• લંડનમાં પ્રોપર્ટી ખરીદતા હોંગકોંગર્સઃ
હોંગ કોંગવાસીઓ વડા પ્રધાન જ્હોન્સને ફાસ્ટ ટ્રેક બ્રિટિશ સિટીઝનશિપની ઓફર કરી તે અગાઉની સરખામણીએ લંડનમાં બમણા ભાવે પ્રોપર્ટીઓ ખરીદી રહ્યા છે. મોટા ભાગની ખરીદી ભવિષ્યને ધ્યાનમાં રાખી કરાઈ છે. બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) પાસપોર્ટધારકોને વડા પ્રધાનની ઓફર પછી હોંગકોંગર્સને પ્રોપર્ટી વેચાણમાં ૧૪૪ ટકાનો વધારો થયો છે. આ જાહેરાત પછી લંડનના મકાનોના વેચાણમાં પૂર્વ બ્રિટિશ સંસ્થાનના રહેવાસીઓનો હિસ્સો ૪ ટકા થયો છે જે અગાઉના વર્ષમાં માત્ર ૧ ટકા હતો. આ પ્રોપર્ટીઝમાં ૨૭૦ પ્રોપર્ટીઝ પ્રાઈમ સેન્ટ્રલ એરિયા અને લંડનમાં અન્ય વિસ્તારોમાં ૧૯૩૨ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.
• ઈલેક્ટ્રિક વાહનોમાં £૧૬ બિલિયન ખર્ચાશેઃ
બ્રિટનના વાન કાફલાના ઓપરેટરો આ વર્ષે ઝીરો-એમિશન વાહનો પાછળ ૧૬ બિલિયન પાઉન્ડ ખર્ચશે જે ગત વર્ષ કરતાં ૫૦ ટકા વધુ હશે તેમ ઈન્ડસ્ટ્રીનો અંદાજ જણાવે છે. જોકે,બ્રિટિશ કંપનીઓની વિશાળ લઘુમતી તેમના ઈલેક્ટ્રિક વાનના કાફલાને ઘટાડી રહી છે. સિંગલ ચાર્જના મોડલના કારણે ડિઝલ વાન જેવું કામ લઈ શકાશે નહિ તેમ તેમને લાગે છે. ઝડપથી ઈલેક્ટ્રિક વાન અપનાવનારી કંપનીઓમાં એક બ્રિટિશ ગેસ ગ્રૂપ સેન્ટ્રિકા દ્વારા ૨૦૦ બિઝનેસીસના સર્વેમાં જણાયું હતું કે ગત ૧૨ મહિનાઓમાં બ્રિટિશ કંપનીઓએ ઈલેક્ટ્રિક વાન્સ અને ચાર્જિંગ ટેકનોલોજી પાછળ ૧૦.૫ બિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા.
• અશ્વેત મહિલા બેરિસ્ટર્સ સાથે ભેદભાવઃ
બાર કાઉન્સિલના રિપોર્ટના વંશીય લઘુમતી અને મહિલા બેરિસ્ટર્સ કમાણીની સીડીમાં સૌથી નીચે હોવાનું સ્પષ્ટ કરાયું છે. રિપોર્ટ અનુસાર અશ્વેત મહિલા બેરિસ્ટર્સ તેમના જુનિયર શ્વેત પુરુષ સહયોગીઓની સરખામણીએ વાર્ષિક સરેરાશ ૧૮,૭૦૦ પાઉન્ડ ઓછાં કમાય છે. પ્રોફેશનમાં સૌથી ઊંચા સ્તરે આવકમાં પણ અશ્વેત મહિલા બેરિસ્ટર્સ અને શ્વેત પુરુષો વચ્ચે મોટી વેતનખાઈ રહેલી છે. શ્વેત પુરુષ QC સરેરાશ આવકના માર્ક કરતાં સરેરાશ ૫૭,૪૦૦ પાઉન્ડ વધુ કમાય છે જેના પરિણામે તેમના અને અશ્વેત મહિલા બેરિસ્ટર્સ વચ્ચે ૭૬,૦૦૦ પાઉન્ડ વધુની વેતનખાઈ સર્જાય છે.
• રમઝાનમાં સ્ત્રીઓને મસ્જિદમાં પ્રવેશ નહિઃ
વિશ્વમાં લાકો મુસ્લિમો પવિત્ર રમઝાન મહિનામાં રોજા રાખે છે. યુકેમાં ઘણી મસ્જિદો સ્ત્રીઓને નમાજ પઢવા પ્રવેશ આપતી નથી. ઘણા લોકો પરિવર્તનની માગણી કરી રહ્યા છે. સ્ત્રીઓ પણ રમઝાન મહિનામાં રોજા-ઉપવાસ રાખે છે. જોકે, ઘણી મસ્જિદો હાલ વયોવૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓને પ્રવેશ આપતી નથી. આના માટે કોરોના વાઈરસ નિયંત્રણોનું કારણ અપાય છે. ઘણા પરિવારો ઘરમાં જ સાથે નમાજ પઠે છે પરંતુ, મસ્જિદોમાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ વ્યવસ્થા રખાય છે. પુરુષો માટે મુખ્ય પ્રેયર હોલમાં અને સ્ત્રીઓ માટે નાનો અલગ ખંડ ફાળવી અપાય છે. જોકે, યુકેની ૨૫ ટકાથી વધુ મસ્જિદોમાં સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા રખાતી નથી. પુરુષ-સ્ત્રીને સાથે સમાવવા માટે ‘ઓપન માય મસ્જિદ’ અભિયાન ચલાવતાં અનિતા નાયર કહે છે કે મહિલાઓ માટે ‘સેકન્ડ ક્લાસ’ જગ્યા અપાય છે.
• ક્વીનની સલામતી સામે જોખમઃ
પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પછી વિન્ડસર કેસલમાં સમય વીતાવતાં ક્વીનની સલામતી સામે નવું જોખમ સર્જાયું છે. રવિવાર, ૨૫ એપ્રિલની ઘટનામાં બે ઘૂસણખોરોએ વિન્ડસર એસ્ટેટમાં પ્રવેસ કર્યો હતો. આ ઘટનામાં ૩૧ વર્ષીય પુરુષ અને તેની ૨૯ વર્ષની ગર્લર્ફ્રેન્ડ વિન્ડસર્સ રોયલ લોજની વાડ કૂદીને અંદર પ્રવેશ્યાં હતાં. આ બંનેની ધરપકડ કરી મેઈડનહીડ પોલીસ સ્ટેશને લઈ જઈ વધુ તપાસ સુધી જામીન પર મુક્ત કરાયા હતા. આ સ્થળે ૯૫ વર્ષીય હર મેજેસ્ટી તેમના પ્યારાં ગલુડિયાંને ફરવા લાવે છે અને ઘોડેસવારી પણ કરે છે. આ અગાઉ પણ ગાર્ડ્સે ભૂલથી એક મહિલાને લોજના ગ્રાઉન્ડ્સમાં પ્રવેશ કરવા દીધો હતો.
• મેરેજ સર્ટિફિકેટ્સમાં માતાનું નામઃ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌપ્રથમ વખત મેરેજ સર્ટિફિકેટ્સમાં વરરાજા અને નવવધુની માતાઓના નામ પણ ઉમેરવામાં આવશે. અત્યાર સુધી યુગલના પિતાના જ નામ લખાતા હતા. પરંતુ, મેરેજ એક્ટમાં સુધારા સાથે બંને પેરન્ટ્સના નામ સમાવાશે. સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બંને પેરન્ટ્સના નામની નોંધણી કરવામાં આવે જ છે. આ ઉપરાંત, ૧૮૩૭ પછી સિસ્ટમમાં સૌથી મોટા સુધારા તરીકે લગ્નોની નોંધ અને દંપતીની સહીઓ રજિસ્ટ્રી બૂકમાં કરાતી હતી તેના બદલે નવા ઈલેક્ટ્રોનિક રજિસ્ટરમાં નોંધ પણ કરાશે. આ સુધારાઓ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સાથે પરામર્શ પછી કરાયા છે. દર વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રજિસ્ટર ઓફિસીસ, ચર્ચ અને ચેપલ્સ તેમજ નોંધાયેલા ધાર્મિક સ્થળોએ આશરે ૮૪,૦૦૦ લગ્નો થાય છે.