• શસ્ત્રક્રિયા માટે રાહ જોતી આઠમાંથી એક વ્યક્તિઃ

Wednesday 14th September 2022 06:16 EDT
 

ઈંગ્લેન્ડમાં હોસ્પિટલોમાં સારવાર માટે રાહ જોવાનો બેકલોગ વધી ગયો છે. આઠમાંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં ઓપરેશન અથવા અન્ય પ્રકારની સંભાળની રાહ જોવામાં છે. NHS Englandના જારી કરાયેલા નવા ડેટા મુજબ જુલાઈ મહિનાના અંત સુધીમાં 6.84 મિલિયન લોકો વેઈટિંગ લિસ્ટમાં છે જે એક વિક્રમ છે. મહામારી અગાઉ 4.2 મિલિયન લોકો સારવાર માટે રાહ જોઈ રહ્યા હતા. એમ્બ્યુલન્સ અને A&E માં રાહ જોવાના સમયમાં નજીવો ઘટાડો થવા સાથે ઈમર્જન્સી સંભાળમાં થોડો સુધારો નોંધાયો છે. આ વર્ષની શરૂઆતમાં 22,000 થી વધુ લોકો એવા હતા જેઓ બે કરતાં વધુ વર્ષથી રાહ જોઈ રહ્યા છે અને વધુ 50,000 લોકોનો તેમાં ઉમેરો થશે. હાલ બે વર્ષથી વધુ રાહ જોનારા લોકોની સંખ્યા 2,900ની છે.

• ગ્વેન્ટના ત્રણ પોલીસ વડાની હકાલપટ્ટીઃ

રિટાયરમેન્ટ પાર્ટી દરમિયાન ખરાબ વર્તન કરનારા ત્રણ પોલીસ વડાની હકાલપટ્ટી કરી દેવાઈ છે. એક અધિકારીએ મહિલા ઓફિસર સાથે સેક્સ્યુઅલ ગેરવર્તન આચર્યાનો આક્ષેપ છે જ્યારે તમામ ત્રણ ઓફિસરોએ સ્ટાફના જુનિયર કર્મચારીઓ સાથે અયોગ્ય વાતચીત કરી હોવાનું કહેવાય છે. ગ્વેન્ટ પોલીસના ડિટેક્ટિવ ચીફ સુપરિન્ટેન્ડન્ટ મેર બડ્ડેન, ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટ પોલ સ્ટેનિફોર્થ અને પૂર્વ ચીફ સુપરિન્ટેન્ડન્ટ માર્ક વોરેન્ડરે જૂન 2019માં કાર્ડિફ સિટી સેન્ટર ખાતે પૂર્વ ચીફ કોન્સ્ટેબલ માટે યોજાએલી પાર્ટીમાં હાજરી આપી હતી. 7 એપ્રિલથી 6 સપ્ટેમ્બર સુધીની મિસકન્ડક્ટ સુનાવણીમાં વોરેન્ડરે મહિલા ઓફિસર સાથે જાતીય અપરાધ કર્યો હોવાનું તેમજ તમામ ઓફિસર સામે ગેરવર્તનના આરોપ પૂરવાર થવાથી મેર બડ્ડેન અને પોલ સ્ટેનિફોર્થને તત્કાળ રુખસદ અપાઈ હતી. વોરેન્ડર નિવૃત્ત થયેલ છે.

• લેસ્ટરની દીવાળી લાઈટ્સ 9 ઓક્ટોબરે ઝગમગશેઃ

સમગ્ર વિશ્વમાં હિન્દુ, શીખ અને જૈનધર્મીઓ દ્વારા ઉજવાતા દીવાળીના તહેવાર માટે લેસ્ટર સજ્જ થઈ રહ્યું છે. લેસ્ટરની દીવાળીની ઉજવણી પ્રખ્યાત છે. લેસ્ટરની દીવાળી 2022ની લાઈટ્સને 9 ઓક્ટોબર રવિવારે સ્વિચ-ઓન કરાશે તેવી જાહેર લેસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. લેસ્ટરના બેલગ્રેવ એરિયામાં શુ વ્યવસ્થા કરાશે અથવા કેવા કાર્યક્રમો યોજાશે તેની વિગતો જાહેર કરાઈ નથી. કાઉન્સિલે કેટરિંગ, ઉત્પાદનોના વેચાણ, ફનફેર સહિત વિવિધ કામગીરી માટે વોલન્ટીઅર્સને આગળ આવવા અનુરોધ કર્યો છે. આ વર્ષે દીવાળીનો તહેવાર સોમવાર 24 ઓક્ટોબરે છે અને તે પાંચ દિવસ ચાલશે.

• વધુ એક મિલિયન લોકો ગરીબીમાં ધકેલાશેઃ

યુકેમાં આ શિયાળામાં વધુ એક મિલિયન લોકો ગરીબીમાં ધકેલાઈ જશે જેનાથી વંચિતતાનું પ્રમાણ બે દાયકામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે તેમ કન્ઝર્વેટિવ થિન્ક ટેન્ક ધ લેગાટુમ ઈન્સ્ટિટ્યૂટના વિશ્લેષણમાં જણાવાયું છે. સરકાર એનર્જી પ્રાઈસ મર્યાદાને વર્તમાન 1971 પાઉન્ડના દરે યથાવત રાખશે તો પણ ગરીબીના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાશે. હકીકત એ છે કે સરકારે પ્રાઈસ મર્યાદા 2500 પાઉન્ડની નિશ્ચિત કરી છે. આના પરિણામે વધુ 103 મિલિયન લોકો ગરીબીરેખાની નીચે પહોંચી જશે. 2018માં સ્થપાયેલા ધ સોશિયલ મેટ્રિક્સ કમિશનના નિષ્ણાતોએ હાઉસિંગ, બાળકો અને ડિસેબિલિટીના અન્ય ખર્ચાઓ ધ્યાનમાં લઈ પ્રમાણસરની આવકના ખ્યાલની તરફેણ કરી હતી.

• ગ્રેવસ્ટોન પર ‘ડેડ’ લખાવવા કોર્ટ કેસમાં જીતઃ

ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની કન્સિસ્ટરી કોર્ટે પિતાની કબર પરના પથ્થર પર ‘ડેડ-Dad’ લખાવવા પરિવારને પરવાનગી આપી છે. કેવિન બ્રૂક્સના પરિવારે બ્લુ પર્લ ગ્રેનાઈટના ગ્રેવસ્ટોન પર સોનેરી અક્ષરોમાં ‘ડેડ’ શબ્દ લખાવવાની તૈયારી કરી હતી પરંતુ, ન્યૂચેપલના સેન્ટ જેમ્સ ચર્ચે તેની પરવાનગી આપી ન હતી. આ કેસ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની કન્સિસ્ટરી કોર્ટ સમક્ષ આવ્યો હતો. ચર્ચના અધિકારીઓએ સોનેરી અક્ષરો અને ડેડ શબ્દ સામે વાંધો લીધો હતો અને ફાધર લખાવવાની પરવાનગી આપી હતી. જોકે, કન્સિસ્ટરી કોર્ટના જજ ડો. એન્થની વેર્ડુઈને ચર્ચ કાઉન્સિલના ચુકાદાને ઉલટાવી નાખ્યો હતો. બ્રૂક્સ પરિવારે દલીલ કરી હતી કે ચર્ચના ગ્રેવયાર્ડમાં અન્ય ગ્રેવસ્ટોન્સ પર ડેડ શબ્દ અંકિત કરાયેલા જ છે ત્યારે વિરોધ યોગ્ય નથી.

• ચેઈન સ્નેચર્સનો વધી રહેલો ઉપદ્રવઃ

લેસ્ટરના બેલગ્રેવ સહિતના વિસ્તારોમાં ચેઈન સ્નેચર્સનો ઉપદ્રવ વધી રહ્યો છે. ઓગસ્ટ મહિનાના ચાર સપ્તાહમાં આઠ વખત સોનાની ચેઈન્સ કે નેકલેસ ખેંચવાના કેસ બન્યા હતા. ચાર ઘટના તો 27 ઓગસ્ટ શનિવારના એક જ દિવસમાં ઘટી હતી. શહેરના વિસ્તારોમાં ચાલીને જઈ રહેલી સાત મહિલા અને 16 વર્ષીય ચીનેજરના ગળામાંથી ચેઈન અથવા નેકલેસ ખેંચી લેવાયા હોવાનું પોલીસે સમર્થન આપ્યું હતું. બેલગ્રેવ ઉપરાંત, એવિંગ્ટન, સ્પિની અને સેન્ટ મેત્યુઝ વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગ ઘટનાના રિપોર્ટ્સ કરાયા હતા. અગાઉ પણ ચાલીને જનારા અથવા બાઈક્સ પરના અપરાધીઓ દ્વારા ગુનાના કેસીસ જોવા મળ્યા છે. ઓફિસરોએ લોકોને બહાર જતી વખતે સોનાની આઈટમ્સ નહિ પહેરવા અથવા તેને બરાબર કવર કરવાની લોકોને સલાહ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter