાહેર કર્યું હતું કે મહિલાઓ વિરુદ્ધ હિંસાનો સામનો કરવા કોઈ નવા કાયદાને તેઓ સમર્થન આપતા નથી કારણકે વર્તમાન કાયદામાં ઘણી જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં YouGov દ્વારા કરાયેલા એક સર્વેમાં અડધાથી વધુ સ્ત્રીઓએ લંડનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તેમને સેક્સ્યુઅલ કનડગત સહન કરતી પડતી હોવાનું જણાવ્યું હતું. મતદારોમાંથી ત્રીજા ભાગથી વધુ સ્ત્રીઓએ અજાણી વ્યક્તિ દ્વારા તેમને ઈરાદાપૂર્વક દબાણથી ભીંસમાં લેવાનો અનુભવ સૌથી સામાન્ય હેરાનગતિ હોવાનું જણાવ્યું હતું.
• ઘેર પાછા મોકલી આપો, અફઘાન શરણાર્થીઓની વ્યથાઃ
તાલિબાનના કારણે દેશ છોડી નાસી છૂટેલા હજારો અફઘાન શરણાર્થીઓને યુકેમાં ઓપરેશન વાર્મ વેલકમ પુનર્વસન પ્રોગ્રામ હેઠળ હોટેલ્સમાં રખાયા છે જ્યાં હેલ્થકેરની પૂરતી સુવિધાઓ નથી. હવે આ શરણાર્થીઓ તેમને અફઘાનિસ્તાન પાછા મોકલી દેવાની માગણી કરી રહ્યા છે. આશરે ૭,૦૦૦ શરણાર્થીઓને હોટેલ્સમાં કામચલાઉ રહેઠાણ અપાયું છે. હોમ ઓફિસના કહેવા અનુસાર આ લોકોને મહિનાઓ સુધી હોટેલ્સમાં રાખવા પડશે. હોટેલ્સમાં રખાયેલા અફઘાનોની આરોગ્યસંભાળની સ્થિતિ ઘણી ખરાબ છે. સ્થાનિક જીપીની સેવા મેળવવા બાબતે ભારે ગૂંચવાડો છે. શરણાર્થીઓ યુકે આવી પોતાના જીવનનું પુનઃનિર્માણ કરે, કામકાજ શોધે, શિક્ષણ મેળવે અને સ્થાનિક કોમ્યુનિટીઓ સાથે હળીમળી શકે તેવા હેતુથી બોરિસ જ્હોન્સને ૨૯ ઓગસ્ટે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો.
• સ્કોટલેન્ડ યાર્ડના નવા વડાની રાષ્ટ્રવ્યાપી શોધ શરૂઃ
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સ્કોટલેન્ડ યાર્ડના નવા હાઈ ફ્લાઈંગ ઓફિસર વડાની રાષ્ટ્રવ્યાપી શોધ શરૂ કરાવી છે. હોમ સેક્રેટરીએ યોગ્ય રીપ્લેસમેન્ટ મેળવી શકાય તે માટે વર્તમાન મેટ્રોપોલીટન પોલીસ કમિશનર ડેમ ક્રેસિડા ડિકને બે વર્ષની મુદત લંબાવી આપી છે. તેમણે પોલીસ ફોર્સમાં કામ કરી શકે તેવી અને લંડનની બહાર કામ કરી રહેલી નવી પ્રતિભાઓ ઓળખવા સીનિયર ઓફિસરોને સૂચના પણ આપી છે. આ ઉમેદવારોને પડકારરૂપ ભૂમિકામાં કામ કરી શકે તેવી બઢતી આપી શકાશે તેમ હોમ સેક્રેટરી આશા રાખે છે. સ્કોટલેન્ડ યાર્ડની નિષ્ફળતા અને કૌભાંડોથી ક્રેસિડા ડિક સામે રોષ વધી રહ્યો છે.
• વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતતાં વેગન ફૂડ બ્લોગરઃ
નેધરલેન્ડ્ઝના ૨૫ વર્ષીય વેગન ફૂડ બ્લોગર મિરિયમ ગ્રૂટ વર્લ્ડ પોરિજ મેકિંગ ચેમ્પિયનશિપ જીતી ગયાં છે. તેઓ વેજી રિપોર્ટર નામે બ્લોગ ચલાવે છે. પરંપરાગત રીતે હાઈલેન્ડ્સના કારબ્રિજમાં યોજાતી વાર્ષિક ચેમ્પિયનશિપ ગયા વર્ષથી ઓનલાઈન યોજાય છે. સ્પર્ધકોને તેમની પસંદગીની ઓટી ડિશની બનાવટનો વીડિયો મોકલવા જણાવાયું હતું. મુખ્ય ૧૦ સ્પર્ધકોમાં બે અમેરિકન, એક કેનેડિયન, બે ઓસ્ટ્રેલિયન, બે ઈંગ્લેન્ડવાસી એક સ્કોટિશ તેમજ જર્મની અને નેધરલેન્ડઝમાંથી એક-એકનો સમાવેશ થયો હતો.