• તમામ નવી કારમાં ડ્રાઈવર્સ પર ગતિમર્યાદા સાધનઃ

Wednesday 04th May 2022 08:22 EDT
 

ડ્રાઈવર્સને વાહનની ગતિ વધારતા અટકાવી શકે તેવા ઉપકરણ તમામ નવી કારમાં લગાવાશે. યુરોપિયન યુનિયનના વિવાદાસ્પદ ચુકાદાને સુસંગત સરકારની યોજના અનુસાર તમામ નવી કારમાં સ્પીડ લિમિટર્સ લગાવવાની યોજના છે. મિનિસ્ટર્સ દ્વારા વાહન સુરક્ષાના પગલાં તરીકે વાહનના એન્જિનની શક્તિ ઘટાડે અથવા ડ્રાઈવર્સ સ્પીડ વધારે ત્યારે એલાર્મ વાગવા લાગે તે પ્રકારના ઉપકરણો બાબતે કન્સલ્ટેશનની જાહેરાત કરાનાર છે. એમિશન્સ ઘટાડવા ઓછી સ્પીડની હિમાયત કરી રહેલા કેમ્પેઈનર્સ ગ્રૂપ આ પગલાંને ટેકો આપે તેવી શક્યતા છે. આ પગલાંમાં સ્થાનિક ગતિમર્યાદાનું મૂલ્યાંકન કરવા વાહન પર લગાવાતાં કેમેરા અને GPS ટ્રેકિંગના કોમ્બિનેશન સમાનકહેવાતા ઈન્ટેલિજન્ટ સ્પીડ આસિસ્ટન્ટ (ISA)નો સમાવેશ થશે. બીજી તરફ, સિટ્રોન, ફોર્ડ અને જાગુઆર સહિતના ઉત્પાદકોએ તેમની કેટલીક કારમાં આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ટોરી સાંસદોએ આ પગલાંને ‘બિગ બ્રધર ઈન યોર કોકપિટ’ તરીકે ગણાવ્યું છે. આ પગલાંથી લક્ઝરી કાર માર્કેટ સદંતર નષ્ટ થઈ જશે તેવી ચેતવણી પણ અપાઈ છે.

• આર્ચબિશપની માફી માગવા બોરિસનો ઈનકારઃ

બોરિસ જ્હોન્સન ઈમિગ્રેશન મુદ્દે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સામે હુમલા પરને વળગી રહ્યા છે અને તેમણે આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીની માફી માગવા ઈનકાર કર્યો છે. આર્ચબિશપે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવા મુદ્દે સરકારની ઈમિગ્રેશન પોલિસીની આકરી ટીકા કર્યા પછી બોરિસ જ્હોન્સને ટોરી સાંસદોની ખાનગી બેઠકમાં કહ્યું હતું કે ચર્ચના પાદરીઓ યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા કરવામાં નબળા રહે છે. જોકે, ચર્ચ દ્વારા જસ્ટિન વેલ્બી અને અન્યોએ રશિયન આક્રમણને કડકપણે વખોડતા નિવેદનો તરફ ધ્યાન દોર્યું હતું. લેબરનેતા સર કેર સ્ટાર્મરે ખોટા દાવા બદલ આર્ચબિશપ અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની માફી માગવા કોમન્સમાં જણાવ્યું હતુ પરંતુ, જ્હોન્સને તેનો ઈનકાર કર્યો હતો. જ્હોન્સને કહ્યું હતું કે સમુદ્રી ક્રિમિનલ ગેંગ્સ દ્વારા ચેનલમાં મોતનો અંત લાવવા ઘડાયેલી નીતિની આવી ટીકા થવાથી તેમને આંચકો લાગ્યો છે.

• 50 મોબાઈલ ફોનની ચોરીઃ

ગ્લેનફિલ્ડના ધ મિલ લેન ખાતે ઈન્ડસ્ટ્રિયલ પાર્કના પ્રીમાઈસીસમાંથી 50 મોબાઈલ ફોનની ચોરીના કેસમાં તપાસ કરી રહેલી લેસ્ટરશાયર પોલીસને બે વ્યક્તિની તલાશ છે. ચોરોએ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ઘૂસી મોબાઈલ ફોન્સનું બોક્સ ચોર્યું હતું. આ ચોર કંપનીના CCTV કેમેરામાં દેખાઈ રહ્યા છે. ગયા મહિને એટલે કે શુક્રવાર, 18 માર્ચે ચોરી થઈ હતી જેનો રિપોર્ટ કરાયો હોવાનું લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું. આ અંગે કોઈ માહિતી હોય તો જણાવવા પોલીસે લોકોને જણાવ્યું છે.

• નિકોલા સ્ટર્જન સામે કોવિડ નિયમભંગ ફરિયાદઃ

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ફેસ માસ્ક અંગે દેશના કોવિડ કાયદાનો ભંગ કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સ્થાનિક ચૂંટણીપ્રચારમાં સાઉથ લેનાર્કશાયરના ઈસ્ટ કિલબ્રાઈડમાં બાર્બર શોપની મુલાકાત વેળાએ ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને ફેસ માસ્ક પહેર્યો નહિ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સૌપહેલા 2014માં ફર્સ્ટ મિનિસ્ટર બનેલાં નિકોલા આ વીડિયોમાં ફેસ માસ્ક વિના જ કસ્ટમર્સ સાથે વાતચીત કરતાં અને બાર્બરની ખુરશીમાં બેછેલી વ્યક્તિના માથા પર હાથ ફેરવતા નજરે ચડે છે. જોકે, તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં આ જ કાર્યક્રમના અન્ય વીડિયોમાં ફેસ માસ્ક સાથે નિકોલા એક કસ્ટમરની દાઢીનું શેવિંગ કરતાં નજરે ચડે છે. અગાઉ ડિસેમ્બર 2020માં ફ્યુનરલ પ્રસંગે ફેસ માસ્ક નહિ પહેરવા બાબતે નિકોલાએ માફી માગી હતી.

• યુકે કાર ઈન્સ્યુરન્સ પ્રીમિયમનો વિક્રમઃ

બ્રિટનમાં કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્સ્યુરન્સ પોલિસીનું પ્રીમિયમ પ્રથમ ક્વાર્ટરમાં ગત 18 મહિનામાં સૌથી ઊંચું હોવાનું સર્વેમાં જણાયું છે. વધતા ફુગાવા અને રેગ્યુલેટરી ફેરફારોના પરિણામે તેમાં હજુ વધારો થતો રહેશે તેવી ચેતવણી પણ અપાઈ છે. યુકેના મોટરચાલકો હાલ કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્સ્યુરન્સ માટે આશરે 550 પાઉન્ડનું પ્રીમિયમ ચૂકવે છે. લોકડાઉનના લીધે વાહનચાલકો રોડ પર જતા ન હોવાથી અને કાર ઈન્ડસ્ટ્રીમાં સ્પર્ધા વધી હોવાથી 2021ના ઓટમ સુધીના એક વર્ષમાં કાર ઈન્સ્યુરન્સ પ્રીમિયમમાં ઘટાડો થયો હતો. હવે કામકાજ અને જીવન સામાન્ય બની રહ્યું છે અને ગત વર્ષની સરખામણીએ ક્લેઈમ્સ પણ વધવાની શક્યતા હોવાથી પ્રીમિયમનો ઘટાડો ધોવાઈ રહ્યો છે. આ ઉપરાંત, પોલિસી રિન્યુ કરાવતા કસ્ટમર્સ પાસેથી નવા કસ્ટમર્સ કરતાં વધુ પ્રીમિયમ લઈ ન શકાય તેવા નવા નિયમની અસર પણ પ્રીમિયમની રકમ પર પડી છે.

• સેંકડો સિવિલ સર્વન્ટ્સને યુક્રેન વિઝાની કામગીરીઃ

હોમ ઓફિસના યુક્રેન શરણાર્થી વિઝાનો બેકલોગ દૂર કરવા સેંકડો અધિકારી- કમર્ચારીઓને પડતર કામગીરી સોંપાઈ છે. શરણાર્થીઓના યુકે સ્પોન્સર્સે આકરી ટીકા કરી હતી કે વિઝાપ્રક્રિયામાં વિલંબના કારણે લોકોનું જીવન જોખમમાં મૂકાય છે. કેટલાક સ્પોન્સરે જણાવ્યું હતું કે ત્રણ સપ્તાહથી વધુ રાહ જોયા પછી પણ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી.આ પછી સેંકડો સિવિલ સર્વન્ટ્સને વ્હાઈટહોલમાંથી હોમ ઓફિસમાં મોકલી અપાયા છે. શરણાર્થીઓ માટે બે વિઝામાર્ગ નિશ્ચિત કરાયા છે. જો તેમનો નજીકનો પરિવાર યુકેમાં રહેતો હોય અથવા તેમના યોગ્ય સ્પોન્સર મળે તો તેઓ યુકે આવી શકે તેમ છે..

• હજારો વેક્સિનેટર્સને NHSમાં કાયમી ભૂમિકાઃ

ઈંગ્લેન્ડમાં કોવિડ-19માં વેક્સિનેશન્સ આપવામાં મદદ કરવા માટે આગળ આવેલા 10,000થી વધુ વોલન્ટીઅર્સને NHSમાં કાયમી ભૂમિકા મળી છે. કોરોના વેક્સિનના 120 મિલિયનથી વધુ ડોઝ અપાવવા આશરે 71,000 લોકોએ સવેતન કામગીરી બજાવી હતી અને વધુ હજારો લોકોએ વેક્સિનેશન પ્રોગ્રામમાં સ્વૈચ્છિક મદદ કરી હતી. પૂર્વ એરલાઈન કેબિન ક્રુ મેમ્બર્સ, જીમ મેનેજર્સ અને શેફ્સ સહિત 11,483 લોકોએ NHS સાથે જોડાઈ રહેવાનું પસંદ કર્યું છે. NHS ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે આના પરિણામે મહામારીથી સર્જાયેલા બેકલોગ્સનો સામનો કરવામાં મદદ મળશે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે પણ હેલ્થ સર્વિસ સાથે સંકળાઈ રહેવાના આ નિર્ણય બાબતે ખુશી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter