• લેબર સાંસદ જેક ડ્રોમીનું મૃત્યુઃ

• સંક્ષિપ્ત સમાચાર (યુકે-૨)

Tuesday 11th January 2022 16:16 EST
 

બર્મિંગહામ એર્ડિંગ્ટનના ૭૩ વર્ષીય લેબર સાંસદ જેક ડ્રોમીનું મૃત્યુ ૬ જાન્યુઆરી, શુક્રવારે તેમના નિવાસે અચાનક મોત થયું હતું. છેક ૨૦૧૦થી બર્મિંગહામ એર્ડિંગ્ટનના લોકપ્રિય સાંસદ રહેલા ડ્રોમી શેડો હોમ ઓફિસ મિનિસ્ટર હોવાં ઉપરાંત, લેબર સાંસદોના જૂથના અધ્યક્ષ પણ હતા. લેબર સાંસદને ગત વર્ષે બે વખત કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને હેમખેમ બહાર આવ્યા હતા. મિ. ડ્રોમીએ પાર્ટઓના મહારાણી ગણાતી હેરિયટ હરમાન સાથે લગ્ન કર્યા હતા. વડા પ્રધાન જ્હોન્સન, લેબરનેતા સ્ટાર્મર અને રાજકીય પક્ષોના સાંસદોએ મિ. ડ્રોમીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

• કરદાતાના પૈસે માઈગ્રન્ટ્સની લીલાલહેરઃ

યુકેમાં વર્ષ ૨૦૨૧ના ગાળામાં ગેરકાયદે પ્રવેશેલા માઈગ્રન્ટ્સ બ્રિટિશ કરદાતાના પૈસે લહેર કરી રહ્યા છે. ગયા વર્ષે ૨૮,૦૦૦થી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સ યુકેમાં આવ્યા હતા અને તેમાંથી ૧૮,૦૦૦ થી વધુ તો યુકેની ફોર સ્ટાર હોટેલ્સમાં રખાયા છે. બ્રિટિશ નાગરિકો આસમાને જતા એનર્જી બિલ્સની ભીંસ ભોગવી રહ્યા છે ત્યારે માઈગ્રન્ટ્સને એક રાત્રિના ૧૨૫ પાઉન્ડના ભાડાંની હોટેલના રુમમાં રાખવામાં આવે છે. ગેરકાયદે માઈગ્રન્ટ્સને આ રીતે ફેન્સી ફોર સ્ટાર હોટેલ્સમાં રાખવાથી નાગરિકોમાં રોષ વધવા સાથે તેમને ડિટેન્શન સેન્ટર્સમાં રાખવાની માગ વધી છે. જાનના જોખમે ઈંગ્લિશ ચેનલ ઓળંગી ૨૦૨૧માં યુકેમાં પ્રવેશનારા ગેરકાયદે માઈગ્રન્ટ્સની સંખ્યા ૨૮,૩૯૫ થઈ હતી. ગત ૧૧ નવેમ્બરના એક જ દિવસે ૩૩ બોટ્સમાં થઈ ૧૧૮૫ માઈગ્રન્ટ્સ યુકેમાં પ્રવેશ્યા હતા. કેટલીક કાઉન્સિલો ચેનલ ઓળંગી આવનારા એસાઈલમ સીકર્સને રાખવાનો ઈનકાર કરે ચે અને ઘણી કાઉન્સિલ પાસે તો આવી જગ્યા જ બાકી રહી નથી.

• ત્રાસવાદને ફંડિંગ બદલ શિક્ષક પ્રતિબંધિતઃ

કાઉન્ટી ડરહામના ક્રૂકમાં હુનવિક પ્રાઈમરી સ્કૂલના પૂર્વ શિક્ષકા મિરિયમ સેબાઘ પર શકમંદ ત્રાસવાદીઓને નાણાભંડોળ પૂરુ પાડવા બદલ શિક્ષણ આપવા સામે આજીવન પ્રતિબંધ લગાવાયો છે. શિક્ષક ગેરવર્તન પેનલની સુનાવણીમાં શિક્ષિકા દ્વારા મિત્રને કટ્ટરવાદી બનાવવાના પ્રયાસનો મુદ્દો પણ ઉઠ્યો હતો. મિસ સેબાઘની ૨૦૧૭માં ધરપકડ થઈ હતી પરંતુ, તેની સામે ક્રિમિનલ ચાર્જીસ લગાવવા પૂરતા પુરાવા નહિ હોવાનું ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે ઠરાવ્યું હતું. મિસ સેબાઘે પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલી વ્યક્તિને ૨૫૦૦ પાઉન્ડ આપ્યા હોવાની માહિતી પણ બહાર આવી હતી. તેમણે અન્ય વ્યક્તિઓ, ચેરિટીઝ, ઓવરસીઝ એકાઉન્ટ્સ અને ક્રાઉડ ફંડેડ વેબસાઈટ્સને પણ અસંખ્ય ચૂકવણી કરી હતી. ગેરવર્તન પેનલના રિપોર્ટમાં કહેવાયું છે કે ઈસ્લામિક ઉપદેશનું સાચુ અર્થઘટન હિંસક જેહાદ હોવાની મિસ સેબાઘની માન્યતા હતી.

• કેનાબિસને ડિક્રિમિનલાઈઝ કરવા મેયર સાદિકની યોજનાઃ

કેનાબિસને ડિક્રિમિનલાઈઝ કરવાની લંડનના મેયર સાદિક ખાનની યોજનાથી લંડનમાં મર્ડરનો દર, ડ્રગસ લેવાનું પ્રમાણ અને બ્લેક માર્કેટિંગ વધી જવાનો ભય છે. ત્રણ બરો માટેની પાઈલોટ યોજના મુજબ ૨૫ વર્ષથી ઓછી વયની વ્યક્તિ પાસેથી કેનાબિસનું નાનું પ્રમાણ મળશે તો તેમને પ્રોસીક્યુશનનો સામનો નહિ કરવો પડે. આ લોકોએ અવેરનેસ કોર્સ અથવા કાઉન્સેલિંગ કલાસીસમાં જોડાવું પડશે. જોકે, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને લેબરનેતા સર કેર સ્ટાર્મર દ્વારા નઆ યોજનાની ભારે ટીકા કરાઈ છે. એક દાયકા અગાઉ, સાઉથ લંડનના લેમ્બેથમાં પણ આ જ પ્રકારના પગલાંથી ડ્રગ ‘ટુરિસ્ટ્સ’ વધવા સાથે ગુનાખોરી પણ વધી હતી.

• બ્લેર દંપતીનો £૮૦,૦૦૦નો ક્લેઈમઃ

પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમના પત્ની શેરીએ મિલિયોનેર હોવાં છતાં, કોવિડ ફર્લો સ્કીમમાં ૮૦,૦૦૦ પાઉન્ડનો ક્લેઈમ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. કરદાતાઓના ભંડોળ પ્રોગ્રામના લાભાર્થીઓની યાદીમાં ટોની બ્લેર અને શેરી બ્લેરનું નામ સામેલ થયું છે. કોરોના મહામારીના ગાળામાં નોકરીઓ બચાવવા માટે માર્ચ ૨૦૨૦થી આ પ્રોગ્રામ સ્થાપિત કરાયો હતો. બ્લેર દંપતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્ટાફના વેતનને પહોંચી વળવા ૭૬,૦૦૦ પાઉન્ડનો ક્લેઈમ કરાયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે જોબ રીટેન્શન સ્કીમ જાહેર કરી હતી જે હેઠળ તમામ બિઝનેસીસ અને વ્યક્તિઓ તેમની નાણાકીય સ્તિતિને ધ્યાનમાં લીધા વિના ફર્લો કરાયેલા સ્ટાફનું વેતન મેળવી શકતા હતા.

• બોરિસ વિરુદ્ધ કમિંગ્સનો નવો બોમ્બશેલઃ

વડા પ્રધાન જ્હોન્સનના પૂર્વ વિશેષ સલાહકાર ડોમિનિક કમિંગ્સે દાવો કર્યો છે કે તત્કાલીન કોવિડ નિયમોથી વિરુદ્ધ હોવાં છતાં, મે ૨૦, ૨૦૨૦ના દિવસે નંબર ૧૦ના ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ડ્રિન્ક્સનું આયોજન કરાયું હતું. અન્ય વિશેષ સલાહકારે આ કોવિડ નિયમોની વિરુદ્ધ હોવાની લેખિત ચેતવણી આપી હોવાં છતાં તેની અવગણના કરાઈ હતી. કમિંગ્સે બ્લોગમાં લખ્યું હતું કે તેઓ બીમાર હોવાથી વહેલા ઘેર જતા રહ્યા હતા પરંતુ, કાર્યક્રમ યોજાયો જ હતો. આયોજક અધિકારીની હકાલપટ્ટી કરવાની સલાહ જ્હોન્સને નકારી કાઢી હોવાનું પણ કમિંગ્સે જણાવ્યું હતું.

• કોવિડ વેક્સિન લેવાના ઈનકારની દલીલઃ

કિંગ્સ કોલેજ હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટના કન્સલ્ટન્ટ એનેસ્થેટિસ્ટ ડોક્ટર સ્ટીવ જેમ્સ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સમક્ષ દલીલ કરી હતી કે તેઓ વાઈરસ સામે સતત રહેવાના લીધે તેમનામાં એન્ટિબોડી પોઝિટિવની ઈમ્યુનિટી આવી હોવાથી કોવિડ વેક્સિન લેવાનો ઈનકાર કરે છે. જોકે, હેલ્થ સેક્રેટરીને આ દલીલ ગળે ઉતરી ન હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું હતું. ડો. જેમ્સ ૨૦૨૦ના આરંભથી જ કોવિડ પેશન્ટ્સની સારવાર કરતા રહ્યા હતા અને તેઓ વેક્સિનેશનમાં માનતા ન હોવાનું સાજિદને જણાવ્યું હતું. જોકે, હેલ્થ સેક્રેટરીએ લોકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter