• રેસિઝમના લીધે જ ટોરી પાર્ટીને મત આપતી મહિલાઃ

Wednesday 01st December 2021 06:52 EST
 

રેસિઝમના લીધે જ ટોરી પાર્ટીને મત આપતી મહિલાઃ

સોશિયલ કેરની નવી યોજના હેઠળ પોતાનું ઘર ગુમાવવું પડશે તેવી ૭૭ વર્ષીય મહિલા માર્ગારેટ ગેર્વિંગે સ્પષ્ટ કર્યું હતું કે રેસિઝમ પ્રત્યે કન્ઝર્વેટિવ પાર્ટીની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાના કારણે જ તેઓ પાર્ટીને મત આપે છે. સોશિયલ કેર પ્લાન, પેન્શન્સ ટ્રિપલ લોક મુલતવી રાખવા તેમજ તમામ નૈતિક સિદ્ધાંતો ત્યાગવા છતાં ટોરી પાર્ટી ઈસ્લામોફોબિયા અને ઈમિગ્રન્ટ્સ તરફ ધિક્કાર ચાલુ રાખશે ત્યાં સુધી માર્ગારેટ તેને વફાદાર બની રહેશે. એનોકે ૧૯૬૮માં ‘રિવર્સ ઓફ બ્લડ’ સ્પીચ આપી ત્યારથી માર્ગારેટ ટોરી પાર્ટીને મત આપતાં રહ્યાં છે. તેમણે બ્રેક્ઝિટને પણ સમર્થન આપ્યું હતું. જોકે, હમણાથી તેઓ ટોરી પાર્ટી બાબતે ચિંતિત છે. ‘ઊંચા ટેક્સીસ, ગ્રીન પોલિસીઝ, ઘરમાં લોકોને કેદ કરી રાખવા જેવી બાબતો માર્ક્સવાદ દર્શાવે છે. જે લોકો મૂળ અહીંના નથી તેમના તરફ પૂર્વગ્રહ એ જ અમારામાં સામાન્ય બાબત છે. માત્ર આ કારણથી જ તેઓ મારું ઘર લઈ લેશે તો પણ તેમને મારો મત મળતો રહેશે’, તેમ તેઓ કહે છે.

૧૦૦ લોકો સારવાર માટે ૨૦ વર્ષથી હોસ્પિટલોમાં છેઃ

ઈંગ્લેન્ડમાં લર્નિંગ ડિસેબિલિટીઝ અને ઓટિઝમ ધરાવતા ૧૦૦ લોકો ઓછામાં ઓછાં ૨૦ વર્ષથી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં રખાયા હોવાનું બીબીસી દ્વારા જણાવાયું છે. ઓટિઝમથી પીડાતા ટોની હિકમોટને ૨૦૦૧થી હોસ્પિટલમાં રખાયા બાબતે તપાસમાં આ હકીકત બહાર આવી છે. હિકમોટના પેરન્ટ્સ તેને ઘર નજીકની કોમ્યુનિટીમાં રાખવામાં આવે તેની લડત ચલાવી રહ્યા છે. હાલ ૪૪ વર્ષના હિકમોટના કેસની સુનાવણી ‘માનસિક રીતે અક્ષમ’ લોકો માટે નાણાકીય અથવા કલ્યાણની બાબતો પર નિર્ણય લેતી કોર્ટ ઓફ પ્રોટેક્શનમાં ચાલી રહી છે. સીનિયર જજ કેરોલીન હિલ્ડરે કેસની વિગતોનું રિપોર્ટિંગ જાહેર હિતમાં હોવાનું જણાવી ‘એનોનીમિટી ઓર્ડર’ ઉઠાવી લીધો છે. જજના કહેવા મુજબ હિકમોટ માટે સારસંભાળનું યોગ્ય પેકેજ શોધવામાં અક્ષમ્ય વિલંબ થયો છે.

સેકન્ડ જોબની સરકારની યોજનાને સાંસદોનો ટેકોઃ

વેસ્ટમિન્સ્ટરના અનૈતિકતા કૌભાંડ મધ્યે સાંસદોની બીજી નોકરીઓ બાબતે સુધારાની સરકારની યોજનાને કોમન્સમાં ટેકો મળ્યો હતો. સાંસદોના બહારના હિતો પર અંકુશ લાદવાના બોરિસ જ્હોન્સનના વલણને સમર્થન અપાયું છે પરંતુ, લેબર પાર્ટીએ તેની દરખાસ્તો હળવી બનાવી દેવાયો આક્ષેપ લગાવ્યો છે. સાંસદો પેઈડ કન્સલ્ટન્સી કામગીરી કરી શકે નહિ તેવો અંકુશ લાદવા લેબર પાર્ટીએ દરખાસ્તો રજૂ કરી હતી. જોકે, જ્હોન્સને વિપક્ષોના હાથમાંથી મુદ્દો છીનવી લેવા તેમાં સુધારા મૂકી સરકારની આગવી યોજના હોવાનું જાહેર કર્યું હતું. લેબર અને અન્ય વિપક્ષી સાંસદોએ સરકારી સુધારા વિરુદ્ધ મતદાન નહિ કરવા નિર્ણય લેતો સુધારો ૨૯૭ વિરુદ્ધ શૂન્ય મતથી પસાર થયો હતો. લેબર પાર્ટીની મૂળ દરખાસ્ત ૨૮૨ વિરુદ્ધ ૨૩૧ મતથી નકારી કઢાઈ હતી. સુધારાથી સાંસદો પેઈડ પોલિટિકલ કન્સલ્ટન્ટ્સ કે લોબિઈસ્ટ તરીકે કામ કરી શકશે નહિ.

મહામારીની અસર દાયકાઓ સુધી અનુભવાશેઃ

ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ (IFRC)ના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે મહામારીનીની લાંબા ગાળાની અસરો દાયકાઓ સુધી અનુભવાશે. મહિલાઓ, માઈગ્રન્ટ્સ તેમજ શહેરોમાં રહેતા લોકોને કોવિડની સૌથી વધુ આર્થિક અને સામાજિક અસરો પહોંચી છે. IFRCની ૧૯૨ રાષ્ટ્રીય સોસાયટીઝ પાસેથી મેળશવાયેલા ડેટા અનુસાર મહામારીથી અન્ન અસુરક્ષિતતા વધી છે, બાળકો શાળાએથી દૂર રહ્યા છે તેમજ ડોમેસ્ટિક વાયોલન્સ અને માનસિક આરોગ્ય ખરાબ થવાની ઘટનાઓ પણ વધી છે. કોવિડના કારણે ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્ર ૩.૫ ટકા જેટલું સંકોચાયું હતું. જોકે, આગામી વર્ષ સુધી વિશ્વનાં સૌથી ધનવાન અર્થતંત્રોના ૯૦ ટકા તો મહામારી અગાઉની સ્થિતિએ પહોંચી જવાની ધારણા છે જ્યારે ઓછી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોના ત્રીજા ભાગના દેશો જ આમ કરી શકશે.

ગર્લફ્રેન્ડના હત્યારાને આઠ વર્ષની જેલઃ

ગયા વર્ષના નવેમ્બરની ૨૦મીએ પોતાની ગર્લફ્રેન્ડ લોરેન બ્લૂમરને ૩૦ વખત છરીના ઘા ઝીંકયા પછી તેના શરીર પર કાર હંકારનારા ૨૮ વર્ષીય જેક નોટમેનને સ્ટેફોર્ડ ક્રાઉન કોર્ટે ૨૪ નવેમ્બરે આઠ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફટકારી હતી. લોરેન અને જેક સ્ટેફોર્ડશાયરના ટેમવર્થના બિંગલે એવન્યુસ્થિત ઘરમાં કેનાબીસ બ્રાઉની સાથે ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જેક હિંસક બની ગયો હતો અને તેને ચાકુના ઘા માર્યા હતા. જેક નોટમેને મેનસ્લોટરનો ગુનો કબૂલ્યો હતો. તે પાંચ વર્ષ અને નવ મહિનાની સજા ભોગવ્યા પછી જેલમુક્તિ અથવા રીલિઝ ઓન લાયસન્સ મેળવી શકશે.

કોરોના ફેલાતો અટકાવવા ઘરને વેન્ટિલેટ રાખોઃ

શિયાળો આવી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા ઘરમાં દર કલાકે ૧૦ મિનિટ માટે બારીઓ ખુલ્લી રાખવા જણાવતું અભિયાન સરકારે હાથ ધર્યું છે. બંધ ઘરમાં લોકો સાથે મેળમિલાપ ચાલી રહ્યો હોય ત્યારે દર કલાકે ૧૦ મિનિટ માટે બારીઓ ખોલી નાખવા લોકોને જણાવાયું છે જેથી કોરોના વાઈરસના પાર્ટિકલ્સને ફેલાતા અટકાવી શકાય. સરકાર દ્વારા ટુંકી ફિલ્મો પણ દર્શાવાઈ રહી છે. ડોક્ટર્સ અને વિજ્ઞાનીઓ દ્વારા સરકારી ભંડોળ સાથેની કેમ્પેઈનને ટેકો અપાયો છે. હેલ્થ અને સોશિયલ કેર વિભાગ દ્વારા ૩,૦૦૦ લોકોનો સર્વે કરાયો હતો જેમાં, ૬૪ ટકા લોકો બારીઓ ખુલ્લી રાખવાથી કોવિડનો ફેલાવો અટકાવવામાં મદદ મળતી હોવાનું જાણતા ન હતા. માત્ર ૨૯ ટકા લોકો ઘરમાં કોઈ મુલાકાતી આવે ત્યારે જ બારીઓ ખોલતા હતા.

માત્ર ચાર અપરાધી જ દેશનિકાલ કરાયાઃ

માનવ અધિકારો મુદ્દે છેલ્લી ઘડીની કાનૂની અપીલોના પગલે માત્ર ૪ વિદેશી અપરાધીને બર્મિંગહામથી જમૈકા જતી ૧૦ નવેમ્બરની ડીપોર્ટેશન ફ્લાઈટમાં દેશનિકાલ કરી શકાયા હતા. ૩૩ વિદેશી અપરાધીઓને ફ્લાઈટમાંથી ઉતારી લેવાીની ફરજ પડી હતી. આ ૩૩ અપરાધીઓએ વિવિધ ગુનાઓ હેઠળ કુલ ૧૨૭ વર્ષની સજા ભોગવેલી છે. બીજી તરફ, દેશનિકાલ કરાયેલા ચાર અપરાધીએ ગંભીર ગુનાસર કુલ ૧૬ વર્ષ અને ૩ મહિનાની સજા ભોગવેલી હતી. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી. હોમ ઓફિસે ૩૦૦,૦૦૦ પાઉન્ડ ખર્ચીને ૩૫૦ લોકોને બેસવાની ક્ષમતા ધરાવતા એરક્રાફ્ટને ચાર્ટર કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter